ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ભારતમાં ઊંચા દરની કોરોના મહામારીની વર્તમાન અસરનું વિસ્તરણ, કરન્સી બજાર સુધી થયું છે. અમેરિકન ડોલર સામે રૂપિયો હજુ પણ પાંચ મહિનાની બોટમની રેન્જમાં ફરી રહ્યો છે. છેલ્લા કેટલાંક દિવસથી ડોલર સામે રૂપિયો નકારાત્મક વલણ અપનાવીને બેઠો છે. શેરબજારની નબળાઈને અનુસરતા શુક્રવારે રૂપિયો છ પૈસા ઘટીને રૂ.૭૪.૯૦ બંધ થયો હતો. ગત સપ્તાહે રૂપિયો ૦.૨૦ ટકા અથવા ૧૨ પૈસા નબળો પડ્યો હતો. 

કરન્સી ડીલરો માને છે કે ડોલર/રૂપિયા ટ્રેડનાં મંદીવાળા બજારમાં પાછાં ફરશે. તેઓ મંદી તરફી કોલ આપી રહ્યા છે. જુલાઈમાં ભારતની વેપાર ખાધ, ગતવર્ષના સમાન મહિનાની ૧૩.૪૩ અબજ ડોલરથી સારી એવી ઘટીને ૪.૮૩ અબજ ડોલર રહી હતી. દેશની કરંટ એકાઉન્ટ સ્થિતિ સારી એવી સુધરી છે એ જોતા આગામી દિવસોમાં રૂપિયો વધુ મજબુત થવો જોઈએ, એવું એનાલીસ્ટો માને છે. તેઓ આ સપ્તાહ માટે રૂ.૭૪.૫૦થી ૭૫.૨૦ની રેંજનો અંદાજ મુકે છે.

રિઝર્વ બેન્કના ડેટા કહે છે કે ૭ ઓગસ્ટે પુરા થયેલા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણ અનામત ૩.૬૨૩ અબજ ડોલર વધીને ૫૩૮.૧૯૧ અબજ ડોલરની વિક્રમ ઊંચાઈ પહોચી ગઈ હતી. સુવર્ણ અનામત ૨.૧૬૦ અબજ ડોલર વધીને ૩૯.૭૮૫ અબજ ડોલર, જ્યારે આઈએમએફ પાસેનાં સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સ પણ ૬૦ લાખ ડોલર વધીને ૧.૪૮૧ અબજ ડોલર થઇ હતી. 

સરકારી ડેટા કહે છે કે જુલાઈમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ૦.૫૮ ટકા ઘટ્યો હતો અલબત્ત, ખાધા-ખોરાકીની ચીજો મોંઘી થઇ હતી. જુનમાં તે ૧.૦૮ ટકાનો ઘટાડો દાખવતો હતો. અમેરિકન વેચાણના ડેટા મિશ્ર પ્રકૃતિના આવતા રૂપિયા સામે ડોલર તેની ઊંચાઈએથી મામુલી ઘટ્યો હતો. વિદેશી રોકાણકારો શેરબજારમાં નેટ બાયર હતા. શેરબજારમનાં પ્રાથમિક ડેટા મુજબ તેમણે ગુરુવારે રૂ. ૪૧૬.૨૮ કરોડના શેર ખરીધ્યા હતા. 

છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇન્ડેક્સ સતત આઠમા સપ્તાહે ઘટ્યો હતો, આવી ઘટના જુન ૨૦૧૦મા બની હતી. શુક્રવારે ડોલર ઇન્ડેક્સ ઘટીને ૯૩.૦૮૮ પોઈન્ટ રહ્યો હતો. રોકાણકારો હવે અમેરિકન ડોલર કરતા તંદુરસ્ત અર્થતંત્રોની કરન્સીમાં વધુ રસ દાખવતા થયા છે. અત્યારે ચીનની કરન્સી યુઆનમાં સૌથી વધુ સોદા પડી રહ્યા છે. અર્થતંત્રોની તમામ શ્રેણીના અમેરિકન ફન્ડામેન્ટલ્સને અત્યારે ચીને માત આપી છે. ચીનનો યુઆન સતત મજબૂતીની દિશામાં આગળ વધી રહ્યો છે. 

શુક્રવારે પીઅપલ્સ બેંક ઓફ ચાઈનાએ ડોલર સામે યુઆનને ૬.૯૪૦૫ પર સેટ કર્યો હતો, ૧૦ માર્ચ પછીની આ સૌથી મજબુત સ્થિતિ છે. કોઈ પણ ભાવથી યુઆનને વત્તા કે ઓછા ૨ ટકા કરતા મજબુત કે નબળો પડવાથી બાંધી દેવામાં આવ્યો છે. ૨૮ જુલાઈએ ડોલર સામે યુઆન ૭ જેટલો નબળો હતો. ઓગસ્ટ ૨૦૧૫મા પણ આવી જ ઘટના બની હતી. ૧૦ ઓગસ્ટે ડોલર સામે યુઆન ૬.૧૧૬૨, ૧૧ ઓગસ્ટે ૬.૨૨૯૮ ૧૨ ઓગસ્ટે ૬.૩૩૦૬ અને ૧૩ ઓગસ્ટે ૬.૪૦૧૦ જેવો નબળો પડ્યા બાદ, ફરીથી સ્થિરતા પ્રાપ્ત કરી હતી.

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે)