મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: વિધાનસભાની ચૂંટણી વખતે રાજકોટમાં હાર્દિક પટેલે મહાક્રાંતિ સભા યોજી હતી. મેદાનમાં પટેલ સમાજનુ સંમેલન કરવાની મંજુરી મેળવી સભા યોજવા બદલ તેના વિરુદ્ધ માલવિયાનગર પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ ગુનાનો જવાબ આપવા હાર્દિક આજે રાજકોટ આવી પહોચ્યો હતો. આ તકે માલવિયાનગર પોલીસ સ્ટેશન બહાર હાર્દિક પટેલની સાથે મોટી સંખ્યામાં PAASનાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ તકે હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે, માત્ર 10 દિવસમાં રાજ્યના મુખ્યમંત્રી બદલાશે તેમજ આ જવાબદારી ક્ષત્રિય અથવા પાટીદાર નેતાને સોંપવામાં આવશે તેવો દાવો પણ તેણે કર્યો હતો.

વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે યોજાયેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું રાજીનામું લેવાઈ ચૂક્યું છે. જો કે ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે આ વાતનું ખંડન કર્યુ હતું અને કોંગ્રેસ જે નથી બોલી શકતી તે પોતાના એજન્ટ હાર્દિક પટેલ પાસે બોલાવે છે. મુખ્યમંત્રી રૂપાણી દ્વારા સારી કામગીરી કરાઈ રહી છે. તાજેતરમાં સમગ્ર રાજ્યમાં જળસંચય અભિયાન સફળતા પૂર્વક પાર પાડ્યું હતું. તેમજ ગુજરાતની જનતા મુખ્યમંત્રીની કામગીરીથી સંતુષ્ટ છે. ત્યારે મુખ્યમંત્રી બદલવાનો કોઈ સવાલ જ ન હોવાનું પણ તેમણે કહ્યું હતું.