મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ ધોરાજીના ભુખી ગામ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને હાર્દિક પટેલ જળસમાધિ લે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત બાદ પણ ચાલુ વાને મીડિયા કર્મીઓએ તેઓના ઈન્ટરવ્યૂ લીધા હતા. જેને લઈને ફરજમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા પોલીસ વડાએ 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

ધોરાજીના ભુખી ગામે બે દિવસ પૂર્વે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા, પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિતનાઓ દ્વારા જળસમાધિ લેવાય તે પહેલાં પોલીસે તેમની અટકાયત કરી હતી. તેઓને પ્રિઝનર વાનમાં જેતપુર લઈ જવાતા હતા ત્યારે જ મીડિયાકર્મીઓ દ્વારા વસોયા અને હાર્દિક પટેલ સહિત પ્રતાપ દુઘાત તેમજ લાખાભાઈ ડાંગરનું ઈન્ટરવ્યુ લઈ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. 

ગૃહ વિભાગ દ્વારા આ બાબતની ગંભીરતા પૂર્વક નોંધ લઈ જિલ્લા પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી. જેને પગલે આ તકે વાનના બંદોબસ્તમાં રહેલા ધોરાજી હેડ કોન્સ્ટેબલ ભીમાભાઈ હાજાભાઈ ગંભીર અને જામકંડોરણા કોન્સ્ટેબલ અજીતભાઈ રણમલભાઈ ગંભીર તેમજ LCB ના રૂપકબહાદુર તેજબહાદુર તથા કરશનભાઈ કલોત્રાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવતા પોલીસબેડામાં સન્નાટો છવાયો છે.