ઇબ્રાહિમ પટેલ(મેરાન્યૂઝ.મુંબઈ): વર્ષારંભે આપણે કોમોડિટી બજારની નવી સાયકલ સવારીના ઉંબરે આવીને ઊભા છીએ. કોમોડિટી બજારમાં તેજી થવા માટેના અનેક કારણો અત્યારે જ ઉજાગર થઈ ગયા છે. નબળા ડોલરને પગલે અસંખ્ય ઉદ્યોગમાં મૂડી ખર્ચમાં જબ્બર ઘટાડાને લીધે મહત્તમ કોમોડિટીમાં સપ્લાય અછત સર્જાઇ છે. સરકારો નવા રાહત પેકેજના નામે નવી નોટ છાપી રહી છે. ૨૦૨૦માં કોરોના મહામારીને લીધે કોમોડિટી બજારમાં લાંબા સમયથી ઉદાશીનતા જોવાઈ હતી. આ વર્ષે શું થશે? તેનું નિર્ધારણ અમેરિકન ડોલરની અફડાતફડી પર રહેશે.

અન્ય અસ્ક્યામતની જેમ કોમોડિટી માટે ૨૦૨૦નું વર્ષ ભમરડા જેવુ અને ઉઠાલપાઠલવાળું હતું. ચીને કોમોડિટી બજારમાં તેજીનો બૂંગિયો ફુંકયો ત્યાર પછીથી બજારે તેની મંદીની આળસ ખંખેરવાની શરૂઆત કરી હતી. ૨૦૧૧થી આવી જ એક તેજી શરૂ થઈ હતી, તેને અર્થશાસ્ત્રીઓ અને રોકાણકારોએ સુપર સાયકલ ગણાવી હતી.

એપ્રિલમાં જ્યારે ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઇલ વાયદો તેના ઇતિહાસમાં પહેલી વખત નકારાત્મક જોન શૂન્યની નીચે જતો રહ્યો ત્યારે કોમોડિટી બજારમાં ૨૦૨૦ની દુર્ઘટનાઓની શરૂઆત થઈ હતી. બીજા શબ્દોમાં કહી તો વેપારીઓ લીધેલા માલની ડિલિવરી હાથમાં લેવા માંગતા ન હતા. એનાલિસ્ટો એ વાતની નોંધ કરતાં કહે છે કે ૨૦૦૦ના દાયકામાં ચીનનું ઔધ્યોગિકરણ શરૂ થયું તેગાળામાં કોમોડિટીની માંગ નીકળી અને ભાવ આસમાને ગયા તેના કરતાં પણ વધુ, ક્રૂડ ઓઇલ, સોયાબીન અને તાંબા જેવી કોમોડિટીની માંગ તાજેતરમાં નીકળી છે.

વર્તમાન તેજી માત્ર તાંબામાં જ નહીં તેની પાછળ અનેક ઇન્ડસ્ટ્રિયલ મેટલ જેવી કે સીસું, આયર્ન ઓર, નિકલ અને જિંકના ભાવ પણ વધવા લાગ્યા છે. કૃષિ કોમોડિટીમાં સપ્લાય અછતના ચિન્હો જોવાવા શરૂ થયા છે. ડિસેમ્બરમાં યુએસડીએ એ ૨૦૨૦-૨૧નો વર્ષાન્ત સોયાબીન સ્ટોક, છેલ્લા સાત વર્ષનો સૌથી નીચો ૧૭૫૦ લાખ બુશેલ (પ્રત્યેક ૨૭.૨૧૮ કિલો) મૂકીને બજારને આંચકો આપ્યો હતો. મકાઇ સ્ટોક અંદાજ ઘટાડીને ૧.૭ અબજ બુશેલ (પ્રત્યેક ૨૫.૨૧૬ કિલો) મૂક્યો હતો.

ગોલ્ડમેન સાસના કોમોડિટી રિસર્ચ એનાલિસ્ટ કહે છે કે ૨૦૨૧ની બુલમાર્કેટ ત્રણ કારણો પર સવાર થઈને આવશે. જૂની ઇકોનોમીમાં માળખાગત ઇંવેટમેન્ટ થવું જોઈએ તે નથી થયું, સરકારી નીતિઓને આધારે કોમોડિટી માંગમાં વધારો અને મેક્રો લેવલ પર નબળા ડોલરને લીધે વધી રહેલું ફુગાવાનું જોખમ, આ ત્રણ કારણો વર્તમાન તેજી માટે જવાબદાર છે.

કોરોના મહામારીએ સરકારીને પોતાની નાણાંનીતિ બદલવાની ફરજ પડી, પરિણામે બજારે પણ આવા નીતિ વિષયક નિર્ણયોએ પ્રતિસાદ આપવો શરૂ કર્યો છે. સામાન્ય રીતે ગયા ઉનાળાથી ભાવો પ્રમાણમાં સ્થિર કે રેન્જબાઉન્ડ હતા, જે હવે ૨૦૨૧માં તેજીના ઘોડે ચડયા છે. યુરોપ અને અમેરિકન મિડવેસ્ટ રાજ્યોમાં કોરોના કેસ વધી રહ્યા છે, બરાબર એ જ સમયે કોરોના રસીનું અવતરણ થયું છે.

તમે જુઓ, ક્રૂડ ઓઇલ ઉત્પાદન વધારવા માટે શેલ ડ્રિલિંગ ઉધ્યોગને વધારાનું ફંડ આપવાની કેપિટલ માર્કેટે ઘસીને ના પાડી દીધી હતી.  મેટલ ઉધ્યોગમાં ખાણ અને મશીનરી મેટેનન્સ માટે મૂડી ખર્ચ (કેપિટલ એક્સપેન્ડચર) સાવ ઘટાડી નાખવામાં આવ્યો હતો. આથી જ ગોલ્ડમેન સાસ ૨૦૨૧માં કોમોડિટીની તીવ્ર પુરવઠા અછત જોઈ રહ્યા છે. ૨૦૨૦માં ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઇલ ભાવની વાર્ષિક સરેરાશ ૪૦.૧૦ ડોલર આવી છે, તે હવે ૨૦૨૧માં ૫૫.૯૦ ડોલર, જ્યારે બ્રેન્ટ ગતવર્ષે ૪૩.૯૦ ડોલરની વાર્ષિક સરેરાશ આ વર્ષે ૫૯.૪૦ ડોલર મુકવવામાં આવી છે.

ગોલ્ડમેન સાસ કહે છે કે ગતવર્ષની સોનાની વાર્ષિક સરેરાશ ૧૮૩૬ ડોલરની આવી હતી તે આ વર્ષે ૨૩૦૦ ડોલર અંદાજી શકાય. ચાંદી માટે ૨૨ ડોલરની સરેરાશ આ વર્ષે ૩૦ ડોલર મૂકવામાં આવી છે. મંગળવારે નાયમેક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૯૪૦ ડોલર, ચાંદી ૨૭.૬૦ ડોલર, ડબલ્યુટીઆઈ ફેબ્રુઆરી ૪૭.૮૨ ડોલર અને બ્રેન્ટ માર્ચ વાયદો ૫૧.૨૪ ડોલર બોલાતા હતા.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)