પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણા બાળપણથી  લઈ આપણી હમણાં સુધી સફરમાં અનેક પાત્રો આપણા જીવનમાં આવ્યા અને જતા રહ્યા તેવી જ રીતે આપણે પણ અનેકના જીવનોનો હિસ્સો બન્યા અને જતા રહ્યા છીએ, પણ કેટલાંક પાત્રોને આપણે ભુલી શકતા નથી અને કોઈક પણ આપણને ભુલી શકતા નથી. છતાં આપણે જેમને ભુલી શકતા નથી તે સંબંધો સાથે આપણે  બહુ વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ, સામાન્ય રીતે આપણે ભુલી  શકતા નથી તેવી વ્યકિતથી કોઈને કોઈ કારણસર આપણે અલગ થયા ત્યારે આપણને અલગ થવાની જે પીડા થાય છે તે પીડા માટે આપણે કાયમ સામેની વ્યકિતને જ દોષીત ગણીએ છીએ, હું અહિયા કોઈ પ્રેમી પ્રેમીકાની વાત કરતો નથી પણ હું અહિયા તમામ પ્રકારના સંબંધોની વાત કરૂ છું. જેમાં આપણે સાથે હતા ત્યારે તે સંબંધ ઉત્તમ હતા અને તે સંબંધોમાં વખતે આપણે પોતાને પૃથ્વી ઉપરનો સૌથી સુખી માનતા હતા પણ સંબંધનો અંત આવ્યો ત્યારે આપણે તેની તમામ જવાબદારી સામેની વ્યકિતના માથા ઉપર મુકી દઈએ છીએ.

બાળકનો જન્મ થાય ત્યારે તેનો સૌથી મોટો આનંદ તેના માતા પિતાને હોય છે, તે બહુ લાડકોડથી તેને મોટું કરે છે. બાળકના સુખ માટે તે તમામ પ્રયાસ કરે છે સમય સાથે બાળક મોટું થાય છે તે પોતાની નવી દુનિયા તરફ પ્રયાણ કરે છે, બાળકના સંબંધોની યાદીમાં માતા પિતાની સાથે પત્ની સંબંધ પણ ઉમેરાય  છે અને તે અલગ વિશ્વમાં જાય છે, બાળક જ્યારે માતા પિતાથી કોઈ કારણસર અલગ થાય ત્યારે ચોક્કસ અલગ થવાની પીડા માતા પિતાને થાય છે એટલી બાળકને પણ થાય છે. કારણ જેની સાથે જીવનના 25 વર્ષ પસાર કર્યા તેમને છોડવા કોઈ નાની ઘટના હોતી નથી પણ છતાં જે સંજોગો ઊભા થયા ત્યારે ઘણી વખત અનિવાર્ય હોય છે ત્યારે મોટા ભાગે માતા પિતા તમામ સ્થિતિ માટે બાળકને જવાબદાર ગણે કે, તે વહુ ઘેલો છે, ત્યાંથી લઈ તમામ આરોપ બાળક ઉપર લાગે છે અને જ્યારે પણ કોઈ પ્રસંગમાં બાળક કેમ છે તેવું કોઈ પુછે ત્યાર માતા પિતાના મનમાંથી દુર ગયેલા સંતાન માટે કડવાશ બહાર આવે છે.

આવું જ મિત્રો વચ્ચે પણ થાય છે, જ્યારે મિત્રતા સારી રીતે પસાર થઈ રહી હતી ત્યારે એકબીજા માટે જે કઈ કર્યું તેનો ભાર લાગ્યો નહીં કારણ મિત્ર ગમતો હતો, જ્યારે કોઈ આપણને ગમે ત્યારે તેની નાની મોટી તમામ બાબતો આપણને ગમવા લાગે છે અને ગમતા માટે જ્યારે કઈ કરી તેનો ભાર હોતો નથી, પણ મિત્રતામાં કઈક એવું બન્યું જેમાં અલગ થવુ પડયું અને અલગ થવાની પીડા શબ્દો દ્વારા સમજાવી શકાય નહીં કારણ તે અુનભવની બાબત છે જ્યારે અલગ થયા ત્યારે શરિરને કરવત વડે બે ભાગમાં વહેરી નાખવામાં આવ્યું તેવું લાગ્યું હતું, કદાચ આપણું અલગ થવું નિયતીને આધીન હતું પણ અલગ થવાની પીડા એટલી અસહ્ય હતી કે આપણે અલગ થયા પછી તે પીડા માટે સામેની વ્યકિતને જ જવાબદાર ગણીએ છીએ, ત્યારે તે પીડામાં વધારો થાય છે. આવું તમામ સંબંધનો અંત આવે ત્યારે સરખુ જ થાય છે.

આવું માતા પિતા અને સંતાન વચ્ચે થાય છે, આવું બે મિત્રો, બે પડોશીઓ, બે સાથે નોકરી કરતા સાથીઓ કર્મચારી અને માલિકો, ભાગીદારો અને પ્રેમી-પ્રેમીકાઓ વચ્ચે પણ થાય, પણ જ્યારે આપણે સાથે  હોઈએ ત્યારે  આપણને સંબંધનો ભાર લાગતો નથી કારણ બધુ બરાબર ચાલી રહ્યું હતું પણ અલગ થયા પછી જ્યારે સંબંધનો અંત આવી ગયો ત્યારે સંબંધ નહીં હોવાની હળવાશ હોવી જોઈએ તેના બદલે સંબંધ તૂટવાના ભારના તળે આપણે દબાઈ જઈએ છીએ. આવું એટલા માટે થાય છે કારણ જ્યારે આપણે સાથે હતા ત્યારે એટલી બધી સારી બાબતો આપણા જીવનમાં થઈ હતી જેને આપણે યાદ કરતા નથી પણ જે કઈ ખરાબ થયું તે બાબતને અજગર જેમ કોઈ વૃક્ષે વીંટળાય તેમ આપણે વીંટળાયેલા રહીએ છીએ. આપણે આપણી ખરાબ યાદોને છોડવા જ માગતા નથી, અરે ખરાબ થયું તે ના થયું હોત તો સારૂ હતું... પણ ખરાબ થયું તેના કરતા આપણા સંબંધોમાં સારૂ વધારે થયું તેને આપણે યાદ કરીશું તો કદાચ સંબંધ તૂટવાની પીડાને આપણે હળવી કરી શકીશું.

સંબંધ કાચ કરતા પણ નાજુક હોય છે કાચ તૂટે તો અવાજ પણ કરે છે પણ સંબંધ તૂટે ત્યારે નીરવ શાંતિ હોય છે. સંબંધ તૂટવાનો અવાજ હોતો નથી. જ્યારે સંબંધ તૂટવાની શાંતિનો જન્મ થાય છે ત્યારે તે શાંતિ આપણને અકળાવે છે ડરાવે છે અને કયારેક રડાવે પણ છે. ત્યારે આપણે તે શાંતિના ડરને તોડવા ચીસો પાડીને પાડીને તું જ જવાબદાર.. તું જ જવાબદાર... તેવો આરોપ સામેની વ્યકિત ઉપર મુકીએ છીએ ત્યારે આરોપ પડઘો બની સામે આવે છે કારણ આપણે જેની ઉપર આરોપ મુકયો તે કોઈક દિવસ આપણો સ્વજન હતો, મિત્ર હતો, પ્રેમી હતો, સામે પક્ષે આપણા જેવી પીડા તેને પણ થાય છે અને તે પણ તેની પીડાને હળવી કરતા તમારા જેવી જ ભુલ કરે છે અને તે પણ તમને જ દોષીત માને છે. આવી ભુલ મેં પણ કરી છે કેટલાંક સંબંધોને આજે હું પણ ભુલાવી શક્યો નથી પણ મેં તૂટેલા સંબંધને યાદ કર્યા ત્યારે યાદ આવુ કે સંબંધ તૂટવાના દિવસ પહેલા કેટલુ બધુ સારૂ થયું હતું જ્યારે સારૂ થઈ રહ્યું હતું ત્યારે હું પોતાને દુનિયાનો ધનીક માની રહ્યો હતો તે દિવસના સારા અહેસાસને મેં ફરી અનુભવવાનો પયત્ન કરી જોયો તો મારા શરિરમાંથી એક અદ્દભુત રોમાંચ પસાર થઈ ગયો,

મેં મારા તુટેલા સંબંધોને યાદ કરી તેમની સાથે પસાર કરેલા સારા સમયને યાદ કર્યો ત્યારે મનમાં રહેલો ડંખ ઓગળવા લાગ્યો જ્યારે પણ મને આજે તૂટેલા સંબંધની યાદ આવે છે ત્યારે હું કહું છું કે તારી સાથે પસાર કરેલી તમામ સારી ક્ષણો મને આજે પણ યાદ છે અને  તે સારી ક્ષણો માટે હું તારો આભાર માનુ છું ત્યારે મનમાં એક હળવાશનો જન્મ થાય.