નદીમ બહેલીમ (મેરાન્યૂઝ. અમદાવાદ): કોરોનાથી જે રીતે મૃત્યુદર વધી રહ્યો છે તેનો જવાબ હાલ વિજ્ઞાનજગત પાસે નથી. કોરોનાથી સુરક્ષા પ્રદાન કરે તેવી રસી શોધવા અર્થે દુનિયાના જુદા જુદા દેશો પ્રયાસ કરી રહ્યાં છે. આ બધા વચ્ચે ભારત ગૌરવ લઈ શકે તેવી કોરોના ટેસ્ટની સસ્તી કીટ વિકસાવી છે. કોરોનાની આ ટેસ્ટ કીટ વિશ્વમાં અત્યારે જે ઉપયોગમાં લેવાઈ રહી છે તેના કરતાં ચોથા ભાગનાં કિંમતમાં ઉપલબ્ધ થઈ શકશે. આ કીટ રૂપિયા 1200માં મળશે, હાલમાં જે કીટ કોરોનાના ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાઈ રહી છે તેની અંદાજિત કિંમત 4500 છે. 

કોરોના વધુ પ્રસર્યો છે તેનું એક કારણ તેનું પૂરતાં પ્રમાણમાં ટેસ્ટિંગ ન થયા તે છે. તમામનું ટેસ્ટિંગ કરવું હોય તો સરકારે મસમોટું બજેટ ફાળવવું પડે, પરંતુ હવે તેનાથી થોડી રાહત મિનલ ભોંસલેએ અપાવી છે. મિનલ ભોંસલે પુણે સ્થિત માયલેબ ડિસ્કવરી સોલ્યુશન નામની ડાયગ્નોસ્ટિક કંપનીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના હેડ છે. તેઓ ફેબ્રુઆરી મહિનાથી એક સાથે બે લડાઈ લડી રહ્યાં હતાં. એક તરફ તેઓને ભારતમાં પોસાય તેવી ટેસ્ટ કીટ બનાવવાનું બીડું ઝડપ્યું હતું, જ્યારે બીજી તરફ પોતાની પ્રેગનન્સીના આવી રહેલાં કોમ્પ્લિકેશન સામે લડવાનું હતું. તેઓએ 18 માર્ચના દિને આ કોરોનાની ટેસ્ટની કિફાયતી કિટ તૈયાર કરીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે એપ્રૂવલ માટે મોકલી હતી, જેના થોડા કલાકો બાદ તેમણે 19 તારીખે બેબી ગર્લને જન્મ આપ્યો હતો. 

આ કીટને ‘માયલેબ પેથોડીટેક્ટ કોવિડ-19 ક્વોલિટી પીસીઆર કીટ’નામ આપવામાં આવ્યું છે, જે માર્ચથી ફૂલફ્લેજ્ડ બજારમાં ઉપલબ્ધ થશે. આ અંગે મિનલે ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું હતું કે “મેં એક સાથે બે બાળકોને જન્મ આપ્યો છે તેવું અનુભવું છું. અત્યારે દેશને આ ટેસ્ટ કીટની તીવ્ર જરૂર હતી, તેથી રાત-દિવસ મેં એક કર્યા.”મિનલે તેની ટીમનો પણ ખૂબ આભાર માન્યો છે. સામાન્ય રીતે આ પ્રકારની ટેસ્ટ કીટ ડેવલપ કરવામાં ચાર માસ જેટલો સમય વીતી જાય છે, પણ અત્યારની કટોકટીભરી સ્થિતિ જોતા તે દોઢ મહિનામાં તૈયાર કરવામાં આવી છે. કંપનીના માલિક સહિત આનંદ મહિન્દ્રા અને કિરણ મજમુદાર જેવી સેલિબ્રિટીઓ પણ મિનલને અભિનંદન પાઠવ્યા છે અને આભાર માન્યો છે. 

પોતાની બધું જ દાંવ પર લગાવીને આ મહામારી સામે લડી રહેલાઓની કદર કરીને જ જેઓ કશું નથી કરી શકતા તેમણે અત્યારે એકવીસ દિવસનું લોકડાઉનનું સખ્ત પાલન કરવું જોઈએ. જો તેમ નહીં કરો તો મિનલ જેવાંઓએ કરેલા પ્રયત્નોને સો ટકા સફળતા નહીં મળે.