જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની સજ્જતા સર્વે કસોટી જાહેર કર્યા પછી કસોટીને લઈને ભારે વિવાદ વકર્યો હતો. અનેક શિક્ષકો આ પરીક્ષા આપવા તૈયાર ન્હોતા. શિક્ષકોમાં કચવાટ જોવા મળી રહ્યો હતો. જ્યારે સરકારે યેન કેન પ્રકારે શિક્ષકો પરીક્ષા આપે અને સંખ્યા વધે તે માટે છેલ્લી ઘડી સુધી પ્રયત્ન હાથધર્યા હતા. પ્રાથમિક શિક્ષકોના બે સંઘ પણ આમને શિક્ષક સજ્જતા સર્વક્ષણ કસોટીને લઇને આમને સામને આવી ગયા હતા.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે તો કસોટીનો બહિષ્કાર કરવા સોશ્યલ મીડિયાના માધ્યમથી શિક્ષકોને અપીલ કરી હતી ત્યારે આજે યોજાયેલી યોજાયેલી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીનો અરવલ્લી જીલ્લામાં ફિયાસ્કો થયો હોય તેમ જીલ્લામાં ૩૦.૬૩ ટકા શિક્ષકોએ કસોટીમાં ભાગ લીધો હતો. 

રાજ્ય સકરકાર દ્વારા પ્રાથમિક શિક્ષકોનું મૂલ્યાંકન કરી તેમને વિષય વસ્તુની તાલીમ મળી રહે માટે પ્રાથમિક શિક્ષક સજ્જતા સર્વેક્ષણ ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની ૩૬ હજાર શાળાઓના ૨ લાખ શિક્ષકોનું સર્વેક્ષણ થાય તે હેતુથી આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતા ૫૪૦૦ જેટલા શિક્ષકોમાંથી ૧૬૨૨ શિક્ષકોએ શિક્ષક સજ્જતા કસોટી આપી હતી. જયારે ૩૬૭૩ શિક્ષકોએ કસોટીનો બહિષ્કાર કર્યો હતો. જીલ્લામાં સૌથી વધું બાયડ તાલુકામાં ૪૬૩ અને સૌથી ઓછા મેઘરજ તાલુકામાં ૧૮૪ શિક્ષકોએ કસોટી આપી હતી.