ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ચીન અને અમેરિકાની ટ્રેડ વોરનો લાભ ભારતીય રૂ બજાર અને કાપડ ઉદ્યોગને મળી શકે છે, જો સરકાર સાનુકુળ વેપાર નીતિ ઘડી કાઢે. ઝેન્ગજીયાંગ પ્રાંત (રાજ્ય)માં બાળ મજુરો અને મુસ્લિમો પર અત્યાચાર કરવાથી ચીન અલિપ્ત નહિ થતા, અમેરિકાએ આ પ્રાંતમાંથી ઉત્પાદિત થતા ટેક્સટાઈલ ઉત્પાદનોની આયાત બંધ કરી દીધી છે. આ ઘટનાનો સીધો ફાયદો ભારતના રૂ, યાર્ન અને ટેકાસ્ટાઈલ ઉત્પાદનોની ચીન ખાતે નિકાસ વૃદ્ધીમાં થવાનો છે. જો ચીન, ભારત સહીત અન્ય દેશોમાંથી આ બધી આયાત નહિ કરે તો, ચીન તેની રૂમાંથી બનતા તૈયાર ઉત્પાદનીની અમેરિકા ખાતેની નિકાસ ગુમાવી દે તેવો ભય પણ ઝળુંબે છે. ઝેન્ગઝીયાંગ રાજ્ય ચીનમાં સૌથી મોટા રૂ ઉત્પાદક વિસ્તાર તરીકે જાણીતું છે.

જપાન, અમેરિકા અને યુરોપ જેવા દેશો ચીનને બદલે ભારતના ઉત્પાદનોની આયાતનો આગ્રહ રાખતા થાય તે સ્થિતિમાં ૨૦૨૦-૨૧નુ કોટન વર્ષ ભારતીય ટેક્સટાઈલ ઉદ્યોગ માટે ઉજ્જવળ બની રહેશે. ભારતીય કાપડ મિલોના નફામાં પણ વધારો શક્ય મનાય છે. આ સ્થિતિમાં રિઝર્વ બેન્ક કોટન અને ટેક્સટાઈલ ઉદ્યોગને આવશ્યક નાણાકીય સવલતો આપીને તેમની સમસ્યા હળવી કરી શકે છે. રીઝર્વ બેન્કે બેલેન્સસીટ ફાયનાન્સિંગ કરવાને બદલે ટ્રાન્ઝેકશન ફાયનાન્સિંગ અને સ્ટ્રકચરલ ફાઈનાન્સિંગ ઉપલબ્ધ કરાવવું જોઈએ.

કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ)એ કપાસ ખેડૂતોને ટેકાના સારા ભાવ આપીને મદદરૂપ થવું જોઈએ, જેથી રૂના ભાવ તૂટી ન જાય.  જગત આખું કોરોના માહામારી વચ્ચે મંદી તરફી બની ગયું છે, જે રૂના ભાવને ભાગી જવા નહિ દે. ૨૯ એમએમ માધ્યમ તારના રૂનાં ભાવ ભારતીય બજારમાં રૂ. ૩૯૦૦૦થી ૪૪૦૦૦ વચ્ચે અથડાતા રહેવાની ધારણા અત્યારે બાંધી શકાય. સર્વાંગી રીતે જોવા જઈએ તો આપણે કોવિદ મહામારીના બીજા તબક્કામાં દાખલ થઇ રહ્યા છીએ, ત્યારે બહુ બધા મોટા આશાવાદથી સાવધ રહેવું આવશ્યક છે.

ગતવર્ષનાં વાવેતર કરતા વર્તમાન વર્ષે કપાસ વાવેતર બે ટકા ઓછું ૧૩૦ લાખ હેકટરમાં થયું હતું. ૧૫ સપ્ટેમ્બર સુધી અમારી ધારણા હતી કે વિપુલ રૂ ઉત્પાદન આવશે, પણ ત્યાર પછીના વરસાદે પાકને સારું એવું નુકશાન કર્યું હતું. આરંભિક આવકોમાં ગુણવત્તા નબળી રહેશે, પણ ત્યાર પછીની વીણાટ ઊપજ (યીલ્ડ) પણ ઘટટી આવવાનો ભય છે. એવું લાગે છે કે આ વર્ષે સીસીઆઈ ટેકાના ભાવે અંદાજે ૧૨૫ લાખ ગાંસડી રૂ પ્રાપ્તિ અભિયાન ચલાવશે. ઓક્ટોબરથી શરુ થયેલી નવી રૂ મોસમનો આરંભ ઐતિહાસિક પુરાંત સ્ટોકથી થશે, પરિણામે વર્ષાંત સ્ટોક પણ એક નવો વિક્રમ બનાવશે. આઈસીઈ રૂ વાયદો આ મોસમના મહત્તમ સમય દરમિયાન સાંકડી વધઘટે અથડાવાને લીધે ભારતીય રૂનાં ભાવ પણ દબાણમાં રહ્યા હતા.

ખેડૂતોની આવક તો જ બમણી થઇ શકે જો હેકટર દીઠ યીલ્ડ (ઉતારો) વર્તમાન ૪૯૦ કિલોથી વધીને ૭૭૫ કિલો થાય. આ લક્ષ્યાંકને પહોચી વળવા કપાસિયા બીયાના ભાવ પરના નિયંત્રણો મુકત કરી દેવામાં આવે. જેથી બિયારણ કંપનીઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવસંશોધિત બિયારણ ખેડૂતોને પહોચાડી શકે. સરકારે પણ વધુ ઊપજ આપતા આધુનિક બિયારણ ખરીદવા ખેડૂતોને સબસીડી આપીને પ્રોત્સાહિત કરવા જોઈએ. જેથી લાંબા તારના રૂની પેદાશ વધે, અને ખેડૂતો સરકાર દ્વારા નિર્ધારિત ભાવ કરતા વધુ ભાવ મેળવી શકે. આપણા સ્પર્ધાત્મક પ્રતિસ્પર્ધી દેશો સાથે સમક્ક્ષ ઉભા રહેવા લાયબોર દર ૧ ટકા સમક્ક્ષ કરીને વ્યાજદર ઘટાડવા આવશ્યક થઇ ગયા છે. એમએસએમઈને અપાતા તમામ આર્થિક અને અન્ય લાભો રૂ નિકસ ટ્રેડીંગ હાઉસ, યાર્ન ઉત્પાદકો અને કાપડ ઉદ્યોગને પણ આપવા આવશ્યક થઇ ગયા છે.

(અસ્વીકાર સૂચના: commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)