મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં પરપ્રાંતિયો ઉપર થયેલા હુમલાઓમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું માથું વાઢી લાવનારને એક કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશમાં એક સંસ્થા ધ્વારા કરવામાં આવી હતી. આ જાહેરાતનો પણ અલ્પેશ ઠાકોરે પડકારજનક જવાબ આપતા કહ્યું છે કે, પોતે રાત્રે ૧૨ વાગે પણ એકલો જ ફરતો હોવાથી જેણે મને મારવો હોય તે આવી જાય.

ગુજરાતમાં માસુમ બાળકીઓ ઉપર દુષ્કર્મના બનેલા બનાવો પછી પર પ્રાંતીયો ઉપર હુમલાઓના રાજ્યવ્યાપી બનાવો બન્યા હતા. જેમાં ભાજપ અને રાજ્ય સરકાર સહીત વિવિધ સંસ્થાઓ ધ્વારા આ હુમલાઓ માટે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના ભડકાઉ ભાષણને જવાબદાર ગણી આક્રોશ વ્યકત કરવામાં આવ્ય હતો. જેમાં ઉતરપ્રદેશના મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડે અલ્પેશ ઠાકોર માટે એક કરોડના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ લગભગ એક અઠવાડિયા પછી આ જાહેરાત સામે ધારાસભ્ય અને ઠાકોર ક્ષત્રીય સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે પહેલી વખત જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ ઇનામની જાહેરાતનો જવાબ પણ આક્રમક શૈલીમાં આપ્યો છે. ડિસા નજીક માણેકપુરા ગામમાં ગરબાના એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા અલ્પેશ ઠાકોરે પહેલીવાર આ જાહેરાતના મુદ્દા પર વાત કરી હતી. તેમણે કહ્યું કે, રાતે ૧૨ વાગે પણ હું એકલો ફરૂ છું..જેણે મને મારવો હોય તે આવી જાય...આ પહેલા મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડેના કહેવાતા અધ્યક્ષ ભવાની ઠાકોરે અલ્પેશ ઠાકોરને રાક્ષસી પ્રકૃતિના ગણાવી કહ્યુ હતુ કે, અમારા કાર્યકરો ગુજરાતમાં જઈને અલ્પેશ ઠાકોરનુ માથુ કાપી લાવશે. જેમાં ઉત્તર પ્રદેશના એક  જિલ્લામાં આ જાહેરાત સાથે પોસ્ટરો પણ લાગ્યા છે.