મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતો હોય છે. અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર શામળાજી નજીક આવેલા શ્યામલ વન નજીક પસાર થતી ટ્રકમાં અગમ્ય કારણોસર આગ લાગતા ટ્રકમાં લાગેલી આગથી અજાણ ટ્રક ડ્રાઈવરે ટ્રક હંકારે રાખતા રોડ પર “ધ બર્નિંગ ટ્રક” જેવા દ્રશ્યો સર્જાતા ભારે નાસભાગ મચી હતી. ટ્રક ડ્રાઈવર અને ક્લીનરે સમયસૂચકતા વાપરી ટ્રકમાંથી ઉતારતા જાનહાની ટળી હતી. મોડાસા ફાયરબ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવે તે પહેલા ટ્રકમાં રહેલો માલસામાન આગમાં ખાખ થયો હતો.

શામળાજી નજીક આવેલા શ્યામલ વન નજીક રવિવારે વહેલી સવારે ટ્રક સળગી ઉઠતા નાસભાગ મચી ગઇ હતી. ટ્રકમાં પીવીસી પાઇપો, પરફ્યુમ સહિત, પરચુરણ સમાન આગમાં બળીને ખાખ થઇ ગયો હતો. ટ્રકમાં પ્રફ્યુમ ભરેલ હોવાના કારણે આગ બેકાબુ બની હતી. પ્રાથમિક તારણો અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ટ્રકમાં આગ લાગતા હાઈવે પરથી પસાર થતો વાહનવ્યવહાર થંભી જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. સદનસીબે ટ્રક ડ્રાયવર અને ક્લીનરનો આબાદ બચાવ થતા દોડી આવેલા વાહનચાલકો,લોકોએ અને શામળાજી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. મોડાસા પાલિકાના ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી.