પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ) : અમદાવાદમાં  થોડા દિવસ પહેલાના એક ઘટના ઘટી, એક યુવક અને યુવતીએ લગ્ન કર્યા જેની સામે યુવતીના પરિવારને વાંધો હતો જેના કારણે યુવક-યુવતી લગ્ન બાદ ભાગી ગયા, આખરે બધા જ લગ્નમાં થાય છે તેમ વાત સમાધાન ઉપર આવી, અમદાવાદના નવરંગપુરા દેરાસરમાં નવ પરણિત દંપત્તી અને બંન્ને પરિવારના સભ્યો  વાત કરવા ભેગા થયા અને અચાનક અગાઉથી નક્કી હતું તે પ્રમાણે યુવકના પરિવાર ઉપર હુમલો થયો અને યુવતીના પરિવારજનો યુવતીને પોતાની સાથે ઉપાડી ગયા, આ એક ઉદાહરણ રૂપ ઘટના છે આવુ કઈ પહેલી વખત થયુ નથી કયારેક યુવકના પરિવારને વાંધો હોય છો તો કયારેક યુવતીના પરિવારને વાંધો હોય છે તો કયારેક બંન્ને પરિવારને વાંધો હોય છે. આવી ઘટનાઓ આપણે ત્યાં ગામડામાં અથવા અશિક્ષીત પરિવારમાં જ થાય છે તેવુ નથી પણ હવે શહેરી વિસ્તાર અને શિક્ષીત અને સંપન્ન પરિવારોમાં થઈ રહી છે.

આપણી પાસે શિક્ષણ આવ્યુ જેના પરિણામ સ્વરૂપ આપણી પાસે સંપત્તી પણ આવી, પણ શિક્ષણ અને સંપત્તી આપણને મનની મોકળાશ આપી શકી નહી, શિક્ષણ અને સંપત્તી આવ્યા છતાં આપણા મન તો પથ્થરયુગના જ રહ્યા છે. આમ તો કોઈ માણસને પ્રેમ થાય તેને નોર્મલ માનવામાં આવે છે કારણ પાગલો કયારેય પ્રેમ કરતા નથી પણ આપણે ત્યાં પ્રેમ કરવો ગુનો હોય તેવીઈ સ્થિતિ નિર્માણ થઈ છે મારા અનુભવ કહે છે કે આપણે છેલ્લાં દસ વર્ષમાં અગાઉ કરતા વધુ કટ્ટરપંથી થતાં જઈએ છે, શિક્ષણ આપણને ધર્મ-જ્ઞાતિ અને જાતીના બંધનમાંથી મુકત કરવામાં નિષ્ફળ જઈ રહ્યુ હોય તેવુ લાગે છે. આપણે આપણી વર્ષો જુની પરંપરામાં પાછા જઈ રહ્યા છીએ ખરેખર તો શિક્ષણનું પ્રમાણ જે રીતે વધ્યુુ તે રીતે આપણે વચ્ચે સારા માણસોની સંખ્યામાં વધારો થવો જોઈતો હતો, પણ તેના બદલે ધાર્મિક કટ્ટરતા, અને  જ્ઞાતિની જડતા વધી રહી છે

બે અલગ ધર્મ અથવા અલગ જાતીના લોકો એકબીજાને પ્રેમ કરે અને સાથે રહેવાનો નિર્ણય કરે તો કોઈ ત્રીજી વ્યકિતને કેમ વાંધો હોવો જોઈએ, આ વાંચી કદાચ તમે કહેશો છોકરાનો વિચાર મા-બાપ કરશે નહીં તો કોણ કરશે, વાત સાચી છે બાળકના સુખનો વિચાર આપણે કરવો જોઈએ પણ બાળકના સુખને આપણે ટુંપો આપી દઈએ ત્યાં સુધીની હરકત યોગ્ય નથી., આકાશમાં ઉંચે ઉડતુ ગરડુ પોતાના બાળકને જે રીતે ઉડતા શીખવાડે તે રીતે આપણે આપણા સંતાનો સાથે વ્યવહાર કરવો પડશે ગરડુનું બચ્ચુ જયારે ઈંડામાંથી બહાર નિકળે ત્યારે બાદ ગરુડ ધીરે ધીરે માળામાં રહેલા મુલાયમ પીંછા બહાર ફેકવા લાગે છે થોડા દિવસો પછી બાળ ગરૂડને માળામાં રહેલા કાંટા વાગવા લાગે ત્યારે તે માળામાંથી બહાર નિકળવાનો પ્રયત્ન કરે છે ત્યારે ગરૂડ તેના બચ્ચાને પોતાના પગમાં પકડી આકાશામાં ઉંચે લઈ જાય છે, અને તેને છોડી મુકે છે.

 પોતાની માતા આ રીતે આકાશામાં લઈ જઈ કેમ છોડી દે છે તે બાળ ગરૂડને ખબર પડતી નથી તે જમીન તરફ જેટ વિમાનની ઝડપે આવે છે જો કે આ દરમિયાન બાળ ગરૂડ જમીન ઉપર પટકાય નહીં તે માટે પોતાની પાંખો હલાવા લાગે છે, બાળ ગરૂડ જમીન સુધી પહોંચે તે પહેલા તેની માતા એકદમ નીચે આવી ફરી તેને પગમાં જકડી આકાશામાં ઉંચે જાય છે અને ફરી છોડી મુકે છે આખરે તમામ માતાની ઈચ્છા પોતાનું બાળક આકાશમાં ઉંચે ઉંડે તેવી જ હોય છે પણ આપણે ગરૂડની જેમ આપણા સંતાનોને મુકતા આપતા નથી આપણે કહીએ છીએ તો ખરા કે આપણે તેમની તમામ ઈચ્છાઓ પુરી કરીએ છીએ પણ તે સાચુ નથી આપણા મત સાથે જયારે તેઓ સંમત્ત છે ત્યારે આપણે તેમની સાથે છીએ પણ જયારે તેઓ આપણી સાથે સમંત્ત નથી ત્યારે આપણે તેમની સામે થઈ જઈએ છીએ આ સ્થિતિ યોગ્ય નથી.

હું એક દિકરા અને દિકરીનો પિતા છુ, અનેક વખત અનેક  મુદ્દે અમે એકબીજા સાથે સંમત્ત થતાં નથી ત્યારે હું તેમને કહુ છુ કે મને જે યોગ્ય લાગી રહ્યુ છે તે  વાત તમારી સામે મુકી પણ તમારે તે વાત માનવી જરૂરી નથી તમને લાગે છે કે મારા કરતા તમારી વાત વધારે સાચી છે તો તમે તમારા નિર્ણય જાતે લઈ શકો છો. આપણા સંંતાન જે કઈ કરે તેમા મળનારી સફળતા અને નિષ્ફળતાના હકદાર તેમને થવા દો બ્રાહ્મણ થઈ, પટેલ સાથે લગ્ન કરાય ? ફલાણી જ્ઞાતિમાં લગ્ન થાય તો છોકરી કાયમ દુખી જ થાય આ પ્રકારના માનસીક બંધનોમાં આપણે જાતે આપણુ અને આપણા સંતાનનું સુખ રગદોળી નાખીએ છીએ મને લાગે છે કે આપણે જે માની છીએ તેવુ  જોવાનો પ્રયત્ન કરીએ છીએ, જુઓ પેલી છોકરી મુસ્લીમને પરણી પણ કેવી દુખી થઈ, પેલી છોકરી રબારીના ઘરમાં ગઈ પછી કેવો કંકાસ થયો, પેલો જૈનને પરણ્યો પણ તેની જીંદગી કેવી નર્ક બની આમ આપણે તેવા જ નિષ્ફળતાના ઉદાહરણો રજુ કરીએ છીએ કે જે આપણી માન્યતાને અનુરૂપ હોય જગતમાં જે ખરાબ બને છે તેમ સારૂ પણ એટલુ જ બને છે પણ તે આપણે જેવુ નથી કારણ આપણે તે માનતા નથી.

હું અમદાવાદની જ વાત કરૂ તો અમદાવાદના વર્ષો પહેલા લગ્ન કરનાર મીરાં-રફીનો ધર્મ અલગ છે મીરા કુષ્ણની આરાધના કરે અને અને રફી અલ્લાહની ઈબાદત કરે, તેમને કયારેય એકબીજાનો ધર્મ નડયો નથી, હવે આ વાત વાંચતા જ મારા કેટલાંક મિત્રો મેદાનમાં આવશે કે મીયાભાઈ આપણી છોકરી લઈ જાય પણ કોઈ હિન્દુના ઘરમાં મુસ્લિમ છોકરી હોય તો બતાડો, તો મારી પાસે અસંખ્ય દાખલા છે કે હિન્દુના ઘરમાં મુસ્લિમ છોકરીએ છે, ઉદાહરણ રૂપે હું વાત કરીશ જાણિતા નાટયકાર રાજુ બારોટની તેઓ અમદાવાદમાં રહે છે અને વર્ષો પહેલા તેમણે નફીશા સાથે લગ્ન કર્યા અને આજે રાજુ બારોટ અને નફીશા બારોટ સુખી છે તેમના સુખના આડે તેમને ધર્મ કયારેય આવ્યો નથી કારણ ધર્મ તો પ્રેમ કરતા શીખવાડે છે, અલગ કરે તે ધર્મ હોઈ શકે નહીં, આવુ જ વાત મારા મિત્ર પત્રકાર મિત્ર ગોપી મણીયારની છે જે હવે ગોપી મણીયાર ઘાંઘર તરીકે ઓળખાય છે ગોપીનો જન્મ વૈષ્ણવ પરિવારમાં થયો અને પ્રેમ વિક્રમ ઘાંઘર સાથે થયો વિક્રમ રબારી જ્ઞાતીનો છે, વૈષ્ણવ અને રબારીની જીવન શૈલી અને રીત-રીવાજ અલગ છે પણ તેમને કયારેય જીવન શૈલી અને રીવાજ નડયા  નથી કારણ માણસ જયારે પ્રેમ કરે ત્યારે બાકી બધુ ગૌણ બની જતુ હોય છે એક ખાસ વાત ગોપી સંયુકત રબારી પરિવારમા રહે છે આમ છતાં તેમના સુખને બીજા જોઈ શકે એટલા તેઓ સુખી છે.

જો આપણે શિક્ષીત હોવાનો દાવો કરતા હોઈએ તો આપણે કઈ તરફ જવુ છે તે નક્કી કરવુ પડશે કારણ શાસ્ત્રનો આપણને બંધનમાંથી મુકિત આપે જયારે શસ્ત્ર દ્રારા કયારેય માણસને જીતી શકાતો નથી, ખરેખર આપણને શિક્ષણની સાથે સમજની પણ એટલી જ જરૂર છે આપણા દેશમાં મારવા-કાપવાની વાત કરતા ઓવૈશી અને ડૉ પ્રવિણ  તોગડીયા બંન્ને ઉચ્ચ શિક્ષણની પદવી ધરાવે છે ડૉ પ્રવિણ તોગડીયા કેન્સર સર્જન છે જેમનું શિક્ષણ લોકોને બચાવવા માટેનું છે પણ તેમની સમજ અને શિક્ષણ વચ્ચે બાર ગાઉ છેટુ અંતર છે આપણી પ્રાર્થના અને આપણી ઈબાદત બહુ જ વ્યકિતગત બાબત હોવી જોઈએ જયારે આવુ થશે ત્યારે આપણે કહી શકીશુ કે આપણે શિક્ષીત છીએ.