મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: સામાન્ય રીતે આપણે ત્યાં પત્રકારો ઘટનાનું રિપોર્ટીંગ કરે છે પરંતુ પત્રકારોના વ્યવસાય અને વ્યક્તિગત જીવન ઉપર લખવાની પરંપરા નથી. પત્રકાર પોતે પણ આ પ્રકારનું લખાણ લખવાથી દુર રહેવાનો પ્રયત્ન કરે છે. કારણ તેના ભયસ્થાનો પણ ઘણા હોય છે. સૌથી પહેલા સ્થાનિક ભાષાના પત્રકારત્વમાં તકો ઓછી હોવાને કારણે પત્રકાર પોતાના વ્યવસાય અંગે લખી ખાસ કરી તંત્રી અને માલિકને નારાજ કરવાનું પસંદ કરતો નથી. કારણ કે એક વખત નારાજ થયેલા માલિક અને તંત્રી લાંબો સમય પોતાનો ડંખ ભુલી શકતા નથી જેની કિંમત પત્રકારે વર્ષો  સુધી ચુકવવી પડે છે.

કોઈપણ પત્રકાર પોતાની સફરમાં અનેક સ્ટોરી મેળવવા માટે ખુબ મહેનત કરે છે. પરંતુ તે અંગે ક્યારેય લખાતો નહીં હોવાને કારણે વાંચક સુધી એક સ્ટોરી તેમના સુધી પહોંચાડવા પત્રકારે કેટલી મહેનત કરી તેનો અહેસાસ પહોંચતો નથી. ‘હું પ્રશાંત દયાળ’ ધારાવાહિક માત્ર એક પત્રકારની સફર નથી મારા જેવા મારી અગાઉના, મારા સમકાલિન અને મારા જુનિયર પત્રકારના જીવનમાં બનતી રોજબરોજની ઘટના છે. પત્રકારત્વની દુનિયાને સોનેરી વાઘા પહેરાવી જોવામાં આવે છે. પણ પીળું દેખાય તે બધું જ સોનું પણ હોતું નથી તે તરફ અગુલીનિર્દેશ કરવાનો એક નાનકડો પ્રયાસ છે.

આ શ્રેણી શરૂ કરતા અગાઉ મારા મનમાં પણ આ પ્રકારનો વિચાર આવ્યો હતો અને ઘણા વાચકો પણ તેવુ માનતા હતા અને ખાસ કરી મારી સાથે કામ કરી ચુકેલા મારા સમકાલિનો પણ માને છે કે આમ શું ધાડ મારી તો ‘હું પ્રશાંત દયાળ’ શ્રેણી શરૂ કરી. ક્યારેક અનેક પ્રશ્નોના ઉત્તર આપણી પાસે સ્પષ્ટ રીતે હોતા નથી તેમ મારી પાસે પણ નથી છતાં આપણે શુ કર્યુ અને કેવુ કર્યુ તેનું મુલ્યાંકન તો કાયમ સામેવાળી વ્યક્તિ જ કરી શકે અને સાચુ પુછો તો જેઓ આપણને પસંદ કરતા નથી તેવી વ્યક્તિઓને મુલ્યાંકન સોંપવુ જોઈએ. ખેર થોડા દિવસ સુધી ‘હું પ્રશાંત દયાળ’ની ટીકા ટીપ્પળીઓ થતી રહેશે,પછી બધુ ભુલાઈ જશે.

ખરેખર તો આ શ્રેણી પત્રકારો અને પત્રકારત્વ સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે ન્હોતી પણ જેમને પત્રકારત્વ સાથે દુર દુર સુધી સંબંધ નથી તેમને પત્રકારત્વની દુનિયાનો એક આછો સ્પર્શ કરવાનો પ્રયાસ હતો. આ આત્મકથા ન્હોતી પણ પત્રકારની સફરની કથા હતી. જેઓ મને નજીકથી ઓળખે છે તેમની મારી સામે ફરિયાદ પણ હતી કે આ સફરના બહુ ઓછા અંશોને શબ્દોનું સ્વરૂપ આપ્યુ હતું. પરંતુ વાચકોને તે ખુબ ગમ્યું અને 19,81,175 વાંચકોએ તે વાંચી તેનું ગૌરવ જ અમારા માટે એક એવોર્ડ કરતા વિશેષ છે. અમે આ તમામ વાંચકોના આભારી છીએ. રોજ સવારે અમારી રાહ જોતા અમારા વાચકો માટે અમે બહુ જલદી નવી ધારાવાહિક સાથે આવીશું.

આભાર સહ

પ્રશાંત દયાળ