પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગાંધીનગર અને અમદાવાદમાં ચાર-ચાર હત્યાને અંજામ આપનાર સિરિયસ કિલર મદન નાયકને પકડવામાં પોલીસ 11 મહિના પછી સફળ રહી, અત્યંત ચાલાક મદન હત્યાને અંજામ બાદ પોલીસ કરતા એક ડગલુ આગળ ચાલતો હોવાને કારણે પોલીસની પક્કડથી બહાર નિકળી જતો હતો, કોઈ પણ સીસી ટીવીમાં તે આવી જાય નહીં તેની પુરતી તકેદારી તેણે રાખી હતી, ત્રણ હત્યાને અંજામ બાદ જયારે તેનો સ્કેચ પોલીસે જાહેર કર્યો ત્યાર બાદ તેની પાસે લૂંટના માલ ખરીદનાર અમદાવાદના વિશાલે તેના સ્કેચ અંગે પુછયુ મદન સમજી ગયો કે ગમે ત્યારે વિશાલનો ઉપયોગ કરી પોલીસ તેના સુધી પહોંચી શકે છે એટલે તેણે વિશાલની પણ હત્યા કરી નાખી હતી, આ મામલે પોલીસે પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ હતું આમ છતાં કીલરનો પત્તો લાગતો ન્હોતો, અમદાવાદ ક્રાઈમ, એટીએસ -ગાંધીનગર પોલીસ અને સીઆઈડી ક્રાઈમની જોઈન્ટ એસઆઈટી થાકી ગઈ ત્યારે એક હોમગાર્ડ જવાન તેમની મદદે આવ્યો અને પોલી  કીલર મદન નાયક સુુધી પહોંચી શકી હતી.

ગત નવેમ્બર મહિનાથી ગાંધીનગરમાં એક પછી એક હત્યાઓ થવા લાગી હતી, તમામ હત્યામાં એક સરખા જ હથિયારનો ઉપયોગ થતો હોવાને કારણે પોલીસને અંદાજ આવી ગયો કે સીરીયલ કીલરનું કામ છે, ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ એસઆઈટી બનાવી આરોપીને ઝડપી લેવા કામ શરૂ કર્યુ પણ ગાંધીનગર પોલીસ તેમા સફળ થઈ નહીં, જેના કારણે ગુજરાત એટીએસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ મહિનાઓ સુધી કામ કર્યુ આમ છતાં કીલર અંગે કોઈ જાણકારી મળી નહીં, ટેકનીકલ સર્વેલન્સમાં માહિર એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ પણ સર્વેલન્સ દ્વારા કોઈ જાણકારી મેળવી શકી નહીં કારણ હત્યારો હત્યાના સ્થળે ફોનનો ઉપયોગ કરતો ન્હોતો, બીજી તરફ સિરીયલ કીલર લોકોની વચ્ચે ફરતો હોવાને કારણે વધુ હત્યા થવાનો ડર પણ હતો, ગૃહ વિભાગ પણ આ મામલે પોલીસ ઉપર દબાણ કરી કોઈ પણ ભોગે આરોપીને ઝડપી લેવા  આદેશ આપી રહ્યુ હતું.

ત્રણ એજન્સીઓ નિષ્ફળ જતા હવે સીઆઈડી ક્રાઈમ આ તપાસમાં જોડાઈ હતી પણ તેમને એક નાનકડી માહિતી મળી કે હત્યારાએ જે સ્કુટરનો ઉપયોગ કર્યો હતો તે સ્કુટર સેટેલાઈટ વિસ્તારમાંથી બીન વારસી હાલતમાં મળી આવ્યુ હતું પણ ત્યાં તપાસ  પાછી અટકી ગઈ હતી, હત્યારો પકડાયો તે અગાઉ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના વડા આશીષ ભાટીયાએ એક જોઈન્ટ મિટીંગ બોલાવી જેમાં એટીએસના ડીઆઈજી હિમાંશુ શુકલ, ક્રાઈમ ડીસીપી દિપેન ભદ્રન અને ગાંધીનગર એસપી મયુર ચાવડા હાજર રહ્યા હતા આ મિટીગમાં તમામ એજન્સીઓએ પોતાની પાસે રહેલા માહિતી શેર કરી હતી. આ મિટીંગ બાદ હિમાંશુ શુકલએ પોતાની ટીમને સેટેલાઈટ મોકલી તપાસ શરૂ કરાવતા સ્કુટર કબજે લેનાર સેટેલાઈટ પોલીસના જમાદાર પાસે કોઈ વધારાની માહિતી મળી નહીં.

સેટેલાઈટના જમાદાર પાસે એટલી જ માહિતી હતી કે પીસીઆઈ વાનના ધ્યાનમાં આ બીન વારસી સ્કુુટર આવતા તેમણે પોલીસ સ્ટેશન જાણ કરી અને સ્કુટર કબજે લીધુ હતુું, એટીએસના અધિકારીઓ જયાં સ્કુટર મળી આવ્યુ તેની આસપાસ સીસી ટીવી ચેક કર્યા તો ત્યાં એક પણ સીસી ટીવી કેમેરા નહીં હોવાને કારણે સ્કુટર કોણ મુકી ગયુ તેની જાણકારી મળી નહીં, આમ દરેક વખતની જેમ પોલીસ એક ડગલુ ચાલી અટકી જતી હતી, આરોપી અંગે જાણકારી નહીં મળતા હિમાંશુ શુકલએ પોતાના સ્ટાફને પોલીસની જુની સ્ટાઈલ પ્રમાણે આસપાસના વિસ્તારમાં જઈ ફિઝીકલી તપાસ કરવાનો આદેશ આપ્યો.

એટીએસનો સ્ટાફ સેટેલાઈટ વિસ્તારમાં જઈ સ્કુટર જયાંથી મળ્યુ ત્યાં જઈ આસપાસના એક કિલોમીટર વિસ્તારમાં સ્કુટર  કોણે મુકયુ તેની  માહિતી લેવાની શરૂઆત કરી પણ સ્કુટર કોણે મુકયુ તેની જાણકારી કોઈ પાસે ન્હોતી, દિવસો સુધી એટીએસનો સ્ટાફ સેટેલાઈટ વિસ્તારમાં ફરતો પાંચમાં દિવસે રાતે એક હોમગાર્ડ જવાન એટીએસના સ્ટાફને મળ્યો તેને કુતુહલવશ પોલીસને પુછયુ કે રોજ તમે અહિયા કોને શોધવા આવો ત્યારે પોલીસે આ સ્ળથેથી મળેલા બીનવારસી સ્કુટર અંગે પુછતા તેણે ઘટસ્ફોટ કર્યો કે અહિયાથી જે સ્કુટર  બીનવારસી મળી આવ્યુ તે સ્કુટર તો તે પોતે થોડા દિવસ પહેલા અહિયા મુકી ગયો હતો, આ સાંભળતા પોલીસની આંખો ચાર થઈ ગઈ હતી.

હોમગાર્ડ જવાને આખી વાત માંડીને કરતા કહ્યું સ્કુટર પોલીસને મળ્યું તેના એક સપ્તાહ પહેલા તે નાઈટ ડ્યૂટીમાં હતો, ત્યારે રોડની સામે તરફ એક સ્કુટર ઉપર એક યુવક-યુવતી બેસી વાતો અને મસ્તી કરી રહ્યા હતા, જો કે તેણે આ ઘટનાને ગંભીરતાથી લીધી ન્હોતી કારણ સેટેલાઈટ વિસ્તાર માટે આવા પ્રકારના દશ્ર્યો સહજ છે, પણ એકાદ કલાક પછી ત્યાંથી એક પીસીઆર વાન પસાર થઈ તેમણે આ યુવક-યુવતીને મસ્તી કરતા જોયા એટલે ચાલુ વાને અંદર બેઠેલા પોલીસવાળાએ શું કરો છો તેવી બુમ પાડતા સ્કુટર ઉપર બેઠેલો યુવક તરત ત્યાંથી નિકળી ગયો, જો કે પીસીઆર વાન પણ રોકાઈ ન્હોતી, પણ આ ઘટના જોઈ રહેલા હોમગાર્ડને હવે વાતમાં ગરબડ લાગી કારણ યુવતી સ્કુટર ઉપર બેઠી હતી પણ પેલો યુવક પોલીસ વાન જોતા જ જતો રહ્યો હતો.

આથી હોમગાર્ડ જવાન ઉઠી પેલી યુવતી પાસે ગયો અને તેની સાથે યુવક કોણ હતો અને પોલીસને જોઈ કેમ જતો રહ્યો તે અંગે પુછપપરછ કરી પેલી યુવતી પણ ગલ્લા તલ્લા કરવા લાગી આથી હોમગાર્ડને કુનેહપુર્વક પેલી યુવતી પાસે તેનો મોબાઈલ ફોન માંગ્યો અને તેના ફોનમાંથી પોતાના ફોનમાં રીંગ કરી તેનો નંબર સેવ કરી લીધો હતો, જો કે ત્યારે યુવતી કોઈ ગુનાહીત કામ કરતી ન્હોતી તેના કારણે તેની સામે કોઈ કાર્યવાહી કરવાનો પ્રશ્ન ન્હોતો પણ માત્ર કઈક ગરબડ છે તેવી શંકાના આધારે તેણે યુવતીનો નંબર લઈ લીધો હતો, જો કે હોમગાર્ડની પુછપરછને કારણે ડરી ગયેલી યુવતી સ્કુટર ઉપરથી ઉતરી ચાલવા લાગતા, હોમગાર્ડ જવાને તેને સ્કુટર લઈ જવાનું કહેતા તેણે કહ્યુ મારો મિત્ર આવી લઈ જશે.

જો કે લાંબો સમય થવા છતાં ત્યાં પડી રહેલુ સ્કુટર લેવા કોઈ આવ્યુ નહીં એટલે તેણે સલામતી માટે પાર્કિગમાં મુકી દીધુ હતું, જે હવે સેટેલાઈટ પોલીસ પાસે બીનવારસી સ્કુટર તરીકે હતું, આ માહિતી અતિ ગંભીર સાબીત થવાની હતી પોલીસે હોમગાર્ડને પુછયુ કે પેલી યુવતીનો ફોન નંબર હતી તારી પાસે છે એટલે તેણે તરત પોતાના ફોનમાં ડાયલ કરેલો નંબર પોલીસને બતાડયો, એટીએસ દ્વારા તે નંબરના સીડીઆર કઢાવ્યા તો અનેક જાણકારી  મળી એટીએસની ટીમ પેલી યુવતીના ઘરે પહોંચી અને યુવતી એટીએસને મદન નાયકના ઘરે લઈ ગઈ હતી જો કે મદને પોતાનો ચહેરો બદલી નાખ્યો હોવાને કારણે એટીએસ પણ તેને સામે હોવા છતાં ઓળખી શકી નહીં પણ યુવતીએ એટીએસના અધિકારીને કહ્યુ કે આ મદન નાયક છે જેના આધારે તે પકડાયો જો કે એક હોમગાર્ડની સજાગતાને કારણે  એટીએસ સિરીયલ કીલર સુધી પહોંચી પણ પોલીસની પ્રેસનોટમાં આ હોમગાર્ડ જવાનનો કોઈ ઉલ્લેખ ન્હોતો.