મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ   પ્રિય દોસ્ત આજે હું તને પત્ર લખી રહ્યો છુ, પણ તારો અને મારો કોઈ પરિચય જ નથી,આપણે કયાંક મળ્યા હોઈશુ અને આપણા શબ્દોને બદલે આપણી નજરોએ વાત કરી લીધી હશે,કદાચ તે જ નાતે હું આ પત્ર લખી રહ્યો છુ, હમણાં આપણા રાજયમાં કોરોનાની સ્થિતિને કારણે લોકડાઉનની સ્થિતિ છે તેના કારણે હું પોતે પણ જવલ્લે જ ઘરની બહાર નિકળુ છુ,સાચુ કહુ તો મને બહુ ઓછી વખત ડર લાગ્યો છે, પણ આ વખતે મને મારા કારણે નહીં મારા બાળકો માટે ડર લાગી રહ્યો છુ, હું બહાર નિકળુ અને કોરોનાનો પ્રસાદ મારા બાળકો સુધી પહોંચે નહીં તેની કાળજી લઈ રહ્યો છુ, હું આજે પિતા છુ પણ થોડા વર્ષ પહેલા તમારા જેવો બીન્દાસ દિકરો હતો.

લોકડાઉનને કારણે જયારે જયારે પણ હું કરીયાણાની દુકાન ઉપર ખરીદી કરવા ગયો છુ,ત્યારે મેં લાંબી કતારો જોઈ છે, આમ તો પહેલી નજર સોશીયલ ડીસ્ટન્સની કતારો જોઈ મને સારુ લાગતુ હતું, પણ થોડા દિવસ પછી જ મને આ કતારો કઠવ લાગી હતી દોસ્ત જાણે છે કેમ ? કારણ આ કતારમાં ઉભા રહેનાર મોટા ભાગના વૃધ્ધ મા-બાપને મેં જોયા છે, ખરેખર તો આજની સ્થિતિ બાળકો અને વૃધ્ધો માટે બહાર નિકળવુ યોગ્ય સમય નથી, આ વૃધ્ધોને જોઈ મારામાં મનમાં સવાલ થતો કે શુ આ વૃધ્ધોના ઘરે યુવાન દિકરો-દિકરી નહીં હોય?

પત્રકાર હોવાને કારણે પોતાના મનને અને બીજાના મનને ખંખોળવાની આદત છે

દોસ્ત એટલે મેં મારા વૃધ્ધ અને યુવાન મિત્રોના હ્રદયને મનના દુરબીનથી જોવાનો પ્રયત્ન કર્યો, મને લાગે કે દોસ્ત મારા તારો જ વાંક નથી,પણ એક વખત પિતાની ખુરશીમાં પોતાની જાતને મુકી જોવાની જરૂર છે. આજે તારી પાસેે જે કઈ છે,તારૂ જ્ઞાન,તારી સમજ,તારૂ સુખ અને તારૂ સ્વપ્ન બધુ તારા પિતા પાસેથી મળ્યુ છે, પણ તને ખબર છે તારો પિતા માટે આજે તેનું જ્ઞાન,તેની સમજ,તેનું સુખ અને તેનું સ્વપ્ન બધુ જ તુ છે.તુ ખુશ અને સુખી રહે તે માટે તે તારા સુખની ક્ષણને ખલેલ પહોંચે નહીં માટે કયારેક લાઈટબીલની તો કયારેક કરીયાણાની તો કયારેક ટેકસ બીલની કતારમાં ઉભો રહેલો જોવા મળે છે, પણ હવે તે થાકી ગયો છે

દોસ્ત તુ તુ મને સામો સવાલ કરીશ અરે તે થાકી ગયા છે તો મને કહેવુ જોઈએને .. પણ તને કહીશ પિતા થયા વગર કદાચ તને આ નહીં સમજાય,કારણ પિતા કયારેય પોતાના સંતાનો સામે હારવા અને થાકવાનું પસંદ કરતો નથી,તેનો અર્થ તેવો પણ નથી કે તે હારતો અને થાકતો નથી,તે હારે પણ છે અને થાકે પણ તે તેને કહેવા માગતો નથી,તેની અપેક્ષા હોય છે કે તે કરીયાણાની દુકાનમાંથી એક તરફ શરીર ઝુકી જાય એટલી મોટી થેલી ઉચકી આવે ત્યારે તુ તેના હાથમાંથી થેલી પકડી લે,તે ખુરશી ઉપર બેસે ત્યારે તુ પાણીનો ગ્લાસ ભરી તેની સામે ઉભો રહે પણ તેવુ તુ કઈ જ કરતો નથી કારણ તારો પિતા શરીર અને મનથી જીર્ણ થઈ રહ્યો છે તેની તને કલ્પના જ નથી.

વાંક ખાલી તારો જ નથી, તારા પિતાના લાડને કારણે ચોખા અને દાળનો ભાવ સુધ્ધા ખબર નથી. તારા પિતા સમયના પાબંધ હોવાને કારણે બધુ સમયસર કરવાની તેને ટેવ છે.તને તેને જયારે પણ કામ સોંપ્યુ ત્યારે થઈ જશે કરી નાખીશ,તેવુ કહી પોતાના મોબાઈલમાં વ્યસ્ત તને જોયો છે એટલે જ તારા પિતાએ તને કઈ કહેવાનું છોડી દીધુ છે. પણ હવે તેવુ કરીશ નહીં,તેને સમય પ્રમાણે તુ થેલી લઈ નિકળી જા, કદાચ તુુ જે કઈ લઈ આવીશ તે બરાબર નથી, અરે બે રૂપિયા વધારે આપી આવ્યો તેવી ટકોર પણ કરશે, પણ તેને પણ સમજવાનો પ્રયત્ન કર ,તે બહુ ગરીબીમાંથી આવ્યો છે આવુ કરશે

પણ દોસ્ત તારા પિતાને તારે વિશ્વાસ અપાવવો પડશે કે હવે તુ તેમને સંભાળી શકે એટલે મોટો થઈ ગયો છે,તે તારી સાથે આખી જીંદગી રહેવાના નથી, પણ તેમની વિદાય પહેલા તેઓ તારા માટે મનથી નિશ્ચીંત થાય તે જોવાની તારી જવાબદારી છે,થોડા વર્ષો પછી તારા આલીશાન ઘરમાં તેમની હાર પહેરાવેલી તસવીર સામે ઉભો રહી તુ કહીશ કે પપ્પા તમે મારા હિરો હતા,તેના કરતા તેની હાજરીમાં તારા હિરોની કદર કરતા શીખ,કયારેક તેમની પાસે બેસી પુછ થાકી ગયા છો ? તારા આ શબ્દો તેમના જીવનભરનો થાક ઉતારી નાખશે મેં કહ્યુ તેનો વિચાર કરજે અને યોગ્ય લાગે કરજે તારા વૃધ્ધ પિતા માટે

બસ તારા જેવો તારો દોસ્ત

પ્રશાંત દયાળ