પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): પૈસાનું જીવનમાં કોઈ મહત્વ નથી, મને પૈસાદાર થવાની કયારેય ઈચ્છા નથી, પૈસા તો હાથનો મેલ છે તેવું આપણે અનેક વખત આપણી આસપાસના લોકો પાસે સાંભળ્યું છે, હું પોતે પણ તેવું વર્ષો સુધી માનતો રહ્યો કે પૈસો જ આપણું સર્વસ્વ હોઈ શકે નહીં, પણ કાળક્રમે અને અનુભવે સમજાવ્યું કે પૈસો સર્વસ્વ નહીં હોવા છતાં યોગ્ય માત્રમાં પૈસા હોવા પણ જરૂરી છે, વિપરીત પરિસ્થિતિમાં ખીસ્સામાં રહેલા પુરતા પૈસા એક પ્રકારનો આત્મવિશ્વાસ પુરો પાડે છે, તેથી જ શ્રીમંત થવાની ઈચ્છા અને શ્રીમંત થવાના પ્રયત્ન કરવા કોઈ ખોટી બાબત નથી, આપણી આસપાસ એવા અનેક લોકો છે જેઓ મહેનત કરી ખુબ પૈસા કમાય છે એવા અનેક લોકો છે. જેઓ પોતાનો પદનો સાચો ખોટો ઉપયોગ કરી પૈસા કમાય છે. કોણે કઈ રીતે પૈસા કમાવવા તે અત્યંત વ્યકિતગત પ્રશ્ન છે. તેના કારણે આપણે તે વિષયની અહીં ચર્ચા કરીએ તે યોગ્ય નથી, પરંતુ વાત શ્રીમંત થવાની અને પૈસા કમાવવાની હોય ત્યાં સુધી આવી ઈચ્છા અને તેના માટેના પ્રયત્ન કરવા તેમાં કઈ ખોટુ નથી.


 

 

 

 

 

મારા સહિત અનેક લોકો એવા છે કે જ્યારે પણ તેમને શ્રીમંત થવાનો વિચાર આવ્યો તેની સાથે દોષીતપણાનો ભાવનો જન્મ થયો, પણ મને હવે સમજાય છે કે તેમાં દોષીતપણા જેવું કંઈ નથી, જો તમને કોઈનો અધિકાર છીનવી અથવા અયોગ્ય રીતે પૈસા કમાવવાનો પ્રયત્ન કરો તો જરૂર દોષીતપણાનો ભાવ જન્મવો જોઈએ જો ખોટું કર્યા પછી પણ મનમાં કોઈ ડંખ થતો નથી જરૂર આપણી અંદર કઈક ગરબડ છે, આપણાથી કયારેક જાણી જોઈ તો કયારેયક અજાણતા ખોટું થવાનું જ છે, પણ જયારે પણ આપણે તેવું કરીએ ત્યારે તેનો ડંખ રહેવો જોઈએ, અને માત્ર ડંખ રહે તે પુરતું નથી પણ જે ભુલ થઈ છે તેવી ભુલ ફરી થાય નહીં તેની પણ તકેદારી રાખવી જોઈએ, આમ મારૂ મન સ્પષ્ટ છે કે પૈસાદાર થવાની ઈચ્છા અને તે માટે થોડી બુધ્ધી અને મહેનતો ઉપયોગ કરી શ્રીમંત થવામાં કઈ ખોટું નથી અને દરેક માણસે તે દિશામાં વિચારવું પણ જોઈએ.

પરંતુ જ્યારે જ્યારે માણસે શ્રીમંત થવાનો પ્રયત્ન કર્યો ત્યારે ત્યારે મને સમજાયું કે શ્રીમંત કેટલુ થવું છે તેનું કોઈ પ્રમાણભાન રહેતુ નથી, આમ તો ઈચ્છાઓ કયારેય પુરી થતી નથી તેવું કહી આપણે પોતાની સાચી ખોટી ઈચ્છાઓને ખરી ઠરાવવાનો પ્રયત્ન કરીએ છીએ, ખરેખર શ્રીમંત થવાની ઈચ્છા થાય ત્યારે આપણે એક લિટી પણ દોરી રાખવી જોઈએ કે આપણે કેટલાં પૈસા કમાવવા છે અને કયાં અટકી જવાનું છે, મોટા ભાગના લોકોને કયાં અટકવુ તેનો અંદાજ આવતો નથી, શ્રીમંત થવાની દોડમાં તેઓ સતત સેન્સેકસ જેવા થઈ જાય છે. હજારો કમાતો માણસ લાખોપતિ થાય છે અને લાખો કમાતો માણસ કરોડપતિ થાય છે, એક વખત તમે લાખોપતિ અને કરોડપતિ થયા પછી શું કરશો તેની કોઈ બ્લ્યૂ પ્રિન્ટ હોતી નથી, આપણી આસપાસ આવા લાખોપતિ અને કરોડપતિઓની કતાર છે.

એક આઈપીએસ અધિકારીએ મને કહ્યું હતું કે જ્યારે પૈસા ન્હોતા ત્યારે ખુબ પૈસા આવે તેવી ઈચ્છા હતી. પછી ખુબ પૈસા આવવા લાગ્યા, પહેલા સરસ બંગલો. , સરસ કાર લીધી પછી થોડીક જમીન લીધી, હજી પૈસા આવવાનું ચાલુ છે હવે દર મહિને ચલણી નોટોની થપ્પી ઉપર વધુ થપ્પી મુકાતી જાય છે પણ હવે પહેલી વખત પૈસા કમાયા તેવો આનંદ મળતો નથી, પૈસા તો આવતા રહે છે પણ તેમાં આનંદ મળતો નથી આવુ મોટા ભાગના શ્રીમંતો સાથે થાય છે, એટલે શ્રીમંતો પૈસામાંથી આનંદ શોધવા માટે નવા બંગલા ખરીદે છે, મોંઘી કાર, મોંઘા ફોન, મોટી કલબના સભ્ય થાય છે, વિદેશ પ્રવાસ કરે છે, આવું બધુ જ તેઓ કરે છે તેમાં કઈ જ ખોટું નથી, આ દેશના દરેક નાગરિકની આવી જીંદગી હોવી જોઈએ, પણ આ બધુ તેઓ આનંદ મેળવવા માટે કરે છે પણ બધુ કર્યા પછી તેમને લાગે છે હવે શું કરીશું, રોજ સવારે ભારતીય રિર્ઝવ બેન્ક ચલણી નોટ છાપવાના મશીનની જેમ ફરી વધુ નોટો કમાવવામાં લાગી જાય છે, તેઓ કંઈ પણ કરી પોતાનો વ્યસ્ત રાખવાનો  પ્રયત્ન કરે છે.


 

 

 

 

 

માણસે મૃત્યુના દિવસ સુધી કામ કરવુ સારી બાબત છે પણ આપણે કોના માટે કામ કરીએ છીએ તેની ખબર હોવી જોઈએ, એક સારી જીંદગી મળે તે માટે કમાવી લીધા પછી આપણી આસપાસ રહેલા લોકોની જીંદગી સારી થાય તે માટે પણ આપણું મન વિચારે એટલો તેનો અવકાશ આપવો જોઈએ, જેઓ બાંધ્યા પગારમાં નોકરી કરે છે અથવા જેમને પોતાની નિવૃત્તી ચોક્કસ આવક અથવા પેન્શનમાં પસાર કરવાની છે, તેમની હું વાત કરતો નથી, પણ જેઓ હાથ પગ ચલાવે નહીં છતાં બે-ચાર પેઢીઓને પણ વાંધો આવે નહીં તેવા શ્રીમંતોએ બીજી જીંદગીને સારી બનાવવા માટેનો વિચાર કરી તે દિશામાં જરૂર કંઈક કરવું જોઈએ, આપણી આસપાસ ખીસ્સાના દરીદ્રો કરતા મનના દરીદ્રોની સંખ્યા વિશેષ છે, તેઓ જે કમાયા છે તેના કારણે તેમના ખીસ્સા પણ ફાટી જાય એટલા પૈસા છે, પરંતુ તેમનો હાથ ખીસ્સામાં પૈસા મુકવા માટે જાય છે પૈસા કાઢી બીજાને આપવા માટે જતો નથી.

વર્ષો સુધી હું એક દોષીતપણાના ભાવમાં જીવ્યો, આમ તો મને રોડ સાઈડ લારીઓ ઉપર રોટલી શાક જમવાનું વધારે સ્વાદીષ્ટ લાગ્યું છે મને કોઈ હોટલ તાજ અથવા રસ્તા ઉપર લારી ઉપર જમવાનું આમંત્રણ આપે તે હું પહેલી પસંદગી રસ્તા ઉપરની લારીના ભોજનને આપુ પરંતુ લગ્ન થયા, પત્ની આવી અને બાળકો થયા પછી તેમની ઈચ્છા તો થોડીક સારી કહેવાય તેવા રેસ્ટોરાંમાં જવાની હોય એટલે જવું પડયું, પણ જ્યારે જ્યારે હું કોઈ રેસ્ટોરાંમાં જતો અને બે-ચાર હજારનું બીલ ચુકવી બહાર નિકળતો ત્યારે દોષીત હોવાની લાગણી થતી, મને લાગતુ કે મારા એક દિવસના રેસ્ટોરાંના બીલમાં કોઈ એક પરિવારનો આખો મહિને નિકળી જાય, પણ પછી મેં એક રસ્તો શોધી કાઢયો. પરિવારને ખુશ રાખવાનો છે, પરંતુ આપણા માટે જે એક દિવસનો ખર્ચ છે તે કોઈ પરિવારનો આખા મહિનાનો ખર્ચ છે, મેં નક્કી કર્યું કે કોઈને કહ્યા વગર મારા પરિવારને પણ કહ્યા વગર કોઈ એક પરિવારનો મહિનો સુધરે તેવી વ્યવસ્થા મારે કરવાની છે.

મેં તેવું કરવાની શરૂઆત કરી, તેનું ચત્કારી પરિણામ જોયું, કદાચ ઈશ્વરમાં ભરોસો નહીં કરતા મારા આધુનિક મિત્રોને મારી વાતમાં મુર્ખતા લાગે પણ બીજાને મદદ કરી શકું તે માટે મારી ક્ષમતામાં વધારો થતો ગયો, મને સમજાયું કે મારી શ્રીમંતાઈ મારૂ બેન્ક બેલેન્સ વધે તેમાં જ નથી, પરંતુ મારી શ્રીમંતાઈ મારી આસપાસના લોકોની દરીદ્રતા ઘટે તેમાં છે, મારે શ્રીમંત થવુ છે, પરંતુ મેં મારા જીવનમાં એક યાદી બનાવી છે જેમાં મારે તેમને પણ આનંદીત જોવા છે, ઈશ્વર પાસે આપણે તમામ હાથ જોડીને રોજ માંગીએ છીએ, હું પણ માંગુ છું મારે પણ શ્રીમંત થવું છે, પરંતુ ઈશ્વરને મારી પ્રાર્થના છે કે મને ખુબ આપજે, પરંતુ જ્યારે આપે ત્યારે બીજાને આપવાનું મન પણ આપજે.