મેરાન્યૂઝ નેટવર્ક,સુરેન્દ્રનગર: દેશના સીમાડાઓનું રક્ષણ કરતા જવાનોને દુશ્મન દેશના સિપાહીઓ સાથે મોસમની દુશ્મનીનો પણ સામનો કરવો પડતો હોય છે. લદાખમાં હિમવર્ષામાં જવાન શહીદ થતા તેના વતન સુરેન્દ્રનગરના ચુડા ગામે શહીદ જવાનને સલામી આપી અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના છત્રીયાળા ગામના વતની લવજીભાઈ માવજીભાઈ મકવાણા ઇન્ડિયન આર્મીમાં EME બટાલિયન રેજીમેન્ટમાં ૧/૯ ગ્રુપમાં લેહ લદાખ ખાતે ફરજ બજાવી રહ્યા હતા. પોતાની ટુકડી સાથે દેશના સીમાડાઓનું રક્ષણ કરતા હવલદાર લવજીભાઈ મકવાણાનું ફરજ દરમિયાન હિમવર્ષાને કારણે હિમપાતમાં તોફાન થતા જવાન શહીદ થયા હતા ત્યારે વીરગતિ પામેલા જવાનના મૃતદેહને તેમના વતન છત્રીયાળા ગામે પાર્થિવ દેહને લાવી આજે બપોરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. માં ભોમની રક્ષા કાજે પ્રાણોની આહુતિ આપી સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદના આજે બપોરે તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આર્મીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને મીલીટરી સન્માન સાથે જવાનને સલામી આપવામાં આવશે તો દેશ માટે જનની આહૂતિ આપનાર શહીદ જવાનના અંતિમ સંસ્કારમાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહેશે.