પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ- ખજુરાહોઃ ભાગ-43): 2014માં નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સત્તા હાંસલ કરી દીધી, તેના માટે તેમણે પોતાના સિનિયર અને રાજકીય ગુરૂ લાલકૃષ્ણ અડવાણીને ખતમ કરી નાખ્યા હતા. અડવાણી સહિત મુરલીમનોહર જોશીને પણ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. નરેન્દ્ર મોદી અને ઈન્દીરા ગાંધીમાં એક સામ્યતા છે. ઈન્દીરા પણ પોતાના કોંગ્રેસ પક્ષ કરતા મોટી થઈ ગઈ હતી. તેવી જ રીતે નરેન્દ્ર મોદીનું કદ પણ ભાજપ કરતા મોટું થઈ ગયું હતું. હવે ભાજપ એટલે માત્ર નરેન્દ્ર મોદી એવું લોકમાનસમાં ઠસી ગયું હતું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન થઈ ગયા, તેના કારણે વિશેષ સત્તાઓ હવે તેમની પાસે આવી ગઈ તેમને પોતાના રાજકીય દુશ્મનો ખતમ કરવાના હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના જે પણ તેમની સામે હતા તેમને તેઓ હવે હેસીયત પ્રમાણેની સજા આપવાના હતા. જોડતોડની રાજનીતિ શરૂ થઈ હતી, જેમાં મોદી તો માહીર હતા, પણ તેમની સાથે અમિત શાહ પણ હતા. તેઓ વડાપ્રધાન થયા પછી દિલ્હીના રાજકારણમાં તેમના ચેલા તરીકે તેઓ અમિત શાહને પણ લઈ ગયા. નરેન્દ્ર મોદીએ પોતાના અનુગામી તરીકે આનંદીબહેન પટેલને સત્તા સોંપી હતી, પણ વજુભાઈ વાળા તેમના માટે સમસ્યા બને નહીં તે કારણે વજુ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવી ગુજરાતમાંથી રવાના કરી દીધા હતા.


 

 

 

 

 

કેન્દ્ર સરકાર પાસે સૌથી તાકતવર બાહુ હથિયાર સીબીઆઈ હોય છે. કેન્દ્રમાં જેની પણ સરકાર થાય તે પોતાના દુશ્મને સાફ કરવા માટે સીબીઆઈનો ઉપયોગ કરતી હોય છે. કોંગ્રેસે પણ તેનો ભરપુર ઉપયોગ કર્યો હતો, હવે સીબીઆઈનું રીમોટ મોદીના હાથમાં હતું. જો કે નરેન્દ્ર મોદી જટ કોઈની ઉપર ભરોસો કરતા નથી, જેના કારણે તેઓ ગુજરાતમાંથી બે સિનિયર આઈપીએસ એ કે શર્મા અને રાકેશ અસ્થાનાને સીબીઆઈમાં લઈ ગયા. તેઓ તેમના હુકમને તાબે થનાર અધિકારીઓ હતા. શંકરસિંહ કાપડમંત્રી હતા, ત્યારે તેમની સામે વ્યાપક ફરિયાદો થઈ હતી. જે બાબત નરેન્દ્ર મોદી સારી જાણતા હતા. નરેન્દ્ર મોદીએ કાપડમંત્રી તરીકે શંકરસિંહના શાસનમાં થયેલી ગેરરીતિઓના કાગળો જોયા, કાગળો જોતા જ મોદી સમજી ગયા, બાપુ પાસે બે જ વિકલ્પ છે, બાપુ જેલમાં જાય અથવા ભાજપમાં આવે, પણ બાપુને ડરાવવા જરૂરી હતા.

એક દિવસ અચાનક શંકરસિંહને ત્યાં સીબીઆઈની ટીમે આવીને દરોડો પાડયો, બાપુ અંદરથી ધ્રુજી ગયા તેઓ હવે મોદી કઈ તરફ જશે તે સમજી ગયા હતા. હવે મોદી રાજ્યો કબજે કરવા માગતા હતા. જેમાં ઉત્તર પ્રદેશમાં જંગી બહુમતી મળ્યા પછી નરેન્દ્ર મોદીની તીવ્ર ઈચ્છા હતી કે પોતાના ગુજરાતમાં પણ ચારે તરફ આ પ્રકારે ભાજપનો ઝંડો લહેરાય. ગુજરાતમાં 1985માં માધવસિંહ સોંલકી મુખ્યમંત્રી હતા, ત્યારે કોંગ્રેસને 149 બેઠકો મળી હતી. મોદીએ કોંગ્રેસ કરતા વધુ બેઠક એટલે કે 150 બેઠકો જીતવાનો લક્ષ્યાંક ભાજપને આપી દીધો હતો. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હોવા છતા ક્યારેય 150 બેઠકો આવી ન્હોતી. જ્યારે હવે તેમની ગેરહાજરીમાં 150 બેઠકો લાવવાની હતી. જેના માટે કોંગ્રેસનું વિભાજન થવું જરૂરી હતું. મોદી શંકરસિંહ ઉપર હાથ અજમાવી ચુક્યા હતા. બાપુ ડરેલા હતા અને બાપુ સમજી ગયા હતા કે તેમની રાજકીય ઈનીંગ પુરી થવા આવી છે. જેમ કેશુભાઈ પુત્ર પ્રેમ માટે ભાજપમાં પાછા ફર્યા તેમ બાપુને પણ તેમના પુત્ર મહેન્દ્રસિંહને ભાજપની ટિકિટ આપી મંત્રીપદ આપવાની વાત બાપુ સુધી પહોંચાડવામાં આવી હતી, પણ બાપુ માટે પ્રશ્ન હતો કે કઈ રીતે કોંગ્રેસ છોડવી.


 

 

 

 

 

2017ની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા હતા, ત્યારે બાપુએ કોંગ્રેસમાં વાંધા કાઢવાની શરૂઆત કરી, કોંગ્રેસ તેમનું સાંભળતી નથી, કોંગ્રેસમાં તેમને અન્યાય થઈ રહ્યો છે તેવી ફરિયાદની શરૂઆત થઈ, જે કોંગ્રેસે તેમને સાંસદ સભ્ય બનાવ્યા, મંત્રી બનાવ્યા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બનાવ્યા અને વિરોધ પક્ષના નેતાનું પદ પણ આપ્યું તેમ છતાં બાપુ મજબુરી અને જેલમાં જવાના ડરથી હવે કોંગ્રેસ છોડવાના કારણો ઊભા કરી રહ્યા હતા. 1998થી સતત સત્તા ઉપર રહેલા ભાજપ સામે ક્યાંક ક્યાંક વિરોધ થવો સ્વભાવીક હતો. કોઈ પણ પક્ષ લાંબો સમય સત્તા ઉપર રહે ત્યારે તેના વિરોધની શરૂઆત થાય છે. આ સંજોગોમાં જો વિરોધપક્ષ જ ખતમ થઈ જાય તો પ્રજા પાસે ભાજપ સિવાય કોઈ વિકલ્પ ના રહે તેવી સ્થિતિ નિર્માણ કરવાની હતી. કોંગ્રેસને પણ બાપુની ભાજપ તરફ જવાની ગંધ આવવા લાગી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં બાપુ દાવ કરશે તેવા સ્પષ્ટ સંકેત મળી ગયા હતા. રાજ્યસભામાં કોંગ્રેસના કદાવર નેતા અહેમદ પટેલ હારી જાય તો કોંગ્રેસનું નૈતિકબળ તૂટી જાય.

ભાજપે કોંગ્રેસમાંથી આવનાર નેતાઓ માટે પદ અને નાણાની કોથળી ખોલી નાખી હતી. કોંગ્રેસમાંથી માણસો લાવવાની જવાબદારી બાપુને સોંપવામાં આવી હતી, પણ 1995માં જેમ સત્તા મેળવવા માટે બાપુ ભાજપના ધારાસભ્યોને લઈ ખજુરાહો જતા રહ્યા હતા, તેમ કોંગ્રેસને પોતાના વેચાઈ રહેલા ધારાસભ્યોને બચાવવા માટે બેંગ્લોર જવાની ફરજ પડી હતી. બાપુ સાથે અને કોંગ્રેસ સાથે છેડો ફાડનાર બાપુના પુત્ર મહેન્દ્રસિંહને વિધાનસભાની ટિકિટ અને પદ પણ મળશે તેવી વાત હતી, બાપુ ભાજપમાં ગયા નથી પણ તેમને જે ટાસ્ક સોંપવામાં આવ્યો છે તેમાં તેમણે કોંગ્રેસને થઈ શકે એટલુ નુકસાન કરવાનું છે. આજે જે યુવાન છે તેમને માત્ર નરેન્દ્ર મોદીનું જ રાજકારણ જોયું છે, પણ તે પહેલા જે રમત શંકરસિંહે શરૂ કરી હતી તે સ્થાને ફરી એક વખત બાપુ આવીને ઊભા છે. રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન હોતા નથી એક સમયના પક્કા દોસ્ત 22 વર્ષ સુધી દુશ્મન રહ્યા અને ફરી એક થાળીમાં જમશે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા ત્યારે તેમના વિદાય સમારંભમાં વિધાનસભા અધ્યક્ષ વજુભાઈ વાળાએ શંકરસિંહ અને નરેન્દ્ર મોદીને સંબોધતા કહ્યું હતું રે તમે દરિયા જેવા છો, દરિયાના પાણી ઉપર કોઈ માણસ ડાંગ પછાડે અને કોઈ માને કે પાણી અલગ થઈ ગયું, પણ તેવું કયારેય થતું નથી.


 

 

 

 

 

આખરે તો આ રાજકારણ છે....

(સમાપ્ત)

આશા છે આપને ખજુરાહો સીરીઝ વાંચવાનું ગમ્યું હશે. અમે આવા જ વધુ અહેવાલો સાથે ફરી નવું કાંઈક જાણવા અને સમજવા જેવું આપ સમક્ષ રજુ કરતાં રહીશું. અમારા સતત પ્રયત્નો રહે છે કે આપ મેરાન્યૂઝમાંથી માત્ર ન્યૂઝ જ નહીં પરંતુ તે કરતાં વધુ મેળવો. અમે સતત કોઈ ડર કે પક્ષપાત વગરના લેખન સાથે વળગી રહીશું. આપ તમામ વાચકોનો ખુબ ખુબ આભાર છે. આપ અમને વાંચતા રહો તે માટે અમારા ફેસબુક પેજ fb.com/MeraNewsGuj/  ને લાઈક કરી ફોલોમાં સી ફર્સ્ટ કરી અમારી સાથે સતત જોડાયેલા રહો. કે ટ્વીટર પર પણ ફોલો કરી શકો છો.