પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આ વાત તા 22-23 માર્ચની હશે, અમદાવાદમાં ડોર ટુ ડોર કચરો લેવા આવતી અમદાવાદ કોર્પોરેશનની ગાડી મારી સોસાયટીમાં બે ત્રણ દિવસથી આવી ન્હોતી, જેના કારણે સોસાયટીના ડસ્ટબીનમાંથી કચરો હવે ઉભરાઈ બહાર  પડી રહ્યો હતો. મેં કોર્પોરેશનના અધિકારીને ફોન કર્યો તેમણે પોતાની લાચારી બતાડતા કહ્યું સાહેબ કચરાની ગાડીના ઘણા બધા ડ્રાઈવર પડોશી રાજ્યોમાંથી આવતા પણ ડરના માર્યા  તેઓ ગાડીઓ મુકી  જતાં રહ્યા છે. છતાં હું પ્રયત્ન કરું છું, કોઈ વ્યવસ્થા થાય તો ગાડી મોકલી  આપીશ. બપોર થતાં  કોર્પોરેશનની ગાડી આવી ડ્રાઈવર અને તેના મદદનીશ પાસે હાથ મોજા અને માસ્ક પણ ન્હોતા, તેઓ હાથથી કચરો  ઉપાડી કચરા પેટીમાં નાખી રહ્યા હતા.

હું તેઓ કામ કરી રહ્યા હતા ત્યાં ગયો, તેણે મને પુછ્યું સાહેબ તમે ફોન  કર્યો  હતો, મેં હા  કહ્યું, તેણે મને વિનંતીના સુરમાં  કહ્યું, સાહેબ તમને કોરાનાની બીક  લાગે છે ને.. તમે નોકરી ધંધો છોડી ઘરમાં બેસી ગયા છો, તો અમને પણ બીક તો લાગે ને.. અમારો પણ ઘરે પરિવાર છે. હું  વિચાર કરવા લાગ્યો ત્યાં  સુધી તે કચરો ભરી  જતો રહ્યો પણ તેના શબ્દોમાં મારા મનમાં ધુમરાયા  કરતા હતા. હું અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં નવજીવન બ્લોકમાં રહું છું, 1950માં નવજીવન ટ્રસ્ટના પ્રમુખ તરીકે સરદાર પટેલ આવ્યા ત્યારે તેમણે નવજીવનમાં કામ  કરતા કર્મચારીઓ માટે  આ મકાન બનાવ્યા હતા.

સાંજે હું નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી  વિવેક  દેસાઈને મળ્યો. વિવેક દેસાઈ પણ નવજીવન બ્લોકમાં રહે છે, મેં વિવેક સાથે સફાઈ કામદાર સાથે થયેલા સંવાદની વાત કરી અને કહ્યું મને લાગે છે આવી સ્થિતિમાં આપણે સફાઈ કામદાર અને કચરાની ગાડીને રજા આપવી જોઈએ. તેમનો પક્ષ પણ આપણે સમજવો જોઈએ, મને લાગે છે આ  સ્થિતિમાં આપણે દરેક ઘરમાંથી રોજ એક વ્યકિતએ આવવાનું અને આપણે રોજ સામુહિક સફાઈ કરીશું, વિવેકને મારી વાત સમજાઈ અને અમે નવજીવનમાં રહેતા તમામ મિત્રોએ સામુહિક નિર્ણય કર્યો. અને હવે રોજ સાંજે પાંચ વાગે અમે સાથે મળી સોસાયટીની એક મહિનાથી સફાઈ કરીએ છીએ.

શરૂઆતના દિવસોમાં દુર્ગંધ મારતા ડસ્ટબીન ઉપાડવાનું જરા કઠતું હતું પણ  તે જ વખતે અમારો સફાઈ કામદાર અને કચરાની ગાડીવાળો કેવી રીતે કામ કરતા હશે તેમની વેદના પણ સમજાઈ. ગાંધી અને  સરદાર પટેલ સ્વચ્છતાની  સાથે શ્રમના પણ હિમાયતી હતા, ત્યારે આ તો પોતાનો કચરો જાતે સાફ  કરવાની વાત હતી, પણ હવે અમે ઉત્સાહથી અમારી સોસાયટીને જાતે સાફ રાખીએ  છીએ, આ એક મહિનાની કવાયતમાંથી અમે ઘણું શીખ્યા છીએ, કે, જે સફાઈ કામદારને આપણે ક્યારેય માન આપતા નથી, તે આપણા જીવનમાં કેટલો મહત્વનો છે. આપણી ગંદકી સાફ કરી, આપણને સુંદર જીવન આપવાનો રોજ પ્રયાસ કરતો આ કામદાર આપણા કરતા ખરેખર મોટો છે. લોકડાઉન પછી પણ બધું રાબેતા મુજબ થશે ત્યારે સફાઈ કામદાર અને કચરાની ગાડી પાછી આવશે પણ મને લાગે  છે કે હવે મારો અને મારા સાથીઓ તેમની  તરફ  જોવાનો દ્રષ્ટીકોણ જરૂર બદલાયેલો હશે.