ડૉ. હેમિલ પી લાઠીયા (મેરાન્યૂઝ.અમદાવાદ): ૨૮/૦૧/૨૦૨૦ મહા સુદ ૪ મંગળવારના દિવસે ગણેશ ભક્તો માટે તેની ઉપાસના માટે શ્રેષ્ઠ અંગારકી ચોથ આવે છે , ચોથ તિથિ સુદ પક્ષ અને વદ પક્ષમાં આવતી હોય છે. તેમાં સુદ પક્ષની ચોથ વિનાયક અને વદ પક્ષની ચોથ સંકટ ચોથ તરીકે ઓળખાય છે અને તેમાં પણ મંગળવારે ચોથ આવે તે અંગારકી ચોથ તરીકે વિશેષ મહત્વ ધરાવે છે.

ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ગણેશ ગણ અધ્યક્ષ છે, વિઘ્ન હરતા પણ છે સર્વ મંગલકાર્યમાં પ્રથમ પૂજનીય છે, તેમને મંગળવાર વિશેષ મહત્વ ધરાવે છે, લાલ જાસૂદ, મોદક, દૂર્વા પ્રિય છે.

પુરાણ અને ધાર્મિકગ્રંથોમાં પણ ઋષિમુનિઓ દ્વારા વિવિદ્ય રીતે ગણપતિની પૂજા ભક્તિ કરીને ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાના ઉલ્લેખ જોવા મળે છે.

ગણપતિદાદાના જુદા જુદા વ્રત પૂજનમાં મંગળવારે સુદ પક્ષની ચોથ અંગારકી વિનાયક ચોથ તરીકે ઓળખાય છે. આ દિવસે વહેલી સવારે સ્નાનાદિ થી નિવૃત થઈ ગણપતિ નું ૨૧ વાર નામ સ્મરણ કરીને પૂર્વાભિમુખ બેસી એક બાજોઠમાં ગણપતિ દાદાનું સ્મરણ કરતા સ્થાન એક લાલ અથવા સફેદ આસન પર સ્થાપન કરવું, ધુપ, દીપ,પૂજા કરી ૨૧/ ૫/ ૧ નંગ મોદકનો પ્રસાદ અર્પણ કરવો, દૂર્વા પ્રિય હોવાથી અર્પણ કરવા, લાલ જાસૂદ પણ પ્રિય છે તો તે પણ અર્પણ કરી શકાય, પછી ગણપતિ અર્થવસ્તોત્ર, ગણપતિમંત્ર જાપ કરવા અને ચન્દ્રોદય થાય ત્યારે ચંદ્રના દર્શન કરવા પછી પ્રસાદમાં અર્પણ કરેલ વસ્તુ ગ્રહણ કરવી જો ૨૧ મોદક ધર્યા હોય તો ૧ ગણપતિને, ૫ બ્રાહ્મણ અને બાકીના પ્રસાદ તરીકે વેહચવા, યથાશક્તિ અને માર્ગદર્શન વડે વ્રત કરવું ઇચ્છનીય છે. ઘણા વિદ્વાન લાલ દાડમના દાણા અને ગોળ ગણપતિને પ્રિય હોવાનું માની ને અર્પણ કરવાનું સૂચવે છે. 

ચોથના વ્રતમાં તિથિનું ધ્યાન રાખવું પડતું હોય છે ક્યારે ત્રીજ તિથિ સવાર કે બપોર સુધી હોય પછી ચોથ બેસતી હોય તેવી વખતે માર્ગદર્શન મેળવી અને ચંદ્ર દર્શન વગેરે બાબત નક્કી કરવા ઇચ્છનીય છે.

અંગારકી વિનાયક ચોથ કરવાથી ગણપતિ દાદાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સંસારની ઉપાધિ, સંતાન ની ચિંતા જેવી, આકસ્મિક સંતાપ દૂર થાય છે.