મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ચાલુવર્ષે સારા વરસાદને કારણે મગફળીના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં વધારો થવાની શક્યતા છે. જેને પગલે સીંગતેલનું મબલખ ઉત્પાદન થવાનીધારણા સોમા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો અને વેપારીઓને પૂરતા ભાવ મળી રહે તે માટે પામતેલની આયાત ઘટાડવા માંગ સોમા દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં 31 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ સોમાએ વ્યક્ત કર્યો છે.

જો કે હાલ મગફળીના ભાવ ઓપન હરાજીમાં ઘટી રહ્યા છે. રાજકોટ, ગોંડલ યાર્ડમાં મગફળીની બમ્પર આવકને લઇને ભાવ ઘટી રહ્યા છે. મગફળી પ્રથમવાર યાર્ડમાં આવી ત્યારે 1400થી 1500 ભાવ હતા. પણ હાલ ખેડૂતોને 800થી 1000 મળી રહ્યા છે. જે સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ 1018ની પણ નીચે છે. ત્યારે ભાવમાં વધુ ઘટાડો થવાથી ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે.  

સોમા પ્રમુખ સમીર શાહ કહે છે કે, ચાલુવર્ષે વરસાદ સારો થવાથી પીવાના પાણી અને સિંચાઇનું પાણી પણ આવ્યું છે. આગામી શિયાળામાં રવિ પાક પણ થવાનો અંદાજ છે. ત્યારે ખેડૂતોને નુકસાન ન થાય તે માટે પણ પામોલિન તેલની આયાત પાર પ્રતિબંધ મુકવો જરૂરી છે. મગફળીના વેપારીઓ અને ખેડૂતોને પણ મંદીમાંથી બચાવવા સરકારે પ્રયત્નો કરવા જોઇએ. જેના માટે સોમા દ્વારા પામોલીનની આયાત ઘટાડવા સહિતના પગલાં લેવાની માંગ રાજ્ય સરકાર પાસે કરવામાં આવશે.