મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : ગતિશીલ ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે અધોગતિના પંથે છે પ્રાથમિક શાળાઓનું શિક્ષણ ખાડે ગયું છે. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીના અભાવે દયનિય સ્થિતિ પ્રવર્તી રહી છે. અંતરિયાળ વિસ્તરોમાં તો વિદ્યાર્થીઓ અભ્યાસ થી વંચિત રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સંયુક્ત શિક્ષણ નિયામકના પરિપત્રથી શિક્ષણ આલમમાં રોષ ફેલાયો છે જેમાં શિક્ષકોને એક વિચિત્ર જવાબદારી સોંપવામાં આવી છે. હવે લગ્ન પ્રસંગમાં ભોજનનો બગાડ અટકાવવાનું કામ શિક્ષકોને સોંપવામાં આવ્યું છે. ‘સામાજિક સંમેલન, લગ્ન, જન્મદિવસની ઉજવણીમાં ભોજનનો બગાડ ન થાય તેનું ધ્યાન શિક્ષકોને રાખવાનું રહેશે. 

થોડા સમય અગાઉ બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં તીડ ત્રાટકતા તીડ ભગાડવાની કામગીરી સોંપતા વિવાદનું કેન્દ્ર બની હતી. રાજ્યના પ્રાથમિક શિક્ષકોને નીતનવી ફરજો સોંપતા શિક્ષણનું સ્તર કથળતું હોવાથી શિક્ષકોએ ભારે વિરોધ નોંધાવી ચુક્યા છે.  ત્યારે વધુ એક વિચિત્ર પરિપત્ર થી શિક્ષકોમાં આક્રોશ ફેલાયો છે. સયુંક્ત શિક્ષણ નિયામકે જીલ્લા શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને પરિપત્ર કરી આદેશ આપ્યો છે અને શિક્ષકોને ખોરાકનો બગાડ અટકે તે માટે જનજાગૃતિનું કામ સોંપાયું છે. અન્નનો બગાડ અટકાવવાના માર્ગ શોધવાની કામગીરી શિક્ષકોના શિરે ફાળવવામાં આવી છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓને આ અંગે સૂચના અપાઇ છે. 

ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને સરકારની કેટલીક કામગીરીમાં અવાર-નવાર પરિપત્ર કરી જોતરી દેવામાં આવતા હોવાથી શિક્ષકોમાં બૂમો ઉઠતી રહે છે .
શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવાની જગ્યાએ સરકારે સોંપેલી આવી જવાબદારીઓમાં વ્યસ્ત રહેશે તો ગુજરાતનું ભાવી કેવી રીતે ભણશે. કેવી રીતે ગુજરાતમાં શિક્ષણદર ઉંચો આવશે. શું શિક્ષકો વૈકલ્પિક કામગીરી માટેનું એક વિકલ્પ બની ગયા છે. શું શિક્ષકો માટે બહાર પડતા પરિપત્રો અને આદેશો પહેલાં તંત્ર ગુજરાતના ભાવી માટે વિચારતું નથી કે શું...? તેવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે હાલ આ પરિપત્રથી સોશ્યલ મીડિયામાં મજાક ઉડી રહી છે.