દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): ઉતરાયણ આવતાં જ પક્ષીઓ માટેનો જોખમી સમય શરૂ થઈ જાય છે. દર વર્ષે હજારો પક્ષીઓ દોરીથી ઘાયલ થાય છે. આ પક્ષીઓને બચાવવા માટે ઉતરાયણ પર તો મર્યાદા રાખી શકાય નહીં, તેથી જે પક્ષીઓ ઘાયલ થાય તેને ઝડપથી સારવાર મળે તે જ ઉદ્દેશ રાખવામાં આવે છે. આ જ કારણે અમદાવાદ અને અન્ય શહેરોમાં પક્ષી બચાવવાની ટીમો બે દિવસ ખડે પગે સેવા આપે છે. પક્ષીઓ માટેનું એવું જ પ્રિય સ્થળ નળસરોવર છે. અહીંયા પણ ઉતરાયણના દિવસો દરમિયાન પક્ષીઓ પર જોખમ વધે છે, તેમાંથી કેટલાંક પક્ષીઓ તો ખૂબ દુર્લભ છે. આમ તો જ્યારે જીવનું જોખમ હોય છે ત્યારેં દુર્લભ અને દુર્લભ ન હોય તેવા પક્ષીઓ વચ્ચે ભેદ ન કરી શકાય. અહીંયા આ પક્ષીઓને બચાવવા માટે સાણંદમાં આવેલી સાધનના ફાઉન્ડેશન કાર્ય કરે છે. આ વર્ષે ઉતરાયણમાં તેર ઘાયલ પક્ષીઓને બચાવવામાં આવ્યા. આ પક્ષીઓમાં બે આઇબીસ, એક હોલો અને સમડી અને નવ કબૂતર હતા.

બર્ડ ફ્લૂના કારણે આ વખતે પક્ષીઓને બચાવવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી. આ ગાઇડલાઇન મુજબ સામાજિક સંસ્થાઓના કર્મચારીઓએ પક્ષીઓને બચાવતી વખતે પીપીઈ કીટનો ઉપયોગ અનિવાર્ય રાખવામાં આવ્યો છે. કોરોના ઉપરાંત હવે બર્ડ ફ્લૂના કારણે પક્ષી બચાવનારોએ પીપીઈ કીટ પહેરીને જ આ બચાવકાર્ય કર્યું છે. સાધના ફાઉન્ડેશનના ચેરમેન ગૌરવ ઠક્કર છે અને તેઓએ ઉતરાયણ દરમિયાન પક્ષીઓને બચાવવાના અભિયાન અંગે જણાવ્યું હતું કે, આમ તો વર્ષભર પક્ષીઓને બચાવવાનું કાર્ય કરે છે. પરંતુ ઉતરાયણ નિમિત્તે 11 થી 30 જાન્યુઆરીથી ઘાયલ થવાના કેસ વધુ જોવા મળે છે. પક્ષી ઘાયલ થવાનો કોલ આવે કે તુરંત પક્ષીઓને પ્રાથમિક સારવાર આપવા માટે ટીમ રવાના થાય છે. પરંતુ જો વધુ સારવારની જરૂર જણાય તો બોડકદેવ પાસે આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરમાં પક્ષીઓને લઈ જવામાં આવે છે. આ કાર્ય અર્થે સાણંદ પાંજરાપોળ પણ સંકળાયેલું છે અને ઘાલય પક્ષીઓને રાખવા માટે પક્ષી ઘર સાણંદ પાંજરાપોળ દ્વારા જ આપવામાં આવે છે.