મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી : ગુજરાતમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોના સમયમાં ૧ લાખ ૩૫ હજાર પોલીસ અધિકારી અને કર્મચારીઓએ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી હતી અને હાલ પણ જીવના જોખમે કોરોના સંક્રમણ અટકાવવા સરકારે જાહેર કરેલ ગાઈડલાઈનની અમલવારી માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીનું કોરોનાથી મોત થતા ધી અરવલ્લી પોલીસ ક્રેડીટ કો.ઓપ.સો.લી તરફથી મંડળીના પ્રમુખ જીલ્લા પોલીસવડા સંજય ખરાતના હસ્તે ત્રણે મૃતક પોલીસકર્મી પરિવારોને એક-એક લાખની મૃત્યુ સહાયની ચુકવણી કરી ત્રણે પરીવારને આર્થીક હૂંફ આપી હતી. 

અરવલ્લી એસપી સંજય ખરાતના હસ્તે જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા અને ફરજ દરમિયાન કોરોના સંક્રમીત બન્યા પછી કોરોના સામે જંગ હારી જનાર કિરીટસિંહ શિવસિંહ કુંપાવત,ભાથીજી હેમાજી ડેંડુણ અને નારાયણસિંહ શિવસિંહ ઝાલા નામના પોલીસકર્મીઓના પરિવારોને જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની બચત તેમજ સુખ-દુઃખ પ્રસંગ માટે નાણાકીય સંકટ માટે ઉભી કરેલ ધી અરવલ્લી પોલીસ ક્રેડીટ કો.ઓપ.સો.લી તરફથી એક લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવી હતી. સહાય પ્રાપ્ત કરનાર ત્રણે પોલીસકર્મી પરિવારોએ જીલ્લા પોલીસતંત્રનો આભાર માન્યો હતો.