પ્રશાંત દયાળ ,(મેરાન્યૂઝ, અમદાવાદ):   2010માં નિર્લિપ્ત રાય ભારતીય પોલીસ સેવામાં જોડાયા તે પહેલા તેઓ ઈન્ડીયન રેવન્યુ સર્વિસના અધિકારી હતા. મુળ તો તેઓ દિલ્હી યુનિર્વિસિટીમાં પ્રાધ્યાપક હતા. પોલીસ સેવામાં જોડાયા પછી તેમનો પ્રોબેશન કાળ હિમંતનગર રહ્યો હતો, ત્યારે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી તરીકે પ્રફુલ પટેલ હતા. નિર્લિપ્ત રાયનું પ્રોબેશન પુરૂ થતાં તેમને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવ્યા હતા. જ્યાથી તેમણે એક વર્ષ બાદ બઢતી મેળવી અને નાયબ પોલીસ કમિશનર તરીકે અમદાવાદ ઝોન-7માં મુકાયા હતા.

આ વખતે તેમને અમદાવાદના પોલીસ  કમિશનર શિવાનંદ ઝા દ્વારા અમદાવાદનાં કુખ્યાત બુટગેલર કમલેશ ભૈયાને ત્યાં ક્રોસ રેડ કરવાનો આદેશ મળ્યો અને તેઓ રેડમાં ગયા પણ ખરા પણ ત્યાં તેમની ઉપર હુમલો થયો અને પણ ત્યાર બાદ પોલીસનું આંતરિક રાજકારણ કામ કરી ગયુ અને તેમની બદલી થઈ અમદાવાદ જિલ્લાના ડીએસપી તરીકે, ત્યાં ગયા પછી તેઓ અરજદારનો સીધા મળતા હતા. છેલ્લા કેટલાંય વર્ષોથી ગુજરાતના દલિતો ફરિયાદ કરે છે કે સરકાર તેમને જમીન તો આપે છે પણ તેની ઉપર કબજો કોઈ બીજા માણસનો હોય. આ મુદ્દે આજ સુધી  કોઈ કાર્યવાહી થઈ નહીં.

પરંતુ ડિએસપી નિર્લિપ્ત રાયે દલિતોની જમીન ઉપર ગેરકાયદે કબજો કરનારને પકડી પકડી જેલમાં નાખી દીધા હતા. આવુ ગુજરાતમાં પહેલી વખત થઈ રહ્યુ હતું. જો કે રાયનો અમદાવાદ ડીસીપી તરીકેનો કાર્યકાળ લાંબો ચાલ્યો નહીં, તેમને બદલી અમદાવાદથી સુરત ડીએસપી તરીકે કરી દેવામાં આવી હતી. ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે વલસાડ બુટલેગરોનો એન્ટ્રી પોઈન્ટ છે, નિર્લિપ્ત રાયને દારૂ રોકવામાં તેમના આઈજીપી શમશેરસિંગની મદદ મળી અને બંન્ને પોલીસ અધિકારીઓ વ્યુહ રચના બનાવી દારૂ રોકવા માટે દમણની ફેક્ટરી સુધી પહોંચી ગયા.

દારૂબંધીની વાત કરી સરકારને લાગ્યુ કે ભુલ થઈ તેમણે તરત નિર્લિપ્ત રાય અને શમશેરસિંગને ત્યાંથી ખસેડી દીધા અને રાયને ઈન્ટેલિઝન્સ બ્યુરોમાં ડીએસપી તરીકે મુક્યા હતા. બિટકોઇનના મામલે પોલીસ અધિકારીઓની સંડોવણી હોવાનું બહાર આવતા ગુજરાત પોલીસની આબરૂ સુધારવા માટે હવે નિર્લિપ્ત રાયને અમરેલીના એસપી તરીકે મુકવામાં આવ્યા છે. આ તેમની નોકરી કાળની છઠ્ઠી બદલી છે. જો કે તેઓ ક્યારેય પોતાના પોસ્ટીંગ માટે નેતાઓ અને સિનિયરને મળતા નથી અને રાજકારણી તેમજ પોતાના સિનિયર જ્યારે નિયમ વિરૂધ્ધના કામ બતાડે ત્યારે તેઓ કરી શકતા નથી તે તેમની નબળાઈ છે, તેના કારણે તેઓ અમરેલી પણ કેટલુ ટકશે તે કહેવુ મુશ્કેલ છે.