રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): બિહાર ભલે ગરીબ છે; પરંતુ ત્યાંના યુવાનો હવે જાગી ગયા છે. એકલા કનૈયાકુમાર જ સત્તાપક્ષના કેટલાંય નેતાઓની ઊંઘ હરામ કરી મૂકે તેવું વૈચારિક ભાથું ધરાવે છે. વિધાનસભાની ચૂંટણી 28 ઓક્ટોબર/3 તથા 7 નવેમ્બર 2020ના રોજ થવાની છે. આ ચૂંટણીને અનુલક્ષીને એક ભોજપુરી ગીત ‘બિહાર મેં કા બા !’ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યું છે. બિહાર મેં કા બા-બિહારમાં શું છે? ગીતમાં કટાક્ષ છે. આ ગીત લખનાર, ગાનાર 24 વર્ષની એક સામાન્ય ઘરની યુવતી નેહા રાઠૌર એકાએક સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે ! તેના ફોલોવર્સની સંખ્યા 10 લાખથી વધુ થઈ ગઈ છે ! વિપક્ષને મુદ્દો મળી ગયો છે.

નેહા બિહારના કૈમૂર જિલ્લાના જલદહાં ગામના રમેશસિંહની દીકરી છે; જે 2018માં કાનપુરમાં BSc કરીને સંગીત ક્ષેત્રમાં આવી છે. તેણે બેરોજગારી અંગે એક ગીત લખ્યું, ગાયું જે વડાપ્રધાનના જન્મદિને લોકોએ સૌથી વધુ શેયર કર્યું હતું ! તેણે જુદી જુદી સમસ્યાઓ અંગે અનેક ગીતો લખ્યાં છે. તે લોકોનો અવાજ બનવા ઈચ્છે છે; એટલે લોકોને સ્પર્શતા મુદ્દાઓ ઉપર ગીત લખે છે અને ગાય છે. ભોજપુરી ગીતોમાં અશ્લીલતા વધી ગઈ હતી; તેવા સમયે સામાજિક, રાજકીય મુદ્દાઓને વ્યંગપૂર્ણ શૈલીમાં રજૂ કરીને નેહાએ મોટું રચનાત્મક કામ કર્યું છે.


 

 

 

 

‘બિહાર મેં કા બા’ ગીતમાં બિહારની સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે. બેરોજગારી, ખેડૂતોની બેહાલી, શિક્ષણની ખરાબ હાલત, ઉદ્યોગ ન હોવાથી બીજા રાજ્યોમાં જતાં શ્રમિકો, પૂરથી થયેલી તારાજી વગેરે મુદ્દાઓને લોકગીત શૈલીમાં રજૂ કર્યા છે. આ ગીતની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે સત્તાપક્ષને, આ ગીત સામે બિહારના ગુલાબી વિકાસની વાત રજૂ કરવા ‘બિહાર મેં ઈ બા’ 2 મિનિટ 35 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર તરતો મૂકવાની ફરજ પડી છે ! જેવો આ વીડિયો રજૂ થયો કે તરત જ આ વીડિયોમાં કરેલા દાવાઓની પોલ ખોલતા બીજા વીડિયો સોશિયલ મીડિયા ઉપર રજૂ થયા. એક વીડિયોમાં બિહારની મેડિકલ કોલેજમાં ભૂંડ સૂતા હોય, ઉદ્દઘાટન પહેલા પૂલ તૂટી ગયાનો પર્દાફાશ થયો !

નેહા કહે છે : “એક લોકકલાકાર પોતાના ગીતના માધ્યમથી સરકારની ખામીઓ દર્શાવીને સત્તાને એટલી પ્રભાવિત કરી શકે જેથી તેને ‘બિહાર મેં કા બા’નો જવાબ આપવા ‘બિહાર મેં ઈ બા’થી આપવો પડ્યો; તો વિચારો, આપણે સૌ લોકો જાગૃત બનીએ, આપણા હક્ક જાણીએ, આપણા અધિકારની લડાઈ લડીએ વિકાસ થયા વિના ન રહે !” નેહાએ પોતાની યુટ્યુબ ચેનલ ‘ધરોહર’ મારફતે પોતાનો અવાજ એ કાનો સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે; જેને હજુ સુધી વંચિતો, શ્રમિકોની ચીસ ભેદી શકી નથી !

એક જાગૃત યુવતી એક લોકગીત મારફતે સત્તાપક્ષનો શ્વાસ રુંધી શકે છે; સત્તાપક્ષની ઊંઘ ઉડાડી શકે છે; તેનું ઉદાહરણ નેહા રાઠૌડ છે ! સવાલ એ છે કે ગુજરાતના યુવાનો, બિહારના યુવાનો જેટલા જાગૃત કેમ નથી? ગુજરાતમાં કનૈયાકુમાર, નેહા રાઠૌડ કેમ ઊભા થતાં નથી? શું ગુજરાતના કલાકારો સત્તાપક્ષની સભાઓ પહેલા ડાયરાઓ જ ગજવ્યા કરશે કે લોકોને જગાડશે? ગુજરાતમાં સામૂહિક આત્મહત્યાઓ થઈ રહી છે, યુવાનો બેરાજગાર છે, સરકારી શાળાઓ બંધ થઈ રહી છે, શિક્ષણ અતિ મોંઘું થઈ ગયું છે, ખેડૂ-મજૂરો બેહાલ થઈ રહ્યા છે, સરકારી આરોગ્ય કેન્દ્રો બિમાર છે અને ખાનગી હોસ્પિટલો લૂંટ કરી રહી છે, દલિતો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે. ‘ભગવાન સોનું ભલું કરે’ એવો ઉપદેશ આપનારા સ્વામિઓ-શાસ્ત્રીઓ-બાપૂઓ-કથાકારો જન્મગત વર્ણવ્યવસ્થાની હિમાયત કરી નીચેના વર્ણ સાથે અદ્રશ્ય ભેદભાવ ઊભો કરે છે; આ બધી સમસ્યાઓ પ્રત્યે ગુજરાતના યુવાનો ચૂપ કેમ છે?