મેરાન્યૂઝ નેટવર્ક,જામનગર : જામનગરમાં મયુરનગર વિસ્તારમાં સવા છ વર્ષ પૂર્વે પરણિત પ્રેમીઓમાં વિખવાદ થતા પ્રેમીએ પ્રેમીકાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનામાં કોર્ટ આરોપી પ્રેમીને આજીવન કેદની સજા ફટકારી છે.

કોઇ હિન્દી ફિલ્મની પટકથાને ટક્કર મારે તેવો વાસ્તવિક પ્લોટ જામનગરમાં રચાઇ ગયો પ્રેમ કહાનીને સંસાર તરફ દોરી જવો અશકય હતો છતા પણ પરણિત પ્રેમકાના પરણિત પ્રેમી પરના દબાણને અંતે લોહીયાળ ખેલ ખેલાયો.

શહેરના મયુરનગર વામ્બે આવાસ રોડ પર રહેતા રમેશ ઉર્ફે રમલો સુરેશભાઇ કંટારીયા તેની સાથે જ કડિયા કામમાં મજૂરી કરતી પ્રભાબેન નામની પરણિતા વચ્ચે આઠેક વર્ષ પૂર્વે  બન્ને વચ્ચે પ્રેમના અંકુર ફૂટીયા પરંતુ કહાનીમાં ટવીસ્ટ એ છે કે, બન્ને પ્રેમીઓ પરણિત છે. જો કે પ્રભાબેનને તેના પતિ સાથે જામતુ ન હોવાથી તે અલગ રહેતી હતી અને રમેશ સાથે ના પ્રેમ સંબંધમાં શરીર સંબંધ સુધીનો વ્યવહાર કરી જતી હતી. દોઢ બે વર્ષ પ્રેમાલાપ કર્યા બાદ પ્રભાબેને રમેશ પાસે માંગણી મુકી ઘરમાં બેસવાની વાત કરી જેના જવાબમાં રમેશે આ બાબતે શકય નહિ હોવાનુ જણાવ્યુ હતું પરંતુ પ્રેમીકા પ્રભાબેન કોઇ પણ હિસાબે રમેશના ઘરમાં બેસવા માંગતી હતી. એક  દિવસ એટલે કે 4-10-2013ના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે પ્રભાબેન રમેશભાઇના ઘરે જઇ ચલ્યા હતા અને ફરી ઘરમાં બેસવાની વાત કહી હતી.

દરમ્યાન રમેશે રાત્રે  એકાદ વાગ્યાના સુમારે ફરી ઘરે બોલાવી રેલ્વેના પાટા પાસે લઇ જઇ સમજાવી હતી. પરંતુ પ્રેમીકાએ પોલીસ કેસ કરવાનું કહી તેણી ત્યાંથી ભાગી છુટી હતી. પરિસ્થિતને પામી ગયેલા રમેશે પાછળ દોટ મુકી તેણીને આંતરી લઇ છરીના બે-ત્રણ ઘા ઝીંકી તેણીની કરપીણ હત્યા નિપજાવી હતી ત્યારબાદ તેણીના મૃતદેહને ઉકરડામાં દાટી દઇ વારદાતના પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે તે સમયે રમેશ સામે હત્યા સંબંધીત ફરિયાદ નોંધાવાઇ આ કેસ ચાલી જતા જામનગર એડીશ્નલ સેસન્સ જજ દ્વારા આરોપી રમેશને તકસીરવાન ઠેરવી તેમજ સરકારી વકીલની દલીલોને તેમજ પુરાવાઓને ધ્યાને રાખી આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.