આભાર, 

             સાથે પત્રની શરૂઆત કરુ છુ, સામાન્ય રીતે મારૂ કામ લોકોના પ્રશ્ન શાસન સામે મુકી, શાસનની ભુલો તરફ ધ્યાન દોરવાનું હોય છે,શાસક તરીકે તમે આમ માણસના જીવનમાં કઈક સારૂ થાય તેવા પક્ષમાં હોવ છો, આમ આપણા બંન્નેના ઈરાદા એક તરફ જતાં હોવા છતાં તમે અને હું કયારેય એક હોડીમાં સવારી કરી શકતા નથી, પત્રકાર અને શાસન સાથે થઈ જાય તે પ્રજા અને લોકશાહી માટે સારી નિશાની નથી, પણ આજે તમે શાસક છો, તેના કારણે શાસનની ટીકા કરનાર પત્રકારને તમે પસંદ કરો નહીં તે બહુ સ્વભાવીક છે, એક જમાનામાં કોંગ્રેસ પણ આવુ જ કરતી હતી,ખેર મુળ વાત ઉપર આવી જઈએ, વિજયભાઈ અને પ્રદિપસિહ તમારો ખાસ આભાર માનવાનો કે તમે અમદાવાદ અને ગુજરાતને એક મોટી આફતમાંથી બચાવી લીધુ છે.હાલમાં કોરોનાની સ્થિતિ છે તેને પહોંચી વળવા માટે તો હજી પણ આપણી પાસે વ્યવસ્થા છે,પણ રથયાત્રા નિકળી હોત તો આવનાર સમયની કલ્પના ધ્રુજાવી મુકી તેવી છે.

આપણે કયારે દુશ્મનોની ચીંતા અને પરવા કરતા નથી આપણને કાયમ આપણાની અને આપણા શુ માને છે તેની જ પરવા હોય છે. અમદાવાદમાં કોરોનાએ જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે તેવા સંજોગોમાં યાત્રા કાઢવીએ વિશ્વની સૌથી મોટી કોઈ ઈમારત ઉપરથી અમદાવાદને નીચે ધકેલી દેવા જેવુ હતુ તમને બંન્નેની તેની ગંભીરતાની ખબર હતી, અને એટલે જ તમારૂ વહિવટી તત્ર પણ યાત્રા કાઢવી જોઈએ નહીં તેવા મતનું હતું,પણ વર્ષો સુધી અમદાવાદની રથયાત્રાના મુદ્દે ઘણુ રાજકારણ રમાયુ છે. ભગવાન જગન્નાથ પ્રત્યે આદર કરતા હિન્દુ શકિતનું પ્રદર્શનનો ભાવ વધારે રહ્યો છે. આમ વર્ષોથી જે કાન અને હ્રદયમાં પડયુ છે તે આટલી સરળતાથી નિકળે તેમ પણ ન્હોતુ, પણ શહેર એક નાજુક તબબ્બકામાંથી પસાર થઈ રહ્યુ હતુ.

જેના કારણે તમારા મનમાં પણ સ્પષ્ટ હતું કે યાત્રા કાઢવી એટલે અમદાવાદને મોતના મુખમાં ધકેલી દેવા સમાન હતુ, તમે પણ એક એક પગલુ ફુંકી મુકી રહ્યા હતા, આ દરમિયાન જ ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી થઈ, મુદ્દો યાત્રા ઉપર રોક લગાવવાનો હતો,જયારે કોઈ લડાઈ અધુરા મને લડાય તેમા જીતવાની ઈચ્છાનો અભાવ હોય છે, પણ તમારો ઈરાદો શુભ હતો,ખુદ ગુજરાત હાઈકોર્ટ જો યાત્રા ઉપર રોક લગાવે તો કડવો નિર્ણય લેવાથી તમારી સરકાર બચી જાય અને તેવુ જ થયુ, ગુજરાત હાઈકોર્ટે પણ યાત્રા ઉપર રોક લગાવી, પણ આ આદેશ પછી તમારા પોતાના નારાજ થયા, જે થવાના જ હતા, જેઓ નારાજ થયા તે પૈકી તો ઘણાનો ધંધો જ હિન્દુ મુસ્લિમના નામે ચાલે છે, તમે હિન્દુવાદી પાર્ટીના નેતા હોવા છતાં તમે રાજયના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી છો અને તમારે હિન્દુ-મુસ્લિમના પરિપ્રેક્ષમાં ઘટનાને જોવાને બદલે રાજયના હિતમાં શુ છે તે નિર્ણય લેવાનો હતો તેવુ જ તમે કર્યુ.

છતાં તમારા જ કેટલાંકે તમને શુરાતન ચઢાવવાનો પ્રયત્ન કર્યો અને તમે હિન્દુ વિરોધી છો તેવુ લેબલ પણ મારી દીધુ, સમય કઠીન હતો,પોતાને નારાજ કરવાનો હતો,પોતાના સમજી રહ્યા ન્હોતા તેઓ જેની માગણી કરે છે તે ધગધગતો અંગારો છે આપણા જ હાથ બળી જશે,તેઓ જાણતા ન્હોતા,પણ તમે સમજતા હતા,તમે શાસક તરીકે જે કરવુ જોઈએ તે જ કર્યુ,, તમારા પોતાના નારાજ છે તેવો અંદેશો કોંગ્રેસને આવી ગયો,તેમને થયુ કે વહેતી ગંગામાં ન્હાઈ પવિત્ર થઈ જઈએ, યાત્રા કોઈ પણ રીતે કાઢવી હિતવહ નથી અને નિકળશે નહીં તેવી ખબર હોવા છતા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ તમારી સ્થિતિ ખરાબ કરવા યાત્રા કાઢવી જ જોઈએ તેવી માગણી કરી પોતાની બુધ્ધીનું પ્રદર્શન કર્યુ ધાનાણીને પ્રજાનું હિત કઈ બાબતમાં છે તેની સાદી સમજ પણ નથી,તેમને તો તમે મુશ્કેલીમાં મુકાવ તેમા રસ હતો.અથવા કોંગ્રેસ હિન્દુ વિરોધી નથી તેવુ બતાડવાની એક તક મળી હતી.

આમ જેની ઉપર હિન્દુ વિરોધી અને મુસ્લિમ તરફ હોવાનો આરોપ છે તેવી કોંગ્રેસ જો યાત્રા કાઢવાની તરફેણમાં હોય તો હિન્દુ સરકાર કેમ હલતી નથી તેવો મુદ્દો તમારા જ લોકોએ ઉભો કર્યો,તમારી સામે ધર્મ સંકટ હતું,એક તરફ પોતાની હિન્દુ તરફી છાપ જાળવવાની હતી, બીજી તરફ લાખો નિદોર્ષોને ધર્મના નામે કોરોનાના રાક્ષસ સામે ઉભા કરી દેવાના હતા, આખરે કમને તમે ગુજરાત હાઈકોર્ટમાં જવાનો નિર્ણય કર્યો, પણ તમારી વ્હારે ભગવાન જગન્નાથ આવ્યો, રાતના બે વાગે હાઈકોર્ટે યાત્રાને મંજુરી આપવાનો ફરી વખત ઈન્કાર કરી દીધો, યાત્રા મંદિરમાં જ સંપન્ન થઈ, આ સમય બહુ કટોકટી ભર્યો હતો પણ વિજયભાઈ અને પ્રદિપસિંહ તમે તેમાંથી સારી રીતે પાર પાડયા અને અમને મોટી આફતમાંથી બચાવી લીધા છે. ધાર્યુ નાથનું જ થાય છે,જગન્નાથ કાયમ તમારી સાથે રહે,ખાસ કરી નિર્ણય કઠીન હોય ત્યારે તમારી મદદમાં આવે તેવી પ્રાર્થના સાથે વિરમુ છુ.

પ્રશાંત દયાળ