કિરણ કાપુરે, મેરાન્યૂઝ અમદાવાદઃસંસારમાં મર્યાદિત ક્ષેત્રમાં પાંગરતી કલાઓને જાણીએ તો તેમાંથી અખૂટ ખજાનો મળી શકે એમ છે. આ દુર્લભ કલાઓ જૂજ સ્થાને જ દેખા દે છે, પણ તેને તપાસીએ અને મૂલવીએ તો તેનું મૂલ્ય અદ્વિતિય લેખાય છે. આવી જ એક કલા છે- ટૅક્સિડર્મી. પાંચ કલાઓનો સમન્વય(શિલ્પ, ચિત્ર, સુથારીકામ, મોચીકામ અને શરીરશાસ્ત્ર) કહેવાતી ટૅક્સિડર્મી કલા આજે ભારતમાંથી લુપ્ત થવા જઈ રહી છે અને તેનાં એક માત્ર જાણકાર કહો કે પછી તેનાં સંરક્ષક મુંબઈના ડો.સંતોષ ગાયકવાડ છે. ટૅક્સિડર્મી એટલે પ્રાણીઓના મૃત્યુ બાદ તેનાં અસ્સલ શરીરના ભાગો સાથે આબેહૂબ પ્રતિકૃતિ બનાવી તેને લાંબા કાળ સુધી સાચવવાની કલા. આ કલાનું પ્રદર્શન મહદંશે મ્યુઝિયમોમાં આપણને જોવા મળે છે, અને અગાઉ રાજા-મહારાજાઓનાં મહેલોમાં પણ પ્રાણી-પક્ષીઓની પ્રતિકૃતિ સજાવટ ખાતર લગાવવામાં આવતી હતી. આ કલાના સંરક્ષક તરીકે અત્યારે ભારતમાં એક જ નામ બોલાય છે – ડો.સંતોષ ગાયકવાડ. ભારત સરકાર દ્વારા એક માત્ર ડો.સંતોષ ગાયકવાડ જ એપ્રૂવ્ડ ટૅક્સિડર્મીસ્ટ(ટૅક્સિડર્મી કલાના જાણકાર)છે!

આશ્ચર્યની વાત એ છે કે પ્રાણી-પક્ષી સૃષ્ટિથી સમૃદ્ધ આપણાં દેશમાં આજે ટૅક્સિડર્મીસ્ટનો અભ્યાસ કરાવતી એક પણ સંસ્થા મોજૂદ નથી!વર્તમાન પ્રાણી-પક્ષી સૃષ્ટિમાંથી અનેક જીવો આજે લુપ્ત થઈ ચૂક્યા છે, કાં તો તે પ્રજાતિ લુપ્ત થવાને આરે છે. આ કિસ્સામાં રેપ્લિકા દ્વારા આ સૃષ્ટિને આપણી વચ્ચે જીવંત રાખવાનું કામ ટેક્સીડર્મિસ્ટ કરે છે. જોકે, કશું પણ પ્રિઝર્વ કરવાનું આવે ત્યારે આપણાં દેશમાંતે અંગે ઝાઝો ઉત્સાહ જોવા મળતો નથી અને ટૅક્સિડર્મીના કિસ્સામાં પણ એવું છે, એટલે જ ડો.સંતોષ ગાયકવાડના હાથ નીચે કોઈ ટેક્સીડર્મિસ્ટ તૈયાર થાય તેવી પણ કાળજી રાખવામાં આવી રહી નથી.સંતોષ ગાયકવાડ પોતાના અધ્યાપન સાથે સાથે આ કાર્ય કરી રહ્યા છે, અને જરૂર હોય ત્યાં જઈને પોતાની કલાના મદદથી સૃष्टષ્ટિને સજીવન રાખે છે.

ભારતમાં જ એક સમયે આ પ્રાણીમર્મ વિદ્યા જાણકારની ડિમાન્ડ હતી, અને રાજા-મહારાજોઓના મહેલોમાં તેમને માનભેર કામ મળી રહેતું. જોકે, પછી તો આ ટ્રેન્ડ ઘટતો ગયો અન હવે તો ભાગ્યે જ કોઈ આવી સાચવણી કરવાનો શોખ ધરાવનારાં રહ્યાં છે. સંશોધન એવું કહે છે કે, પ્રાચીન કાળમાં પણ આ કલાની ઉપસ્થિતિ દેખાય છે, જેમ કે ઇજિપ્તના પ્રાચીન સમયમાં આ પ્રકારે જીવસૃષ્ટિની સાચવણી થતી, પણ તેમાં ક્યારેય કોઈ પદ્ધતિસરનું વિજ્ઞાન જોડાયેલું નહોતું,તેની સાચવણી પરંપરા અર્થે થતી. ત્યાર બાદ યુરોપ અને અમેરિકાના આદિવાસીઓમાં પણ આવી પ્રથા જોવા મળતી. આધુનિક ટૅક્સિડર્મીમાં પણ છૂટાછવાયા દેશોમાં તેની ઉપસ્થિતિ જોવા મળે છે, પણ પદ્ધતિસરનું એક આખું ટૅક્સિડર્મીનું વિજ્ઞાન કહેવાય તે વિકસ્યું ઓગણીસમી સદીમાં. આ વિજ્ઞાન વિકસ્યું એટલે તેમાં જે – તે પ્રાણી, પશુ કે અન્ય કોઈ પણ જીવની આબેહૂબ પ્રતિકૃતિનો આગ્રહ રખાય છે, જે માટે પ્રાણીના જ ચામડાં અને અસ્થિઓનો ઉપયોગ કરવામાં આવે છે.

44 વર્ષીય ડો. સંતોષ ગાયકવાડે ટૅક્સિડર્મીસ્ટની કલા જાતે જ હસ્તગત કરી છે, તેની શરૂઆત પણ તેમના જીવનમાં તેઓ ત્રીસીના નજીક પહોંચ્યા ત્યારે થઈ હતી. અને તે પણ સંજોગોવશ! પંદર વર્ષ પહેલાં જ્યારે બોમ્બે વેટરીનરી કોલેજમાં વેટેરીનરી અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્ય કરતા હતા, ત્યારે એમ જ એક દિવસ ફરતાં ફરતાં તેઓ કોલાબામાં આવેલા‘પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ(હવે છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય તરીકે જાણીતું)જઈ ચઢ્યા. તે દિવસે ડો. સંતોષ કોલેજમાં ઝાઝું કામ ન હોવાથી હળવાશમાં હતા, એટલે ત્યાં વધુ સમય ગાળવા ઇચ્છતા હતા. આમ તો સતોષ ગાયકવાડ પૂરું મ્યુઝિયમ જોઈને પ્રભાવિત થયાં, પરંતુ તેમને સૌથી વધુ રસ નેચરલ હિસ્ટ્રી સેક્શનમાં પડ્યો. અહીંયા તેમણે પ્રાણી-પશુની રેપ્લિકા જોઈ, જેમાં વાઘ, હરણ અને અનેક પંખીઓ હતા. આ પ્રકારનું મ્યુઝિમય તેમણે અગાઉ ક્યારેય જોયું નહોતું. તેમને જાણે આ બધા જ જીવો જીવંત હોય તેવાં લાગ્યાં. તેમને કૂતુહલવશ આ પ્રકારની સાચવણી વિશે પ્રશ્નો થયા, અને તેમણે મ્યુઝિયમમાં નોકરી કરનારાં એક ભાઈને તે વિશે પૂછપરછ કરી અને તેમને માત્ર એટલો જ જવાબ મળ્યો કે આ કલાને ટૅક્સિડર્મી કહેવાય છે. બસ, સંતોષનું કૂતુહલ આ જવાબથી વધવા માંડ્યું અને તેમણે ઘરે જઈને ટૅક્સિડર્મી વિશે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ બધું જ સાહિત્ય વાંચવા માંડ્યું. વાંચતા-વાંચતા જ તેમને આ કલામાં વધુ રસ પડવા લાગ્યો. તેમણે દેશભરમાં તપાસ આદરી કે આ પ્રકારનું શિક્ષણ આપતી સંસ્થાની તપાસ કરી જોઈ. પણ દુર્ભાગ્યાવશ આવી કોઈ સંસ્થા ન મળી.

સામાન્ય રીતે સામાન્ય જિજ્ઞાસાથી જો શરૂઆત થઈ હોય તો તે અહીં સુધી આવીને અટકી જાય. પરંતુ ડો. સંતોષના કિસ્સામાં એવું નહોતું, તેમણે ખાનગી રીતે ટૅક્સિડર્મીસ્ટનું કામ કરનારાં માણસો શોધી કાઢ્યા. જોકે, જ્યારે તેઓ આવા ટૅક્સિડર્મીસ્ટોને મળ્યા ત્યારે તેમાંથી મહદંશે બધાએ પોતાની ટૅક્સિડર્મીસ્ટની પ્રેક્ટિસ છોડ્યે વર્ષો વતાવી દીધા હતા. અને જેમને તેઓ મળ્યા તેઓ પણ મોટા ભાગે પંખીઓ પર જ કામ કરતા હતા, એટલે તેમને થોડું ઘણું જ્ઞાન આ અનુભવીઓ પાસેથી મેળવ્યું કે પંખીઓને સાચવવા આ કલાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. પછી તેમણે પોતાની મેળે જ શીખવાનું શરૂ કર્યું, અને તે માટે ડો. સંતોષ મહિનાના દસ દિવસ આ માટે ફાળવતા. તેમણે મૃત્યુ પામેલા કબૂતર અને મરઘી પર ધીરે ધીરે પ્રયોગ શરૂ કર્યા. પોતે વેટરનિરી કોલેજમાં હોવાથી અનેક પ્રાણી-પશુ ઇજા પામે તો ત્યાંની હોસ્પિટલમાં જ લાવવામાં આવતા. તેમાંથી ઘણાં મૃત્યુ પામતા અને તેમનો નાશ કરી દેવામાં આવતો. આવા મૃત પશુ-પક્ષીઓ પર તેઓ પોતાનું રોજબરોજનું કામ પૂરું કરીને સંશોધન કરતા. અને પછી તો આવા મૃત જીવોને તે ઘરે લઈ જવા લાગ્યા, જેથી ઘરે જઈને પણ તેના પર કામ થઈ શકે. પોતાના ઘરે મૃત પશુ-પક્ષીને સાચવવાની કોઈ વિશેષ વ્યવસ્થા ન હોય, એટલે તેને ઘરના જ રેફ્રિજરેટરમાં મૂકવાનું શરૂ કર્યું. સંતોષના પત્ની તેમનું આ ગાંડપણ જોઈને અકળાતી અને મૃત જીવોથી ફ્રીજમાં કોઈ ઇન્ફેક્શન થાય તેની પણ ચિંતા કરતી. જોકે ડો. સંતોષ પોતાના કામમાં મશગૂલ હતા અને કામની વચ્ચે ફ્રીજમાં મૃત જીવોની કશું અસર ન થાય તેની કાળજી પણ રાખી લેતા. આમ વર્ષોના વર્ષો વીત્યા અને ધીરે ધીરે આ કલા ડો. સંતોષે હસ્તગત કરી લીધી. ત્યાર બાદ તો તેમનો દિવસનો મોટા ભાગનો સમય ટૅક્સિડર્મી પાછળ જતો, આ જ કારણે એક સમય એવો આવ્યો જ્યારે તેમણે પોતાની નોકરી પણ છોડી દીધી. ડો. સંતોષના સહકર્મચારી તેમના પર હસતાં, અને તેમના આ શોખને બેવકૂફી ગણતા. પણ જાણે તેઓ કશું ભાળી ગયા હોય તેમ મંડ્યા રહ્યા.

ઓલમોસ્ટ, ચાર વર્ષની અવિરત પ્રેક્ટિસ બાદ ડો. સંતોષે ટૅક્સિડર્મી પર નિપુણતા હાંસલ કરી લીધી અને 2006માં તો તેમણે મહારાષ્ટ્રના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આગળ પ્રાણી-પશુને ટૅક્સિડર્મીથી સાચવવાનો એક પ્રસ્તાવ રજૂ કર્યો. 2008માં તેમને શહેરના પ્રાણીસંગ્રાહલયમાં કામ કરવાની પરવાનગી મળી. અહીંયા તેમણે દીપડાની રેપ્લિકા બનાવી અને તે જંગલ વિભાગના અધિકારીઓ ખૂબ પસંદ પડી.  અને તેમને વધુને વધુ કામ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે પ્રેર્યા. આજે પૂરા દેશમાં આ રીતે સરકાર સાથે કામ કરનારાં ડો. સંતોષ ગાયકવાડ એકમેવ છે! 2010 આવતાં આવતાં તો તેમનું કામ એટલું વધી પડ્યું કે મુંબઈના સંજય ગાંધી નેશનલ પાર્ક દ્વારા તેમના માટે સ્પેશિયલટૅક્સિડર્મી સેન્ટર શરૂ કર્યું. આજે તેમના નામે ટૅક્સિડર્મીનું જંગી કામ બોલે છે.

દેશમાં આજે ટૅક્સિડર્મીસ્ટ તરીકે જેમ ડો. સંતોષ ગાયકવાડનું નામ જાણીતું છે, એ જ રીતે વિશ્વભરમાં ટૅક્સિડર્મીસ્ટને નવા આયામ પર લઈ જનારાં કાર્લ એકેલે હતા. ફાધર ઓફ મોર્ડન ટૅક્સિડર્મી તરીકે ઓળખાતાં કાર્લ એકેલેનું કામ આજે પણ અમેરિકામાં ફિલ્ડ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી’ અને અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીમાં જોઈ શકાય છે. આ ક્ષેત્રમાં તેમણે અદ્વિતિય કામ કર્યું છે અને તેની ઝાંખી આ બંને મ્યુઝિયમમાં જોવા મળે છે. ટૅક્સિડર્મીને વિજ્ઞાન અને કલાની દૃષ્ટિએ વધુ સૂક્ષ્મતાથી જોઈ-તપાસી શકાય, પણ તે કાર્ય કોઈ સજ્જ કલાધર કરે તો ઓર દીપી ઉઠે.