મેરાન્યૂઝ નેટવર્ક,શામળાજી : ગુજરાતમાં અરવલ્લી જીલ્લાની રતનપુર ચેકપોસ્ટ માર્ગે વિદેશી દારૂ ઘુસાડવા માટે સિલ્ક રૂટ તરીકે જાણીતો છે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ જીલ્લાની વિવિધ આંતરાજ્ય સરહદ પરથી ઘુસાડવામાં આવી રહ્યો છે  રાજસ્થાન રાજ્યની સરહદને અડીને આવેલા શામળાજી, ભિલોડા અને મેઘરજ પંથકમાં મોટા પ્રમાણમાં દારૂના કટિંગનો ધંધો ધમધમી રહ્યો છે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનેટરીંગ સેલે ટૂંકા ગાળામાં બીજીવાર રેડ પાડી સપાટો બોલાવાયો હતો

અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનમાંથી સસ્પેન્ડ થયેલા કર્મચારીના રતનપુર ચેકપોસ્ટ નજીક આવેલા પહાડીયા ગામે સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમ ત્રાટકી રહેણાંક મકાન, ભોંયરામાં અને ગોડાઉનમાં સંતાડેલ વિદેશી દારૂનો ૨.૪૬ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી ૪ શખ્શોની ધરપકડ કરી સસ્પેન્ડ બુટલેગર પ્રભુ સોમાભાઈ ડોડીયાર સહીત અન્ય શખ્શો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

સોમવારે રાત્રીના સુમારે સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટીમ શામળાજી નજીક આવેલા પહાડીયા અને કડવથ ગામે છાપો મારી સોમાભાઈ ભેમાભાઈ ડામોર અને પ્રભુ સોમાભાઈ ડોડીયારના ઘરે સંતાડીને રાખેલો વિદેશી દારૂ બોટલ- ટીન નંગ-૧૧૨૩ કીં.રૂ.૨૪૬૨૬૦/- નો જથ્થો જપ્ત કરી ૧) સોમાભાઈ ભેમાભાઈ ડામોર,૨)રામઅનુગ્રહસિંહ માનસિંગ ગુર્જર,૩)રાગવીન્દ્ર રામજીભાઈ ડામોર ,૪)સોનુસિંગ શ્રીરામબાબુ યાદવ (તમામ રહે,પહાડીયા) ની ધરપકડ કરી હતી સ્થળ પરથી મળી આવેલ મોબાઈલ નંગ-૬ કીં.રૂ.૧૨૦૦૦/- ,મારુતિ ઈકો કાર-૨ કીં.રૂ.૪૦૦૦૦૦/- તથા રોકડ રકમ-૪૬૦૦ મળી કુલ.રૂ.૬૬૨૮૬૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ૧)પ્રભુદાસ સોમાભાઈ ડોડીયાર (રહે,પહાડીયા તથા રાણીપ પો.લાઈન, અમદાવાદ ૨)કમલેશ ઉર્ફે ફૌજી સોમાભાઈ ડોડીયાર ,૩) સ્થળ પરથી મળી આવેલ મોબાઈલ-૨ ના ધારક તથા વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર અને આ પ્રવૃત્તિમાં સંડોવાયેલ ચોપડા તથા સ્લિપમાં લખેલ નામ અને પોલીસ તપાસમાં નીકળે તે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
અરવલ્લી જીલ્લામાં દારૂબંધીની અમલવારી ફક્ત કાગળ પર રહેતા મોટા પ્રમાણમાં દેશી-વિદેશી દારૂના અડ્ડા અને મોટા પ્રમાણમાં દારૂનું કટિંગ થતું હોવાથી સ્ટેટ મોનીટરીંગ સેલ સમયાંતરે અરવલ્લી જીલ્લામાં ત્રાટકી વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કરતી હોય છે શામળાજી પોલીસ કાર્તિક પૂનમના મેળામાં સઘન બંદોબસ્તમાં વ્યસ્ત હતી બીજીબાજુ સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી હતી સ્ટેટ વિજિલન્સના દરોડા થી જીલ્લાના પોલીસતંત્રના ભારે હડકંપ મચ્યો છે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ બુટલેગરો બિન્દાસ્ત બન્યા છે