કિરણ કાપૂરે (મેરાન્યૂઝ.અમદાવાદ): - દેશના ગૃહમંત્રી આજ તક ચેનલના 'એજન્ડા'કાર્યક્રમમાં નાગરિકતા કાયદા વિશે ખૂલીને બોલ્યા. વડા પ્રધાન કરતાં એ બાબતે ગૃહમંત્રીનું સાહસ વધારે દેખાયું કે તેઓ પત્રકારોના સવાલોના જવાબ આપવામાં માને છે. જોકે, તેમણે જે તથ્યો આપ્યા તે અંગે કેટલાંક પ્રશ્ન ખડા થાય એમ છે. તેમણે વિભાજન વખતના ગાંધીજીના, તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના અને તે ગાળાના કોંગ્રેસના ઠરાવ દર્શાવીને કહ્યું આ લોકોએ પણ તે વખતે હિન્દુ-શીખોને ભારતમાં શરણ મળવી જોઈએ તે વાત કરી હતી. ગૃહમંત્રીએ જે સંદર્ભ ટાંક્યા છે, તેની ખરાઈ કરવા જઈએ તો તે વખતના અત્યંત ખૂનામરકીના માહોલમાં ક્યાંક આ વાત આગેવાનોએ કહી પણ હશે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ આ સિવાયના ધર્મીઓનો સ્વીકાર કરતા નહોતા. તત્કાલિન આગેવાનોના જ દૃષ્ટિ-સૂચનોથી તૈયાર થયેલાં આપણા બંધારણમાં એવો ભેદભાવ ક્યાંય દેખાતો નથી. પરંતુ ગૃહમંત્રી અહીંયા ખૂબ સિફ્તપૂર્વક એવો સંદર્ભ લઈ આવ્યા જેમાં આ આગેવાનોએ હિન્દુ-શીખની વાત કરી છે.

આ જ મુલાકાતમાં ગૃહમંત્રીએ સરદારની કોઈ વાત ટાંકી નહીં, તેમનું કહેવું એવું હતું કે સરદારની વાત ટાંકીશ તો કોંગ્રેસ તે વાતનો અસ્વિકાર કરશે. પરંતુ જ્યારેખરેખરતમે સરદાર શું માનતા હતા અને તેમણે હિંદુ ઉપરાંત અન્ય ધર્મોના લોકોનો કેવી રીતે સ્વીકાર કર્યો હતોતે જાણવું હોય તો તેમના જ ભાષણમાં તેનો જવાબ સ્પષ્ટ રીતે મળે છે. દિલ્હીના રામલીલા મેદાનમાં સરદાર પટેલે આઝાદીના ચાર દિવસ પૂર્વે જ(તા. 11-08-1947) જે કહ્યું હતું, તેને હાલમાં ચર્ચાઈ રહેલાં નાગરિકતા કાયદા સાથે જોડીએ તો તે કાયદા અંગેની સ્પષ્ટતા થઈ જાય. આ કાયદાની જોગવાઈ ધર્મ આધારીત છે, જેને લઈને પૂરો હોબાળો છે. સરદારના તે ભાષણના અંશો. ...

“દુનિયા આપણો તમાશો જુએ છે. ...હવે આપણે ગમે તેટલું લડીશું તેથી એક પ્રજાની બે પ્રજા થવાની નથી. દેશના ટુકડા થયા છતાં પ્રજાના ટુકડા થવાના નથી. ટુકડા કોણ કરી શકે ? નદી અને પહાડના ટુકડા થઈ શકવાના છે ? મુસલમાનોનાં પણ મૂળ અહીં છે. અહીં જુમામસ્જિદ છે, તાજમહેલ છે, અલીગઢ યુનિવર્સિટી છે. એટલે આપણી સાથે એક થયા થયા વિના એમનો છૂટકો નથી.

આજે જે સરકાર બને છે તેમાં સાવધાની રાખવાની જરૂર છે. લશ્કરમાં જેટલાં મુસલમાનો હતા તે પેલી બાજુ ચાલ્યા ગયા છે અને હિંદુ આ તરફ આવ્યા છે. એવા લશ્કરમાં રાષ્ટ્રીયતા ક્યાંથી આવે? હિંદુ પટાવાળા, કારકુન સૌ આ તરફ આવી ગયા, મુસલમાન એ તરફ ચાલ્યા ગયા, પણ જ્યારે મુશ્કેલી પડશે ત્યારે એ પાછા આવવાના છે. આપણું રાજ્ય કોમી રાજ્ય નથી. દેશના ટુકડા થયા પછી પણ આપણો દેશ ઘણો મોટો છે. વસ્તી પણ ઘણી છે. ગયો વખત સ્વપ્નાની પેઠે ભૂલી જાઓ. પાકિસ્તાન ભૂલી જાઓ. હા, એક વાત છે. એમના તરફથી ઝઘડો કરવાની કોશિશ કરવામાં આવે તો પછી આપણા બદનમાં તાકાત હોવી જોઈએ, આપણામાં સંગઠન હોવું જોઈએ.

કેટલાક અત્યારે ગોરક્ષાની વાત કરવા માંડ્યા છે. આજે તો બાળકો, સ્ત્રીઓ ને વૃદ્ધોનું રક્ષણ થતું નથી ત્યાં ગોરક્ષાની તો વાત જ શી? જે મુલકમાં ગાયોની કતલ કરવાનો બાધ નથી ત્યાં જેવી હષ્ટપુષ્ટ ગાયો જોવામાં આવે છે એવી અહીં નથી જોવામાં આવતી. ખરેખરી ગોરક્ષા કરવી હોય તો ગાયને બરાબર પાળતાં શીખો.

આજે હિંદુસ્તાનને એક કરવાનો મોકો છે. આજે લાહોરથી માંડીને પૂર્વ બંગાળનો થોડો ભાગ છોડીને બાકીના હિંદને એક કરવાનો મોકો એક હજાર વરસ પછી આવ્યો છે.

આપણને આઝાદી મળી છે. આપણે બરાબર કામ કરવું હોય તો દેશમાં શાંતિ જોઈએ. શાંતિ નહીં હોય, ખાવાનું નહીં હોય તો લોકો કહેશે અંગ્રેજની ગુલામી સારી હતી.

...અમે અહીં એવી રીતે નથી બેઠા કે ધક્કો મારે ને ખસી જઈએ. પરમ દિવસે જવાહરલાલજીએ કહ્યું તેમ અમારા કરતાં સારું કરી બતાવે તે ભલે આવે. અમે તેને સોંપવા તૈયાર છીએ.”

( ‘સરદારના વલ્લભભાઈનાં ભાષણોમાં’માંથી)