મેરાન્યૂઝ નેટવર્ક, મોરબી : 'યે દસ્તી હમ નહીં તોડેગેં, છોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેગેં' આ ગીત બધાએ સાંભળ્યું હશે. આ ગીતના શબ્દો જેવી જ ઘટના મોરબીમાં બની. જેમાં એક મિત્ર પાણીમાં ડૂબતા તેને બચાવવા જતાં બીજો મિત્ર ડૂબ્યો અને બંનેને બચાવવા જતાં ત્રીજો મિત્ર પણ મોતને ભેટ્યો. આ કરૂણ ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઇ છે. 

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ગઇકાલે મોરબીના 6થી 7 મિત્રો રવિવારની રજા માણવા ટંકારાના લજાઈ ગામ નજીક આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે ગયા હતા અને ત્યાંથી તેઓ ડેમી-2 ડેમમાં નાહવા ગયા હતા. મિત્રો સ્નાન કરી રહ્યા હતા ત્યારે અમુક બહાર નીકળી ગયા હતા અને કેટલાક હજુ પાણીમાં મોજમસ્તીમાં વ્યસ્ત હતા. એ દરમિયાન એક મિત્રનો પગ લપસતાં તે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો., આથી બાકીના બન્ને તેને બચાવવા મરણિયા બન્યા હતા અને એ બન્ને પણ ડૂબવા લાગ્યા હતા અને એક પછી એક-એક એમ ત્રણેય મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં ત્રણેયનાં ડૂબી જવાથી મોત થયાં હતાં. 

Advertisement


 

 

 

 

 

બનાવની જાણ થતાં ટંકારા પોલીસની ટીમ, મોરબી ફાયરની ટીમ તેમજ મોરબી 108ની અલગ અલગ ત્રણ લોકેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહ બહાર કાઢી મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલવા તજવીજ હાથ ધરી હતી. 

આ ગોજારી ઘટનામાં 17 વર્ષના  રિશી ભાવેશભાઈ દોશી (રહે. પુનિતનગર, મોરબી), 19 વર્ષના દીપક દિનેશભાઇ હડિયલ (રહે. ક્રિષ્નાપાર્ક, મોરબી) અને 17 વર્ષના સ્વયમ જેઠાભાઇ ભાનુશાલી  (રહે. ક્રિષ્ના પાર્ક, મોરબી)માં મોત થયા હતાં. 
 

Advertisement