ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): જો કોરોના મહામારી વધુ વકરશે તો ક્રુડ ઓઇલના ભાવ પર દબાણ સર્જાશે. વિશ્વભરની સરકાર દ્વારા લોકડાઉનમાં ઢીલ મૂકી વેપાર ખોલવાની છૂટ અપાતા, લોકો જો મુક્તિ મળી છે માટે ગમેતે કરો, એવી ભાવનાથી વર્તવા લાગશે અને કોરોના મહામારી ફરી ઉથલો મારશે તેમજ મૃતકોની સંખ્યામાં વધારો થશે એ સ્થિતિમાં ક્રુડ ઓઇલના ભાવ ફરી ઘટવા લાગશે. શક્યતા એવી પણ છે કે સાઉદી અરેબીયાથી અમેરિકા માટે રવાના થયેલા ૫૦૦ લાખ બેરલનો જથ્થો જુલાઈ એન્ડથી અમેરિકન બંદરો પર ખડકાવા લાગ્યો છે, તેને પગલે પણ ભાવને ઉંચે જવાની જગ્યા નહિ બને.

ક્રુડ ઓઇલના ભાવ ૨૨ એપ્રિલના ૧૫.૯૮ ડોલરના તળિયેથી ૧૨૮ ટકા ઉછીળીને મધ્ય જુનથી ૪૦ અને ૪૫ ડોલર વચ્ચે સ્થિર થઇ ગયા છે. મંગળવારે બ્રન્ટ ક્રુડ ૪૫.૧૦ ડોલર અને ડબલ્યુટીઆઈ ૪૨.૧૫ ડોલર પ્રતિ બેરલ નોંધાયા હતા. છેલ્લા છ સપ્તાહથી અમેરિકન ઓઈલ કંપનીઓએ સરેરાશ દૈનિક ૧૨ લાખ બેરલ ઉત્પાદન જાળવી રાખ્યું હતું. ૨૦૨૦ના વર્ષાંત સુધીની દૈનિક ઉત્પાદન સરેરાશ ૧૧ લાખ બેરલ અંદાજાઈ રહી છે.

સાઉદી અરેબિયા અને રશિયા વચ્ચે ભાવ યુદ્ધ જામ્યા પહેલા, તેમજ કોરોના વાયરસના વધુ ફેલાવા અગાઉ માર્ચમાં અમેરિકાનું દૈનીક સરેરાશ ઉત્પાદન ૧૩૦ લાખ બેરલ કરતા સહેજ ઓછુ હતું. સાઉદી અરેબિયાની આગેવાનીમાં કેટલાંક દેશોએ ઉત્પાદન કાપ માનવાનો ઇનકાર કરી દીધો, પરિણામે ઓપેક પ્લસ દેશોની ઉત્પાદન સંધી જુલાઈમાં પડી ભાંગી. બરાબર આ જ સમયે કેટલાંક દેશો તેમના કવોટાનું ઉત્પાદન કારવા સંઘર્ષ કરી રહ્યા હતા.  

કેટલાંક દેશો ભાવને ઉંચે રાખવા આશાવાદી હતા ત્યારે જ માંગમાં ઘટાડો અને વધતી સપ્લાયે ભાવને ૪૦ ડોલર આસપાસ નિયંત્રિત કરી દીધા. ઓગસ્ટથી ઉત્પાદન ઘટાડીને દૈનિક ૭૭ લાખ બેરલ સુધી નક્કી થયુ હતું, પણ સાઉદી અરેબિયાની આગેવાનીવાળા ૨૩ દેશોએ સંગઠિતપણે દૈનિક ૨૦ લાખ બેરલ ઉત્પાદન વધાર્યું હતું.

ઓપેક પ્લસ દેશોનું આ ઉત્પાદન જાગતિક બજારમાં જઈ શક્યું નથી. અરેબિયાન સાગર નજીકના દેશોમાં ઉનાળો ગરમ રહેતા, એરકન્ડીશન વપરાશમાં આ વધારાનો પુરવઠો જેતે દેશમાં જ ખપી ગયો હતો. આકરા ઉનાળાથી બચવા કેટલાંક મુસાફરોએ યુરોપમાં સરણ લીધું હતું. વધતી સપ્લાય માત્ર ભાવ ઉપર જ દબાણ કરશે, એવું નથી પણ માંગ વધવાનો આશાવાદ અત્યારે તો ધોવાઈ ગયો છે.

એપ્રિલમાં ભાવ જ્યારે સાવ તળિયે હતા ત્યારે ચીને વિક્રમ પ્રમાણમાં ઓઈલની ખરીદી કરી નાખી હતી. તેથી હવે બજારમાં ચીનની લેવાલી દેખાતી નથી. શાંઘાઈ વિસ્તાર જ્યાં મહત્તમ રીફાઈનરીઓ આવેલી છે ત્યાં મધ્ય મેમાં ક્ષમ્તા કરતા ૨૮ ટકા વધુ સ્ટોક જમા થઇ ગયો છે, આ સ્ટોક પાંચ મહિનાની સર્વોચ્ચ સપાટીએ છે.

આટલું અધૂરું હોય તેમ અસંખ્ય ઓઈલ ટેન્કરો ખાલી કરવા ચીનના પોર્ટ પર લાઈન લગાવીને ઉભા છે. કેટલાંક તો બે મહિનાથી પોર્ટમાં જગ્યા મેળવવા લાઈનમાં ઉભા છે. પાછલા કેટલાંક મહિનાથી, સાઉદી અરેબિયા, રશિયા અને મહત્તમ ઓપેક મેમ્બરોને ઉત્પાદન ઘટાડવાની ફરજ પડે તેવી સ્થિતિ પેદા થઇ છે. બીજી તરફ અમેરિકન ઓઈલ કંપનીઓ તેમની ઓઈલ રીગ અને તેલ કુવાઓને બંધ કરવાની વેતરણમાં પડ્યા છે. જો આવું થશે તો ભાવ સારા એવા વધી શકે છે.      

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે)