અનિલ પુષ્પાંગદન (મેરાન્યૂઝ.ગાંધીનગર): લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારને કોઈપણ સંજોગોમાં નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડવું છે અને તેમાં પણ, વરસાદ ઓછો પડ્યો હોવાના કારણે ખેડૂતો કેનાલમાંથી પાણીની ચોરી કરે છે તેવું સરકાર માને છે. જેના કારણે પાણી ચોરી અટકાવવા માટે સરકારે એસઆરપીના આઈજી પીયુષ પટેલને તાત્કાલીક અસરથી રાજકોટ મોકલી આપ્યા છે અને સુપરવિઝનની ખાસ જવાબદારી પણ તેમના માથે મુકી દીધી છે.

નર્મદા કેનાલમાંથી મોટા પાયે પાણીની ચોરી થતી હોવાનો પત્ર સરદાર સરોવર નર્મદા નિગમે સરકારને લખ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં વરસાદ પ્રમાણમાં ઓછો પડ્યો છે. ગુજરાતમાં વરસાદની ભારે ઘટ છે તેવા સંજોગોમાં નર્મદાના પાણી પર જ નભવું પડે તેવી સ્થિતિ છે. સરકારને લોકસભાની ચૂંટણી પહેલા નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડવું છે, પરંતુ કચ્છ સુધી પહોંચાડવામાં આવતા પાણીની કેનાલમાં પાણીની મોટા પાયે ચોરી થાય છે. અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, મોરબીમાંથી પસાર થતી કેનાલમાંથી પાણીની ચોરી થઈ રહી હોવાનો નર્મદા નિગમનો દાવો છે અને પોલીસ પાસે નર્મદાના પાણીની ચોરી અટકાવવા રક્ષણની માગણી કરી છે.

રાજ્ય સરકારે હથિયારી એકમો (એસઆરપી)ના ગાંધીનગરના આઈજી પીયુષ પટેલને તાત્કાલીક અસરથી રાજકોટ મોકલી આપ્યા છે. તેમને સુપરવિઝનની તમામ જવાબદારી તેમના હસ્તક જ આપી છે. રાજકોટ રેન્જ ડીઆઈજી સંદિપસિંગએ પણ આઈજી પીયુષ પટેલ જે પણ આદેશ આપે તેની અમલવારી કરાવવાની રહેશે. રાજકોટ એસઆરપી રેન્જમાં પણ આઈજી રેન્કના અધિકારી છે. તેમણે પણ પોલીસની કામગીરીમાં સહકાર આપવાનો રહેશે. ઉપરાંત ગુપ્તચર વિભાગને પણ કયા વિસ્તારોમાં પાણીની ચોરી થાય છે તેની માહિતી પોલીસ સુધી પહોંચાડવાની સૂચના આપી છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા પોતે આ તમામ કામગીરીનું નિરિક્ષણ ગાંધીનગર બેસીને કરી રહ્યા છે.