(મેરાન્યૂઝ.અમદાવાદ)

 

પ્રિય દોસ્ત પોલીસ

 

આમ તો સામાન્ય દિવસમાં અમે તને સાહેબ જ કહીએ છીએ પણ આજે તને દોસ્ત કહેવાનું અને તુકારે વાત કરવાનું મન થાય એટલે તું માઠું લગાડતો નહીં, આમ તો તને ખબર છે આપણે માઁ અને ભગવાન સિવાય બધાને તમે કહીને સંબોધીએ છીએ પણ આજે તું માઁ અને ભગવાન જેટલો જ નજીકનો લાગી રહ્યો છે. આમ તો તું અમારા પૈકીનો જ એક છે છતાં જ્યારથી તારા શરિર ઉપર ખાખી આવી ત્યારથી તું બદલાઈ ગયો છે તેવું અમને લાગ્યું હતું. અમને ખબર છે તારૂ બદલાવુ તારી ફીતરત ન્હોતી, પણ સમયની સાથે અમે પણ જેમ બદલાયા તેમ તારૂ બદલાવુ સમયના પરિવર્તનની જેમ સહજ હતું, છતાં તારી પાસેની અમારી વધારે પડતી અપેક્ષાને કારણે અમે તને સતત આરોપીના કઠેડામાં ઉભા રાખતા આવ્યા છીએ, તારી પણ ભુલો છે અને તારી પણ મર્યાદાઓ છે તેનું કારણ તુ પણ અમારી માંથી જ એક છે એટલે અમે છીએ તેવો જ તુ છે.

ખુદ તને પણ ખબર છે તારા મોંઢે તને સાહેબ કહેતા લોકો તારી પીઠ ફરે ત્યારે તેવી વાતો કરતા હોય છે. પહેલા તો તને તેવી વાતોને કારણે માઠુ લાગતુ હતું, પણ પછી સમયની સાથે તુ તેવી વાતોથી  ટેવાઈ ગયો, કદાચ તારી પાસે તેને ભુલવા અથવા તેનાથી ટેવાઈ જવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો, ખેર આ બધી વાતો તો આપણે પછી કરીશુ, પણ મુળ વાત ઉપર આવીએ આપણે સ્કુલમાં અભ્યાસ કરતા હતા ત્યારે સમાજશાસ્ત્રના વિષયમાં ઈતિહાસના પાના વધુ હતું ત્યાર બાદ ભુગોળના પાઠ વધુ હતા અને નાગરિક શાસ્ત્રના સૌથી ઓછા પાના આપણે ભણ્યા છીએ ખરેખર આપણને  ત્યારે નાગરિક શાસ્ત્રના વધુ પાઠ ભણાવવાની જરૂર હતી તો કદાચ આપણે આજ કરતા  પણ વધુ સારા નાગરિક થઈ શકયા હોત. તેવી જ રીતે જયારે તુ પોલીસ દળમાં ભરતી થયો ત્યારે પોલીસ ટ્રેનીંગ સ્કુલમાં શારિરીક રીતે રગડી નાખવામાં આવ્યો, આઈપીએસ, સીઆરપીસી અને એવીડન્સ એકટ તારા મગજમાં ઢોંસી ઢોંસી ભરી દેવામાં આવ્યો.

પણ તારી પોલીસ ટ્રેનીંગ સ્કુલના કોઈ આચાર્યએ તને કયારેય સમજાવ્યુ કે નહીં કાયદો અને વ્યવસ્થાનો અર્થ થાય છે દરેક માણસ માણસ તરીકે જીવી શકે તેવી સ્થિતિ આપણે નિર્માણ કરવાની અને તેને જાળવાની જવાબદારી આપણી છે. આખરે તારે તો રોજબરોજ માણસ સાથે જ કામ લેવાનું છે, અને જેમ કોઈ હોસ્પિટલમાં હવાફેર કરવા જતુ નથી તેમ પોલીસ સ્ટેશન પણ ઈચ્છાથી આવતા નથી, એટલે આપણા પોલીસ સ્ટેશનમાં આવનાર માણસ હાશ થવાને બદલે ફફડાટ થવા લાગે છે, આવી સ્થિતિ માટે તુ એકલો જવાબદાર નથી, કારણ તારા  સિનિયર પ્રજા સાથે તો ઠીક પણ તારી સાથે પણ સારો વ્યવહાર કરતા નથી તારી કરતા નાની ઉમંરના સિનિયર પણ તને તમે કહેવાને બદલે તારી સાથે તુકારે વાત કરે છે તેમના તુકારામાં પોતાનાપણુ નથી પણ તેમનો તુકારામાં અધિકાર છે તે મોટા અધિકારી અને તુ નાનો અધિકારી એટલે તને તુકારે બોલાવે છે.

આમ શિક્ષણ વધુ હોવા છતાં માણસ તરીકેની સમજના અભાવના આ પ્રશ્નો છે, આ સ્થિતિમાં વર્ષો સુધી કામ કર્યા પછી તને લાગ્યુ કે તારી કોઈ કદર કરતુ નથી, તને કોઈ માન આપતુ નથી, કોઈને તારી પડી નથી, આ બધી બાબતોની નિરાશાએ તને રૂક્ષ બનાવી દિધો, તારા સ્વભાવમાં બરછટતા આવી ગઈ, પારકા સાથે તો ઠીક પણ પોતાના લોકો સાથે પણ તેવો જ વ્યવહાર કરવા લાગ્યો, આ બધી તારી મર્યાદાઓ છતાં તુ અમારો છે તેની અમને ત્યારે પણ ખબર હતી, અને આજે પણ છે, અમને ખબર છે કે રાત્રે અમે નિરાંતે અમારા પરિવાર સાથે સુઈ જઈએ છીએ કારણ તુ અમારૂ ધ્યાન રાખવા તારા પરિવારને છોડી રાત્રે પોલીસની વાનમાં અમારી સલામતી માટે ફરતો હોય છે, અમે દિવાળીમાં ફટાકડા ફોડતા હોઈએ ત્યારે તુ તારા બાળકોને પત્ની પાસે મુકી અમારા માટે દિવાળીના બજારમાં સલામતીની ચીંતા કરતો ઉભો હોય છે, અમે ઉત્તરાયણમાં ધાબા ઉપર પતંગ ચઢાવતા હોઈએ ત્યારે તુ ચાર રસ્તે બેઠો હોય છે. તે પોલીસ થયા પછી એક પણ તહેવાર તારા પરિવાર સાથે ઉજવ્યો નથી, તે અને તારા પરિવારને આ જ જીંદગીની નસીબની બલિહારી માની લીધી છે.

આમ તારી અનેક સારી બાબતો પણ છે જે અમને સલામતીનો અહેસાસ કરાવે છે, છતાં તુ પોલીસ છે એટલે તારે તો સારૂ કામ કરવાનું જ છે તેવુ માની અમે તને કયારેય થેંકયુ કહેતા નથી, પણ જો તારાથી નાની અમથી ભુલ થાય તો અમે ગાઈ વગાડી તેનો ઠંઠેરો પીટઈએ છીએ, છતાં તને આજે થેંકયુ કહેવાનો સમય આવ્યો છે જે અમારે ચુકવો જોઈએ નહીં, ગુજરાતમાં પુરને કારણે જે સ્થિતિ નિર્માણ થઈ, તેની સાથે તારે કોઈ દેવાદેવા ન્હોતી, તારૂ કામ તો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું હતું, તારે તારૂ પોલીસ સ્ટેશન અને કયાંક રસ્તો બંધ થયો હોય તો ટ્રાફિક નિયંત્રણ કરવાનું હતું, પણ દોસ્ત તે તારી કાયદા પોથી બાજુ ઉપર મુકી ખાખીની પાછળ પણ માણસ જીવે છે તે સાબીત કરી આપ્યુ, પછી તે વડોદરા હોય કે ટંકારા કે પછી ગુજરાતનો કોઈ પણ પુરગ્રસ્ત વિસ્તાર હોય, ગુજરાતના આઈપીએસ અધિકારીથી લઈ છેક છેલ્લો કોન્સટેબલ પણ રસ્તા ઉપર ઉતરી આવ્યો હતો.

તારે મન માણસને મરતો બચાવવો હતો, તારી ચીંતા તો કરી નહીં પણ કદાચ તારો પરિવાર પણ પુરના પાણીમાં ફસાયેલો હશે છતાં તે ખાખીની લાજ રાખવા તારી બંદુક અને લાઠીને બાજુ ઉપર મુકી લોકોના જીવને બચાવવા તારા જીવની બાજી લગાડી હતી, તને ખબર છે અમે જેમને કાયમ ભાંડીએ છીએ તે ખાખી કપડામાં રહેલો માણસ જયારે કોઈ બીજાના બાળકોને પોતાના ખભા  ઉપર બેસાડી છાતી સમા પાણીમાંથી તેમને બહાર લઈ આવતો હતો તેવુ દશ્ર્ય મેં જયારે જોયુ ત્યારે મારી આંખોમાં હર્ષના આંસુ હતું, તે જે કર્યુ તે કાબીલેદાદ છે પણ આંખમાં હર્ષના આંસુ એટલા માટે હતા કે તારી અંદરનો માણસ હજી જીવે છે, જેને બીજાના જીવની ચીંતા છે , આપણે  વિદેશના આ પ્રકારના વિડીયો ઘણી વખત જોયા છે જેમાં એક માણસને બચાવવા માટે આકાશમાં હેલીકોપ્ટર ઉડતુ જોવા મળે છે, પણ દોસ્ત આપણે ત્યાંથી તો ટાંચા સાધનો અને તારી પાસે તો લાઈફ જેકેટ પણ ન્હોતુ છતાં તે જઈ કઈ કર્યુ છે તે જોઈ તને સલામ કરવાનું મન થાય છે.

 

વડોદરાના ડીસીપી સરોજકુમારી હોય કે પીએસઆઈ ચૌહાણ હોય કે પછી પુથ્વીરાજ અને ફિરોજ હોય આ બધાનો ઉત્તમ માણસ હોવાના પ્રતિક છે, જેમનો પોલીસના નાતે જ નહીં પણ એક માણસ હોવાને નાતે માણસ ઉપર હજી પણ ભરોસો કરી શકાય તેવી આશાને જીવંત રાખવાનું કામ કર્યુ છે  પુરની સ્થિતિમાં આ પ્રકારે કામ કરનાર પોલીસ અધિકારીઓ અને જવાનોના તમામના નામ લખીએ તો કદાચ આ જગ્યા પણ નાની પડે, પણ હું સમગ્ર ગુજરાત પોલીસને ફરી એક વખત થેંકયુ કહીશ અને ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારી અંદર રહેલી સારપને કાયમ આમ જીવંત રાખે

 

જય હિંદ                                                                          તમારો દોસ્ત

                                                                                          પ્રશાંત દયાળ