મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત પોલીસ દળમાં આવનાર બે સપ્તાહમાં મોટા પાયે ફેરબદલ થવાની સંભાવના જોવામાં આવી રહી છે, છેલ્લાં છ મહિનામાં અડધો ડઝન કરતા વધુ આઈપીએસ નિવૃત્ત થઈ ચુકયા છે. તેમાં સ્થાને નવા અધિકારીની નિમણૂંક થઈ નથી પણ ખાલી પડેલી જગ્યાનો હવાલો અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે. જેનાં કારણે ઘણા આઈપીએસ અધિકારીઓ  પાસે બે કરતા વધુ ચાર્જ છે.

2019માં એક ડઝન કરતા વધુ આઈપીએસ અધિકારીઓ વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે, અગાઉ આઈપીએસ અધિકારી એસ કે દવે, શશીકાંત ત્રિવેદ્દી, આર જે પારધી, આર એસ ભગોરા આને મોહન ઝા નિવૃત્ત થયા છે જ્યારે આ મહિનાના અંતમાં સુરતના પોલીસ કમિશનર સતીષ શર્મા પણ નિવૃત્ત થઈ રહ્યા છે. આમ માસના અંતે કુલ છ મહત્વની જગ્યાઓ ખાલી થશે, અગાઉ નિવૃત્ત થયેલા પાંચ સિનિયર અધિકારીઓની જગ્યાનો હવાલો અન્ય આઈપીએસ અધિકારીને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘણા આઈપીએસ અધિકારીઓ એક જ સ્થળે લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા હોવાને કારણે તેમને પણ ખસેડવામાં આવે તેવી સંભાવના છે.

ગુજરાતના સિનિયર આઈપીએસ અને ગુજરાતની જેલોના વડા મોહન ઝા હાલમાં જ નિવૃત્ત થયા છે. તેમનો હવાલો સીઆઈડી ક્રાઈમના એડીશનલ ડીજીપી અજય તોમરને સોંપવામાં આવ્યો છે. જ્યારે સીઆઈડીના ક્રાઈમના ડીજીપી આશીષ ભાટીયા લાંબી રજા ઉપર હોવાને કારણે અજય તોમર પાસે સીઆઈડી ક્રાઈમના ડીજીપીનો પણ હવાલો છે, આ ઉપરાંત ગુજરાત એસીબીનો હવાલો પણ અજય તોમર પાસે છે. આમ અજય તોમર પોતાના મુળ સ્થાનની સાથે વધારાના ત્રણ ચાર્જ સંભાળી રહ્યા છે. લગભગ આવી સ્થિતિ અનેક અધિકારીઓની છે જેના કારણે ફેરબદલ આ મહિનામાં જ આવે તે સંભાવના છે.

ગુજરાત સરકારની ગુડ બુકમાં રહેલા પુર્વ આઈપીએસ અધિકારી જયેશ ભટ્ટને નિવૃત્તી પહેલા એક્શટેંશન મળે તેવી ચર્ચા હતી પરંતુ તેવું થયુ નહીં પણ નિવૃત્તી બાદ તરત તેમને ગુજરાત માનવ અધિકાર પંચમાં નિયૂક્તી આપવામાં આવી હતી. આ જ પ્રકારે ડીજીપી મોહન ઝાને પણ નિવૃત્તી પહેલા તેમનો નોકરીકાળ વધારી આપવામાં આવશે તેવું માનવામાં આવતું હતું પણ તેમના કિસ્સામાં તેવું થયું નથી અને હજી સુધી તેમને રાજ્યમાં અન્ય કોઈ જવાબદારી સોંપવામાં આવી નથી, જ્યારે હવે હવે સરકારની ખાસ્સા નજીક ગણાતા સુરતના પોલીસ કમિશનર સતીષ શર્મા પણ નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે તેમનો નોકરીકાળ પણ વધારવાની દરખાસ્ત ગુજરાત દ્વારા કેન્દ્ર સામે થાય તેવી ચર્ચા છે જો કે તે અગે ખરેખર શુ નિર્ણય થાય છે તેની જાણકારી તો 1 સપ્ટેમ્બરના રોજ થશે.

ગુજરાતના મોટા ભાગના પોલીસ ઈન્સપેકટર્સની જગ્યા ખાલી છે. પોલીસ સબ-ઈન્સપેકટોર્સને ઈન્સપેકટર તરીકે બઢતી આપવાનો મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો, જેમાં કોર્ટના દ્વારા ખખડાવનાર પીએસઆઈની માગણી હતી કે ડીજીપી ઓફિસ દ્વારા સિનિયોરીટી લીસ્ટ બનાવાવામાં આવ્યું તેમાં મેરીટને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી, પણ હવે આ મામલાનો કાયદાકીય ઉકેલ આવી ગયો છે. જેનાં કારણે બહુ મોટી સંખ્યામાં પીએસઆઈને ઈન્સપેકટર તરીકે બઢતી આપી પીઆઈની ખાલી જગ્યાઓ ભરી દેવામાં આવશે તેવો અણસાર મળી રહ્યો છે.