મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: જસદણ પેટાચૂંટણી અંતર્ગત કોંગ્રેસ દ્વારા માર્કેટીંગ યાર્ડ ખાતે આજે ખેડૂત મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત વિપક્ષ નેતા પરેશ ધનાણી ખાસ હાજર રહ્યા હતા. આ દરમિયાન વીંછીયા તાલુકા ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 16 લોકો કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં ભંગાણ સર્જાયું હતું. આ તકે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે કોઈપણ રાજકીય નેતાનું નામ લીધા વિના હરેન પંડ્યાની હત્યા અંગે કહ્યું હતું કે, હરેન પંડ્યાનો હત્યારો આ સફેદ દાઢીવાળો છે, જેની જાહેરમાં ચેલેન્જ કરુ છું.

તાજેતરમાં કોંગ્રેસમાં થયેલા ભંગાણ બાદ આજે ખેડૂત સંમેલન દરમિયાન ભાજપમાં ભંગાણ જોવા મળ્યું હતું. જેમાં વીંછીયા તાલુકા ભાજપ પ્રમુખ નાથાભાઈ વાછાણી, ઉપપ્રમુખ અરવિંદભાઈ ઝાંપડીયા, વીંછીયા યુવા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ ગોહિલ, જસદણ શહેર ભાજપના પ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણી સહિતના 16  જેટલા લોકો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. આ તકે કોંગી ધારાસભ્ય ઋત્વિજ મકવાણા, લલિત કગથરા, નૌશાદ સોલંકી સહિતના દિગ્ગજો પણ હાજર રહ્યા હતાં.