રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): દરેક ગામડામાં એક રામ મંદિર હોય; જ્યાં સીતા/ રામ/ હનમાનજીની મૂર્તિઓ હોય. સવારસાંજ  પૂજા થાય; પૂજારીને રાજ તરફથી મંદિરસેવા માટે જમીન મળે. ઘેર માત્ર ભગવાનનું ચિત્ર હોય. તેની સમક્ષ દીવો પ્રગટાવવામાં આવે. હવે કેટલાંક ગામડામાં સ્વામિનારાયણના બે મંદિરો હોય છે; જુદા જુદા ફિરકાના ! નાના ગમમાં સાત-આઠ મંદિરો હોય છે પણ એક બાળમંદિરનું ઠેકાણું હોતું નથી ! શહેરોના બંગલાઓમાં/ ફ્લેટમાં એક જુદો પૂજારુમ રાખવાની ફેશન છે. ઘરનો આ પૂજારુમ આપણી ઉપર કોઈ અસર પાડી શકતો નથી. આ પૂજારુમ આપણે ઊછીના લીધેલ પૈસા પરત આપવાનું શીખવતો નથી. આ પૂજારુમ આપણને માનવીય બનાવતો નથી; નિષ્ઠાવાન, પ્રામાણિક બનાવતો નથી; સત્યનું સમર્થન કરવાનું શીખવતો નથી. આ પૂજારુમ આપણને સામાજિક/ રાજકીય/ આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે જાગૃત થવા દેતો નથી. આ પૂજારુમ આપણને અન્યાયનો/ શોષણનો પ્રતિકાર કરવાનું શીખવતો નથી. આ પૂજારુમ આપણને મોંધી શિક્ષણ ફી સામે બંડ કરવાનું શીખવતો નથી !

શું પૂજારુમથી કોઈ ફાયદો જ નથી? હા, થોડી શાંતિ મળે છે, જે ભ્રામક હોય છે. ઘરમાં પૂજારુમ હોય છતાં લોકો આત્મહત્યા કરે છે ! સૃષ્ટિમાં દરેક જગ્યાએ જો રામ હોય; ઘટઘટમાં રામ સમાયેલ હોય તો બંગલા/ ફ્લેટમાં ચોક્કસ જગ્યાએ પૂજારુમની શી જરુર? આ પ્રશ્ન આપણને થતો નથી. પાડોશીએ પૂજારુમ કર્યો છે એટલે આપણા બંગલા/ ફ્લેટમાં પૂજારુમ હોવો જ જોઈએ ! માસ હિસ્ટેરિયા-સામૂહિક ગાંડપણમાં આપણે ખેંચાઈ જઈએ છીએ.પૂજારુમ સામે વાંધો નથી; નાનો નહીં, મોટો પૂજારુમ કરો; પરંતુ એનાથી તમારું સામાજિક મૂલ્ય વધશે નહીં. પૂજારુમથી મોટો રુમ પુસ્તકરુમ બનાવશો તો તમને/ તમારા બાળકોને નવી દ્રષ્ટિ મળશે. તમને એ સમજાશે કે કથાકારો/ સ્વામિઓ/ ગુરુઓ/ પ્રગટ બ્રહ્મસ્વરુપો/ માતાજીઓ તમારું શોષણ અટકાવી શકવાના નથી; તમને થતો સામાજિક/ રાજકીય/ આર્થિક અન્યાય અટકાવી શકવાના નથી. આટલી જાગૃતિ આવી જાય તો બેડો પાર થઈ જાય ! આ જાગૃતિ; આ દ્રષ્ટિ પૂજારુમ ન આપી શકે, માત્ર પુસ્તકરુમ જ આપી શકે.

પુસ્તકરુમમાં સંપ્રદાયની/ ગુરુઓની વાહવાહીના પુસ્તકો/ મેગેઝિનના બદલે; સાંપ્રદાયિક મોટિવેશનલ પુસ્તકોને બદલે; માનવકેન્દ્રી વિચારવાળા પુસ્તકો હોવા જોઈએ. પૂજારુમ કરતાં પુસ્તકરુમ વધુ ઉપયોગી છે; પરંતુ મોટી તકેદારી એ લેવાની છે કે તેમાં ભક્તલેખકોના પુસ્તકો ન હોય, ધાર્મિકલાગણી ઉશ્કેરતા પુસ્તકો ન હોય. ઝેરીલા પુસ્તકો ન હોય. ગુજરાતમાં કેટલાંય મોટિવેશનલ લેખકો કથાકારોના મંજિરા વગાડે છે ! કેટલાંક મોટિવેશનલ લેખકો કપાળે સાંપ્રદાયિક ટીલાંટપકાં કરી વિશ્વમાનવની ધફલી કૂટે છે ! કેટલાંય મોટિવેશનલ લેખકો, ગોડસેને દેશભક્ત અને ગાંધીને દેશદ્રોહી કહેનારના તથા કબરમાંથી મહિલાઓના શબ કાઢીને બળાત્કાર કરવાના ઉપદેશો આપનારના રાજકીય ગોડફાધરના વખાણ કરતા થાકતા નથી ! આવા લેખકો એટલું પ્રદૂષણ ફેલાવે છે કે વિચારોનું વૃંદાવન ગંધાઈ ઊઠે છે ! પૂજારુમથી પુસ્તકરુમ તરફ જતાં આટલી સાવધાની લેશોને ?

(લેખક નિવૃત્ત આઇપીએસ અધિકારી છે)