ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): કોમોડિટી બજારના તેજીવાળા પૂછી રહ્યા છે કે શું આપણે એકાદ વર્ષ કે એકાદ દાયકા સુધી ચાલે તેવી, ભાવ વધારાનું સુપર બુલ સાયકલમાં દાખલ થયા છીએ. કોરોના મહામારી વખતે ભાવ દબાણમાં આવી ગયા પછી, ફરીથી બાઉન્સબેક થઈને વધવા લાગ્યા છે, પણ હજુ સુધી સુપર બુલ સાયકલના સંકેત નથી મળ્યા. પણ અહી એક વાત નોંધવા જેવી એ છે કે વારંવારના ઉભરાય જેવા આંચકા પચાવીને, ભાવ તેજી તરફ આગળ વધે છે.

સમાવેશી ફુગાવાને સ્વીકૃત ગણી તો, ક્રૂડ ઓઇલ, કોપર, આયર્ન ઓર અને કૃષિચીજો જેવી કોમોડિટી હજુ તેની નવી ઊંચાઈએ પહોંચ્યા નથી. મહત્તમ કોમોડિટીનો વેપાર હવે દુનિયા એક બજારની વ્યવસ્થામાં ગોઠવાઈ રહ્યો છે, તેથી ભાવો વૈશ્વિક બજારને અનુસરતા થયા છે. કેટલીક કોમોડિટી એવી છે જે તેની ઓલ ટાઈમ હાઈને ટચ કરીને પાછી ફરી છે. ૨૦૧૨માં આયર્ન ઓરના ભાવ ટન દીઠ ૧૭૫ ડોલર ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા હતા, તે ટચ કરી પાછા ફર્યા છે. કોપરના ભાવ ગતવર્ષે ૭૦ ટકા વધ્યા પછી હવે ૯૧૦૦ ડોલર આસપાસ છે. ક્રૂડ ઓઇલના ભાવ પણ ગતવર્ષની બોટમ કરતાં ડબલ ૭૦ ડોલર થયા છે.

આવા ઝડપી ઉછાળાએ ફુગાવાના આશાવાદના ફુગ્ગામાં હવા ભરી છે, જે છેલ્લા એક દાયકાથી વિકસિત દેશોમાં જોવા મળ્યું નથી. હવે તો માંગ વધારો પણ આશ્ચર્ય સર્જે છે. આ બધાને લીધે કેટલાંક ઉધ્યોગોમાં કાચા માલોનું રી-સટોકિંગ થવા લાગ્યું છે, પરિણામે ભાવ વધવા લાગ્યા છે. કેટલાંક એનાલિસ્ટ એવું પણ માને છે કે આ એક સાયકલીકલ ભાવ વધારા સિવાય કશું નથી. સુપર સાયકલ એ દાયકા લાંબા બદલાવનું પરિણામ છે, જે માળખાગત બદલાવથી આવે છે.

માળખાગત બદલાવનો અર્થ એ થાય, જેમ કે બીજા વિશ્વયુદ્ધ પછી અનેક દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર બાંધકામ આરંભાયું. અથવા એમ પણ કહી શકાય કે ચીનમાં વપરાશી માંગમાં એકાએક ઉછાળો આવ્યો. સર્વાંગી રીતે જોઈએ તો ભાવમાં આવેલી મજબૂતી અહીથી અટકવાની નથી, વર્તમાન વર્ષના બીજા છમાસિકમાં પણ તે અટકે તેવું અત્યારે દેખાતું નથી. કેટલીક કોમોડિટીની માંગમાં બદલાવ આવવાનું કારણ છે, ગ્રીન ઈકોનોમી અથવા ઊર્જા સ્ત્રોતમાં બદલાવ.

ઇલેક્ટ્રિક વ્હીકલમાં ઉપયોગ થનાર લિથિયમ, કોબાલ્ટ અને એલ્યુમિનિયમનો વપરાશ વધી રહ્યો છે, બીજી તરફ માળખાગત રીતે ક્રૂડ ઓઇલનો વપરાશ ઘટી રહ્યો છે. ગતદાયકો પૂરો થવા સાથે જ કોમોડિટીની માંગ સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચી ગઈ. આનું પ્રાથમિક કારણ છે, સપ્લાયના નવાનવા સ્ત્રોતો ઉપલબ્ધ થયા. સાથે જ ચીનમાં ભલે માંગ નબળી દેખાઈ પણ ભારત અને ચીન સહિતના અસંખ્ય દેશમાં માળખાગત સુવિધા બાંધકામ વધતાં જોવા મળ્યા. ચીનમાં ૨૦૦૦ની સાલમાં સ્ટીલનું ઉત્પાદન ૧૨૮૦ લાખ ટન હતું તે ૨૦૨૦માં વધીને ૯૭૦૦ લાખ ટને પહોંચી ગયું.

સ્ટીલ માફક જ ૧૬૦ લાખ ટન ક્રૂડ ઓઇલની માંગ સાથે જગતનો બીજા નંબરનો વપરાશકાર દેશ ચીન બન્યો. ચીલી પછી કોપર ઉત્પાદનમાં ચીન બીજા નંબરે રહ્યો. ગત દાયકામાં એક તરફ માંગ વધી બીજી તરફ ઉત્પાદન, પરિણામે ભાવ લગભગ સ્થિરતા ધારણ કરી ગયા. ગત દાયકાના અંતિમ તબક્કામાં કોમોડિટી ઉત્પાદકો તરફથી મૂડીરોકાણ ૬૨ વર્ષના તળિયે ગયું હતું.

જો માંગ પુરવઠાનું સંતુલન જોઈએ તો નવા સપ્લાય સ્ત્રોત વધારવા માટે આ વર્ષે નવા મૂડીરોકાણમાં થોડો લાભ દેખાવા લાગ્યો. જ્યારે કોરોના મહામારી આવી ત્યારે ઉત્પાદકો અને વપરાશકારોની એકી સાથે ક્ષમતા ઘટી ગઈ. આ એક આગવી ઘટના હતી, જેણે કદી આ પ્રકારના ધંધા બંધનો સામનો કર્યો નહતો.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)