તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ): લૉક ડાઉનમાં આપણને ફરજીયાત 21 દિવસ ઘરમાં રહેવાનું ભારે પડે છે, તો માત્ર કલ્પના કરો કે એક જ એરપોર્ટ પર 18 વર્ષ ફસાઇ જવું કેવું કપરું થઇ પડે. હાલ લૉક ડાઉન સમયે આપણે મોટાભાગે સૌ કોઇ પરિવાર સાથે પોતાના જ ઘરમાં છે તેમ છતા કંટાળાજનક દિવસો પસાર થાય છે તેવું સોશિયલ મીડિયા પરથી જણાય છે. તો એ પણ કલ્પના કરો કે 18 વર્ષ એકલું અટુલું એરપોર્ટ પર પડ્યાં રહેવું કેવું પિડાદાયક લાગે. તો આજે વાત કરવી છે એવી જ એક સત્ય ધટનાની.

વર્ષ 1946માં ઇરાનની ધરતી પર જન્મેલા મેહરાન કરીમી નાસ્સેરી જન્મજાત જ ઇરાનના નાગરિક હતા. નાસ્સેરીના પિતા ઇરાની ડૉકટર અને માતા સ્કોટીસ નર્સ ઇરાનમાં જ એક ઓઇલ કંપનીમા નોકરી કરતા હતા. ઇરાનમાં અભ્યાસ પુર્ણ કરી આગળ વધુ અભ્યાસ કરવા 30 વર્ષનો યુવાન નાસ્સેરી 1973ના વર્ષે યુરોપ પહોંચી, યુરોપના યુગોસ્લાવિયા ખાતે બ્રેડફર્ડ યુનિવર્સિટીમાં 3 વર્ષનો કોર્સ નક્કી કરી અભ્યાસ કરવા લાગે છે. ગગનચુંબી સપના લઇ કેરીયર બનાવવા યુરોપ પહોંચેલા યુવાનને નાસ્સેરીને સપનેય ખ્યાલ નહોતો કે તેના ભવિષ્યના 18 વર્ષ એરપોર્ટના ટર્મિનલ પર જ વિતવાના છે.

વતન ઇરાનની તંગ પરિસ્થિતી અને શાહ સામેની ખિલાફતને લઇ બ્રીટનમાં પણ આંદોલનો શરૂ થયા. આ આંદોલને નાસ્સેરીનું ધ્યાન ખેંચ્યું અને ક્રાંતીની મશાલ ઉંચકી આ દેખાવોમાં તે પણ જોડાયો. આ બધી ઘટનાઓ વચ્ચે વર્ષ 1977 આવી પહોંચ્યું હતું, અભ્યાસ પુરો થયો હોય નાસ્સેરીએ વતન ભણી વાટ પકડી. યાત્રા સુખદ રહેની કામના કરતો નાસ્સેરી વતનમાં પહોંચતા પોતાના સ્વાગતના સપના સેવતો હતો. ઇરાન પહોંચતા જ  સ્વાગત કરવા માટે લોકો આવ્યા હતા પણ આ લોકો પોલીસ હતા. પોલીસે સરકાર સામે ષડયંત્ર કરવાની કાર્યવાહીમાં સંડોવાયેલા હોવાના આરોપસર નાસ્સેરીની ધરપકડ કરી લીધી. ધરપકડ કર્યા બાદ નાસ્સેરીને દેશ નિકાલ કરવાનો આદેશ થયો અને હવે શરૂ થયો તેના જીવનનો ખરો ખેલ.

દેશ નિકાલ થતા નાસ્સેરીને અન્ય કોઇ દેશમાં જવું ફરજીયાત બની ગયું. દેશ બહાર અન્ય કોઇ દેશમાં જઇ પણ કેમ શકાય ? કોઇ પણ દેશમાં જવા માટે નાગરિકતા જણાવવી પડે, વિઝા માટે પાસપોર્ટ પણ જોઇએ. આ બધું શક્ય નહોતું કેમકે નાસ્સેરી હવે સ્ટેટલેસ બની ગયો હતો. વતન ઇરાને નાગરિકતા છીનવી લિધી હતી, જન્મે તો તે ઇરાની હતો પણ દેશ નિકાલ કર્યા પછી હવે તે કાગળો પર ઇરાની નાગરિક ન્હોતો. સ્પષ્ટ શબ્દોમાં તે હવે દુનિયાના કોઇ પણ દેશનો નાગરિક રહ્યો ન્હોતો. કોઇ વ્યક્તિ પાસે જ્યારે કોઇ પણ દેશની નાગરિકતા હોય જ નહીં તો શું થાય, ક્યાં જાય અને જાય તો પણ કેવી રીતે જાય? આ જટીલ પ્રશ્ન ઉપસ્થિત થાય. આ પ્રકારે નાગરિકતા વિનાના લોકોને સ્ટેટલેસ કહેવાય અને આ વિકટ પરિસ્થિતીને સ્ટેટલેસનેસ કહેવાય.

નોંધારા બનેલા નાસ્સેરી એ બર્લિન, ફ્રાન્સ અને જર્મની જેવા યુરોપના અલગ-અલગ દેશો પાસે નાગરિકતા મેળવવા આજીજી કરી. નસીબના નબળા નાસ્સેરીને એમાંના કોઇ પણ દેશે નાગરિકતા આપવાની વાત સ્વિકારી નહીં. 4 વર્ષથી તમામ પ્રયત્નો કરી નાસીપાસ થયેલો નાસ્સેરી હવે રેફ્યુજીના સ્ટેટસ માટે સંયુક્ત રાષ્ટ્ર (યુ.એન.)ના દરવાજે ધા નાખી. મહામહેનતે આખરે તેને બેલ્જીયમ દ્વારા રેફ્યુજી તરીકેની માન્યતા આપવામાં આવી. હાંશકારો નાખતા નાસ્સેરીને અંધારામાં તેજની આશ દેખાતી થઇ. થોડા વર્ષ બેલ્જીયમમાં રહ્યાં બાદ તે યુનાઇટેડ કિંગ્ડમમાં ઠરીઠામ થવાનું વિચારે છે. પોતાની માતા બ્રિટીશ નાગરિક હોવાના નાતે તે યુરોપના કોઇ પણ દેશ પાસે નાગરિકત્વ માંગી શકે. નાસ્સેરી બ્રિટનને જણાવે છે કે મારી માતા એક બ્રિટીશ નાગરિક છે તો મને પણ બ્રિટનનું નાગરિકત્વ આપવામાં આવે, હવે તો નાસ્સેરી પાસે રજુ કરવા રેફ્યુજી તરીકે પુરાવા પણ હતા. રસ્તો સાફ હતો, મંજીલ નજીક હતી.

સામાન પેકિંગ કરી નાસ્સેરા 1986ના વર્ષમાં યુ.કે. જવા રવાના થયેલો નાસ્સેરી લંડનની ફ્લાઇટ ટિકીટ બુક કરે છે. લંડન જવા પકડેલી ફ્લાઇટ વાયા પેરીસ થઇ લંડન જવાની હતી. પેરીસમાં ફ્લાઇટનો સ્ટોપ હોય બહાર નિકળી ટ્રેનમાં ફરતા નાસ્સેરીનું બેગ ચોરી થયું, બેગમાં તેના રેફ્યુજી હોવાના પુરાવા અને પાસપોર્ટ પણ હતો. આ દિવસ તેના માટે 18 વર્ષ એરપોર્ટ પર કેદ થવા મજબુર કરવામાં મહત્વનો દિવસ હતો. પેરીસથી લંડન પહોંચ્યા બાદ તેને પોતાના કાગળો બતાવવા જરૂરી હતા પણ તે કાગળ લાવે ક્યાંથી એ તો ચોરી થયેલા બેગ સાથે જતા રહેલા હતા. લંડન ઇમિગ્રેશન વિભાગે તેને કાગળ નહીં હોવાનું કારણ ધરી પરત જ્યાંથી આવ્યો છે ત્યાં જ મોકલવા નિર્ણય કર્યો.

નાસ્સેરીને લંડનથી પેરીસ (ફ્રાંસ) પરત મોકલી દેવામાં આવ્યો, પેરિસ એરપોર્ટ પર પહોંચતા વેંત પોલીસે તેની ધરપકડ કરી લીધી. એરપોર્ટ અધિકારીએ પોલીસને જણાવ્યું કે નાસ્સેરીએ પેરીસ એરપોર્ટ પર ગેરકાયદેસર એન્ટ્રી કરી ન્હોતી માટે એ આપણો ગુનેગાર નથી. અસમંજસમાં મુકાયેલ પેરીસના અધિકારી પણ માથુ ખજવાળવા લાગ્યા કે હવે આ નાસ્સેરીનું કરવુ શું ? હવે તેની પાસે પાસપોર્ટ અને રેફ્યુજીનું પ્રમાણપત્ર પણ નથી તો મોકલવો પણ ક્યાં ? નાસ્સેરી કાયદેસર આવ્યો હતો, તેણે કોઇ કાયદો તોડ્યો નથી અને એ જ કાયદો તેને હવે કપરી પરિસ્થિતીમાં મુકવાનો હતો. આ અસમંજસનો ઉપાય લાવતા ફ્રાંસના અધિકારી નાસ્સેરી સમક્ષ શરત મુકતા કહે છે કે જો તેને જેલમાં જવુ ના હોય તો તે એરપોર્ટ પર રહી શકે છે પણ જો તે એરપોર્ટ બહાર નિકળે તો તેની ધરપકડ કરી કાનૂનભંગના પગલા લેવામાં આવશે. આ શરતમાં આમ તો બન્ને બાજુ કેદ જ હતી. એરપોર્ટ પર રહેવાની વાત સ્વિકારી લઇ નાસ્સેરી હવે એરપોર્ટના ટર્મિનલ 1 માં રહેવાની જાળમાં ફસાઇ ગયો.

એરપોર્ટમાં રહેતા નાસ્સેરીની આ અજીબ કેદમાં તેને ખાવા-પીવા માટે પણ નાણાંની જરૂરિયાત હતી. થોડા દિવસો એરપોર્ટના સ્ટાફની દયાથી ખાવા-પીવા મળ્યું, બાદમાં નીર્ણય લેવાયો કે નાસ્સેરીને કોઇક કામ કરવા મંજુરી આપવામાં આવે. આમ નાસ્સેરીને એરપોર્ટની અંદર પેસેન્જર દ્વારા છોડી દેવામાં આવેલ સામાન હેરફેર કરવાની ટ્રોલી એકઠી કરી ગોઠવી આપવાની, જેમાં ટ્રોલી દિઠ પૈસા આપવાનું નિયત કરાયું. કામ કરીને થતી થોડીઘણી આવકથી નાસ્સેરી ગુજર બસર કરવા લાગ્યો, આવક એટલી ઠિકઠાક હતી કે એ રકમથી જરૂરી ચીજો તો ઠીક સિગારેટ પણ ખરીદી શકતા હતા. આ દિવસો વિતતા ગયા, દિવસો મહિનામાં, મહિના વર્ષમાં અને વર્ષ દાયકામાં ફરી ગયા.

અઢાર વર્ષ એરપોર્ટ પર રહેતા તેને દુકાનદારો અને સ્ટાફ સાથે સંબંધ ગાઢ બની ગયા હતા. કોઇ એના માટે જમવાનું લાવે તો કોઇ ચા-પાણી આમ તેને છાપા, પુસ્તકો વગેરે પણ મળવા લાગ્યા હતા. આ બધું જાણે નાસ્સેરીએ સ્વિકારી લીધુ હતું, ત્યાં અચાનક જ એક સ્થાનિક પત્રકાર એરપોર્ટ પર નાસ્સેરીની હાલત વિશે સાંભળે છે. પત્રકારે નાસ્સેરીની હાલત અને વ્યવથા વર્ણન કરતો એક લેખ છાપી કાઢ્યો. આ લેખે તો જાણે નાસ્સેરીને હીરો બનાવી દીધો, મોટા-મોટા પત્રકારો તેને મળવા આવવા લાગ્યા. ત્યાં સુધી કે નાસ્સેરીના ઇન્ટરવ્યું કરવા માટે પૈસા પણ આપવા લાગ્યા. રેડીયો, છાપામાં એની ચર્ચા એ જોર પકડ્યું. વિશ્વભરમાંથી લોકો એરપોર્ટ નાસ્સેરીના નામે સાંત્વના પત્ર મોકલવા લાગ્યા. ક્રાઉડ ફંડથી લોકો નાસ્સેરીને નાણાં પણ પહોંચાડવા લાગ્યા. આ દરમ્યાન પેરીસના વકિલને આ ઘટનાની જાણ થતા વકિલે તેના વતી કેસ લડી બેલ્જીયમ પાસે રેફ્યુજી પ્રમાણપત્ર આપવા માંગણી કરી.

બેલ્જીયમ સરકારે નિયમો ટાંકી જણાવ્યું કે ફરીથી પ્રમાણપત્ર ત્યારે જ આપી શકાય જ્યારે નાસ્સેરી ખુદ આવી આ વાત કરે. આ વાત કોઇ રીતે સંભવ બને નહીં, કારણ નાસ્સેરી પાસે કોઇ કાગળ કે પાસપોર્ટ હતો નહીં તો બેલ્જીયમ કેવી રીતે જઇ શકે. વકિલે તનતોડ મહેનત થકી 1999ના વર્ષે બેલ્જીયમ સરકારના ગળે એ વાત ઉતારી કે નાસ્સેરી ખરેખરનો ફસાઇ ગયો છે, તેને બેલ્જીયમની મદદ સિવાય કોઇ પણ રીતે બહાર કાઢી શકાય તેમ નથી. આખરે બેલ્જીયમ સરકારે નવા કાગળો બનાવી રેફ્યુજીનો દરજ્જો આપવા સહમતી આપી. નવા કાગળો મેળવી વકિલે નાસ્સેરી માટે ફ્રાંસ સરકાર પાસે રેસિડેન્ટ પરમિટની માંગણી કરી, સરકારે નાસ્સેરીની માંગણી ગ્રાહ્ય રાખી. આખરે એ દિવસ આવી ગયો જેની આખી દુનીયાને રાહ હતી, નાસ્સેરીને એરપોર્ટથી આઝાદી.

વકિલ તમામ જરૂરી કાગળ અને પરમિટ લઇ નાસ્સેરી પાસે પહોંચી ગયો. નાસ્સેરીના વકિલે ખુશ થતા જણાવ્યું નાસ્સેરી હવે તને ફ્રાંસમાં રહેવાની પરમિટ મળી ગઇ હવે તું બહાર નીકળવાનો છે, તું આઝાદ થવા જઇ રહ્યો છે. આ વાત સાંભળી નાસ્સેરી જરા પણ ખુશ ન થયો, ઉલ્ટાનું ફ્રાંસની પરમિટ પણ સ્વિકારવા ઇન્કાર કરી દીધો. નાસ્સેરી એ જણાવ્યું કે 1981 માં મારા કાગળ મળ્યા હતા તેમાં તેનું નામ સર એલફર્ડ મોરાન હતું અને તે કાગળ પર તેને બ્રિટિશ નાગરિક બતાવ્યો હતો. જ્યારે આ નવા મળેલા કાગળ પર એને મોરાન કરિમી નાસ્સેરી છે અને તેને ઇરાનનો નાગરિક દર્શાવવામાં આવ્યો છે. 10 વર્ષ લગાતાર મહેનત કરી કેસો લડી આ કાગળો લાવનાર નાસ્સેરીનો વકિલ પણ નાસ્સેરી પર ગુસ્સે થાય છે પણ નાસ્સેરી માને એમ નહોતો.

2003માં તેના વકિલે કહ્યું મારી મહેનત, સમજાવટ કે મદદની કોઇ અસર નાસ્સેરી પર થઇ નહીં. વકિલે કહ્યું કે મહેરાન નાસ્સેરી એ એક વખત મને જણાવ્યું કે, હું તો સ્વિડનનો નાગરિક છું. વકિલે પુછ્યું કે તો તું સ્વિડનથી ઇરાન કેમ પહોંચ્યો જવાબમાં નાસ્સેરીએ કહ્યું કે, તે સબમરીનમાં પ્રવાસ કરી ઇરાન પહોંચ્યો હતો. હવે બે વાત હતી કાં તો નાસ્સેરીને એરપોર્ટ પર જ રહી જવું હતું, કાં તો તે આ સંઘર્ષના કારણે માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો.

2006માં મહેરાન નાસ્સેરીની તબિયત અચાનક જ ખરાબ થવાનાં કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આમ તબિયત ખરાબ થવાના કારણે તેને એરપોર્ટથી મુક્તી મળી, ફ્રાંસ સરકારે તેને હવે એરપોર્ટ પાસે જ એક હોસ્પિટલમાં રહેવા માટેની મંજુરી આપી. 2008 સુધીમાં તો તેને ફ્રાંસમાં ક્યાંય પણ જવા પર છુટ આપી દેવામાં આવી તમામ પ્રતિબંધો હટાવી લેવાયા. બાદમાં તેને બેઘર લોકો માટે બનાવેલા શેલ્ટરમાં શરણ આપવામાં આવી.

મહેરાન નાસ્સેરી લંડન જવા માટે નિકળા હતા, પણ અજીબ રીતે તે એક જ સ્થળ પર 18 વર્ષ અજીબ પ્રકારની એરપોર્ટ કેદમાં રહેવા મજબુર થઇ ગયા. ઇતિહાસના પન્ને 18 વર્ષ એરપોર્ટના એક ટર્મિનલ પર વિતાવવાનો રેકોર્ડ બનાવનાર નાસ્સેરી પર ફિલ્મ પણ બનાવવા પ્રયત્નો થયા પણ કોઇ કારણે એ કામ પણ થયું નથી. છતા તેને મળતી આવતી એક ફીલ્મ પણ છે જેનું નામ છે ધ ટર્મીનલ.

હા આપણે હાલ આ પરિસ્થિતીના ભોગ બનેલા છીએ માટે કલ્પના કરવાની જરૂર જ નથી અનુભવ બોલે છે. હવે ખરેખર કલ્પના કરો કે 18 વર્ષ સુધી એક જ સ્થળ પર રહેવું પડે વળી પરિવારનો કોઇ સભ્ય પણ સાથે નહીં અને જો બહાર નિકળવા ગયા તો પોલીસ તૈયાર છે કારાવાસમાં ધકેલી દેવા. વાત સાંભળીને જ ગભરામણ થવા લાગે એવી આ ધટના છે.