રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): કોરોના વાયરસને અટકાવવા માટે લોકડાઉન કરવાની સરકારને ફરજ પડી. લોકડાઉન થતાં જ રોજમદાર શ્રમિકો ઉપર આકાશ તૂટી પડ્યું. રોજનું કમાઈને, રોજ ખાતા હોય તેવા લાખો પરિવારને ભૂખનો સામનો કરવો પડ્યો. સ્થળાંતરિત શ્રમિકોએ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પગપાળા કૂચ કરી. એપ્રિલ-મે મહિનાનો તાપ/ભૂખ/તરસ/થાક/બાળકો વગેરે પ્રશ્નો અંગે કોઈ આયોજન સરકારે ન કર્યું. લોકડાઉનના 40 દિવસ બાદ સ્થળાંતરિત શ્રમિકોને પોતાના રાજ્યમાં જવાની છૂટ મળી ત્યારે તેમની પાસેથી રેલ્વે ભાડું વસૂલ કરવામાં આવ્યું. પ્રશ્ન એ છે કે સરકાર ટેક્સના નાણાં ક્યાં વાપરે છે? ‘PM કેર ફંડ’ના નાણાંનું શું કરે છે? રાષ્ટ્રના નિર્માણમાં જેમનો પરસેવો રેડાયો છે; એ શ્રમિકોની કોઈ નોંધ જ નહીં લેવાની?

લોકડાઉન પાકિસ્તાનમાં પણ છે. ત્યાંના PM એ 2 મે, 2020 ના રોજ, લોકોને સંબોધન કર્યું હતું : “લોકડાઉનના કારણે જેઓ બેરોજગાર થયા છે; સૌથી મજબૂર લોકો છે એમના સુધી પહોંચવા અમારી પ્રથમ કોશિશ હતી. પ્રથમ તબક્કામાં, ત્રણ અઠવાડિયામાં 81 અરબ રુપિયા 68 લાખ પરિવારમાં પહોંચાડવામાં આવ્યા. હવે બીજા તબક્કામાં જે લોકો નોકરી કરતા હોય અને લોકડાઉનના કારણે બેરોજગાર બની ગયા છે તે પોતાને રજિસ્ટર્ડ કરાવે; તેમને કેશ પહોંચાડવામાં આવશે. જે લોકો, પ્રાઈમ મિનિસ્ટર કોરોના રીલિફ ફંડમાં ડોનેશન આપી રહ્યા છે તેમને હું ખાત્રી આપું છું કે આ ફંડ ક્યા વપરાયું તેનો પારદર્શક હિસાબ રજૂ થશે; ઓડિટ થશે; લોકો જાણી શકશે. આ ફંડમાં કોઈ એક રુપિયો આપશે તો સરકાર ચાર રુપિયા જોડશે. આ ફંડ બેરોજગારોને મળશે. વધારેને વધારે લોકો સુધી પહોંચવાના અમારા પ્રયત્નો છે. અમે એક મહિનામાં; પેટ્રોલની કિંમતમાં 30 રુપિયાનો ઘટાડો કર્યો; જ્યારે ડીઝલની કિંમતમાં 42 રુપિયાનો ઘટાડો કર્યો; કેરોસિનની કિંમતમાં 45 રુપિયાનો ઘટાડો કર્યો છે. ડીઝલની કિંમતમાં ઘટાડાના કારણે ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે. લોકડાઉનના કારણે ટેક્સ કલેક્શન 35 % ઘટ્યું છે; તેમ છતાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટાડો કરવામાં આવ્યો છે. પ્રથમ વખત કન્ટ્રકશન ઈન્ડસ્ટ્રીઝ/ સ્મોલ-મીડિયમ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝને Incentives-પ્રોત્સાહનો આપવામાં આવ્યાં છે; જેથી રોજગારની તકો વધે.”

પાકિસ્તાનના PM સંવેદનશીલતા દેખાડી શકે; તો ભારતના PM સંવેદનશીલતા દેખાડવાને બદલે તાળી/થાળી/દીવાની વાતો કેમ કરતા હશે? નક્કર પગલાંને બદલે, માત્ર સલાહ જ કેમ આપતા હશે? ‘PM કેર ફંડ’માં કેટલું ફંડ આવ્યું છે; કેટલું ફંડ, કઇ જગ્યાએ વપરાયું; તેની માહિતી સરકાર શામાટે છૂપાવતી હશે? જ્યારે પેટ્રોલ-ડીઝલની આંતરરાષ્ટ્રીય કિંમતમાં 50% ઘટાડો થઈ ગયો છે ત્યારે બેરોજગારી/મોંઘવારીના સમયે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાને બદલે વધારો કરવાનું સરકારને કેમ સૂઝતું હશે? પ્રધાનસેવકે અપીલ કરી હતી કે માલિકો લોકડાઉન દરમિયાન શ્રમિકોને પગાર ચૂકવે ! પરંતુ સરકારે ભૂખ્યા/તરસ્યા શ્રમિકો પાસેથી રેલ્વે ભાડું વસૂલ કર્યું ! કથની કરણીમાં કેટલું અંતર ! સરકાર શ્રમિકોની ક્યારેય હોતી નથી; એની સાબિતી સરકારે આપી છે !

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવામાં આવે છે)