મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ પોલીસનો ખૌફ હવે ધીમે ધીમે સામાન્ય લોકોમાં પેસી રહ્યો છે જ્યારે ચોર-બદમાશોમાંથી ઓસરી રહ્યો છે. આમ તો સામાન્ય માણસ હેલમેટ કે માસ્ક વગર ક્યાંય ફરકીય શક્તો નથી ત્યાં ચોરો-બદમાશો ચોરીનું બાઈક-ઘાતક હથિયાર ગમે ત્યાં બિન્દાસ્ત લઈને જતા હોય છે. અમદાવાદમાં એક ગજબની ઘટના બની છે. લોકો આ ઘટનામાં ચોરની હિંમતને જોઈ આશ્ચર્યમાં છે. કારણ કે ચોરે ખુદ અમદાવાદ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનની બહાર પડેલું અને એમાંય પોલીસ કર્મીનું જ બાઈક ચોરી લીધું છે. આ તો જાણે ચોરી સામેથી જ પોલીસને ચેલેન્જ આપવા માગતો હોય તેવો ઘાટ ઘડાયો છે. 

અમદાવાદના એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મનહરભાઈ પરમાર ગત 28મી જુલાઈએ નાઈટ ડ્યૂટીમાં હતા. તેઓ ડ્યૂટી પર બાઈક લઈને પોલીસ સ્ટેશન આવ્યા હતા. તેમણે બાઈક બ્રિજની નીચે પાર્ક કર્યું હતું. દરમિયાન વહેલી સવારે ડ્યૂટી પુરી કરી તેઓ ઘરે જવા નિકળ્યા. તેમણે પોતાનાનું બાઈક જ્યાં મુક્યું હતું ત્યાં ન જોયું તેથી તેમણે આજુ બાજુ તપાસ કરી પરંતુ ક્યાંય મળ્યું નહીં. તેમને અંદાજ આવી ગયો કે બાઈક ચોરી થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે 28મી જુલાઈની રાત્રે નાઈટ કર્ફ્યૂ હતો, છતાં ચોર પોલીસ કર્મચારીનું જ બાઈક ઉઠાવી લેવામાં સફળ રહ્યો તે આશ્ચર્ય છે. જોકે ઘણા લોકોના વાહનો અઠવાડિયેને અઠવાડિયે ચોરાતા હોય છે. ઘણા કેસ સામે આવે છે. સાયકલ, બાઈક, મોબાઈલ, મોપેડ, કાર વગેરે વાહનો ચોરાય છે. જેમાંથી કેટલાક પકડાય છે તો ઘણા ચોરો ચોરી કર્યા પછી હજુ સુધી હાથ લાગ્યા નથી. હવે લોકોની મીટ એ તરફ મંડાઈ છે કે આ ચોર હાથમાં આવે છે કે કેમ? યા પછી આ કેસમાં પણ લોકોની જેમ આ પોલીસ કર્મચારીને પણ પોતાની મહેનતની કમાણીનું વાહન ભૂલી જવું રહ્યું કે શું?.....