મેરાન્યૂઝ.નેટવર્ક,મોડાસા: મોડાસા શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શ્રી.સી.જી.બુટાલા સર્વોદય હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકનું શાળાના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરતા કરતા શાળા પરિસરમાં ઢળી પડતા શાળાના શિક્ષકોએ તાબડતોડ મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા શાળા પરિવાર સહીત જીલ્લાના શિક્ષણ જગતમાં ભારે શોકાગ્નિ છવાઈ હતી ચાલુ શાળાએ શિક્ષકનું હાર્ટ એટેક થી મોત નિપજતા પરિવારજનો અને સગા-સંબંધીઓ દવાખાને દોડી આવી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.

મોડાસા શહેરની મોડાસા કેળવણી મંડળ સંચાલિત શ્રી. સી.જી.બુટાલા સર્વોદય હાઈસ્કૂલમાં સોશ્યલ સાયન્સના શિક્ષક અને વક્તા અને વિદ્યાર્થીઓ પ્રિય એવા કમલેશભાઈ. કે .પટેલ રાબેતા મુજબ શાળાએ પહોંચ્યા હતા શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ અર્થે વાર્તાલાપ કરતા કરતા વિદ્યાર્થીના ખભે હાથ રાખી ઢળી પડતા વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોમાં ભારે દોડધામ મચી હતી અને તાત્કાલિક મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા શિક્ષકના આકસ્મિક નિધનથી શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ આઘાતમાં સરી પડ્યા હતા સર્વોદય હાઈસ્કૂલના હોનહાર શિક્ષક કમલેશભાઈ પટેલનું આકસ્મિક  મોત નિપજતા મોટી સંખ્યામાં શિક્ષણજગત સાથે સંકળાયેલા લોકો અને મિત્ર વર્તુળ સાર્વજનિક હોસ્પિટલ પહોંચ્યું હતું શિક્ષકના પરિવારજનો અને સગા-સંબંધીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા શિક્ષકના પરિવારજનો અને સગા-સંબંધીઓ ભારે આક્રંદ કરી મુકતા કોણ કોને સમજાવે અને કોણ કોને મનાવે તેવા દ્રશ્યો થી વાતાવરણ ગમગીન બન્યું હતું.
 
શાળા પરિવાર અને શિક્ષણ જગતના અગ્રણીઓએ કમલેશ પટેલના પ્રખરવક્તા અને વિદ્યાર્થીઓના પ્રિય તરીકે મેળવેલ સ્થાન ક્યારેય નહિ પુરાય તેવું જણાવ્યું હતું.