મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગાંધીનગરના વલાદ ગામમાં ગાયકવાડના શાસન સમયની સ્કૂલ છે અને જે તે સમયે બનાવેલી આ સ્કૂલ આજે કાર્યરત તો છે પણ તેની હાલત હાલ કફોડી છે. ગામની વસ્તી ૯,૫૦૦ હોવા છતાં આરોગ્યકેન્દ્ર નથી અને લોકોએ અમદાવાદના નરોડાના દવાખાને જવું પડે છે.

ગાંધીનગર તાલુકાનું વલાદ ગામ જ્યાં અંગ્રેજોના સમયે ગામમાં સ્કૂલ હોય અને ૩૦ કિમી દુરથી બાળકો ભણવા આવતા હોય તે સ્કૂલની હાલત આજે દયનીય બન ગયી છે. આ સ્કૂલ હયાત તો છે પણ વરસાદી પાણી અને તૂટી રહેલા ચણતરનો સામનો આજે બાળકો અને શિક્ષકો આ સ્કૂલમાં કરી રહ્યા છે. સ્કૂલની અત્યંત દયનીય પરિસ્થિતિને કારણે તેને તોડીને નવી સ્કૂલ બનાવવાની રજુઆતો કરવામાં આવી હોવા છતાં સરકારી તંત્ર કોઈ કાર્યવાહી કરતુ નથી જેના પરિણામે બાળકો અને શિક્ષકો મજબુરીમાં શિક્ષણ કાર્ય ચલાવી રહ્યા છે.

મેરાન્યૂઝે જ્યારે સ્કૂલની મુલાકાત લીધી ત્યારે ક્લાસરૂમમાં બાળકનોને એક શિક્ષિકાએ જણાવ્યું કે એમના ક્લાસરૂમમાં મકાન જુનું હોવાથી બે ખાડા પડ્યા હતા અને તેમનો પગ એમાં આવી જતા ઈજા થઇ હતી. ત્યારબાદ શિક્ષિકાએ જાતે જ ખાડો પુરાવ્યો હતો, પણ હાલ પરિસ્થિતિ જુના બાંધકામના તમામ રૂમોમાં એવી જ છે. સ્કૂલ બહારથી જોતા કોઈ અત્યંત જુના મકાન જેવી લાગે છે જેમાં વરસાદના સમયે ઉપરથી પાણી પડે છે અને ગરમીના સમય દરમિયાન અત્યંત ગરમી. આ સ્કૂલને નવી બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ગામમાં સરપંચ દ્વારા અત્યાધુનિક ઈન્ટરનેટ સર્વિસ ફ્રી પરી પાડવામાં આવી છે જેમાં હાઇસ્પીડ ઈન્ટરનેટ સેવા વાઈફાઈથી મફતમાં ઉપયોગ કરી શકાય છે જે ગાંધીનગરની વાઈફાઈ કરતા પણ સુવિધાની અને સ્પીડની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે.

સરપંચે જણાવ્યું કે, અમારા ગામમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે પરંતુ સરકારી દવાખાનું ન હોવાથી ગામના લોકો હેરાન થાય છે. દર્દીને અહિયાંથી નરોડા લઇ જવું પડે અને તેનું ભાડું ૩૦૦ રૂપિયા થાય, અમુક સમયે અને સીઝનમાં તો ખાનગી વાહન પણ ન હોય જેથી ગરીબ દર્દીઓ હેરાન થાય છે. અમે માંગણી મુકી છે અને જગ્યા પણ આપવાની કહી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બને તો અમારા ગામ સહીત આજુબાજુના ૧૦ ગામના ૪૦,૦૦૦ લોકોને એનો લાભ મળે.