રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): નવ સગીર વિદ્યાર્થીનીઓને ભગાડી જનાર સિરિયલ રેપિસ્ટ, લંપટ શિક્ષક ધવલ હરિશચંદ્ર ત્રિવેદીની, દિલ્હી CBIએ હિમાચલ પ્રદેશથી 13 સપ્ટેમ્બર 2020ના રોજ ધરપકડ કરી છે. ધવલના પિતા ફિલોસોફીના નિવૃત પ્રોફેસર છે; તેના ભાઈ અને ભાભી પણ પ્રોફેસર છે. ધવલ પોતે ગ્રેજ્યુએટ છે. CBIએ ધવલની માહિતી આપનારને પાંચ લાખનું ઈનામ જાહેર કર્યું હતું. ધવલ ચોટિલામાં ટ્યુશન ક્લાસ ચલાવતો હતો. 11 ઓગષ્ટ 2018 ના રોજ કિશોરીને ભગાડી ગયો હતો. કિશોરીને ગર્ભ રહેતા ધવલે એબોર્શન માટે દબાણ કર્યું હતું પરંતુ કિશોરીએ ઈન્કાર કરતા ધવલે કિશોરીને તરછોડી દીધી હતી.

કિશોરી 5 જૂન 2020ના રોજ પિતાને ત્યાં પરત આવી હતી. તે પહેલા કિશોરીનો પત્તો મેળવવા પિતાએ ચોટિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી; ઉપરી અધિકારીઓ અને ગાંધીનગર સુધી વિનંતીઓ કરી હતી; પણ કિશોરીનો પત્તો લાગ્યો ન હતો. ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ પીટિશન થતાં હાઈકોર્ટે તપાસ CBIને સોંપી હતી. ચોટિલાની કિશોરીને ભગાડી ગયો તે પહેલા આઠ કિશોરીઓને ધવલ ભગાડી ચૂક્યો હતો ! 2012 માં, પડધરીની બે કિશોરીને ધવલ ભગાડી ગયો હતો. તે કેસમાં રાજકોટ CID ક્રાઈમે ધવલને હરિયાણામાંથી ઝડપીને જેલ ભેગો કર્યો હતો.


 

 

 

 

કિશોરીનું અપહરણ અને દુષ્કર્મ સબબ રાજકોટની કોર્ટે આજીવન કેદની સજા કરી હતી; પરંતુ 15 દિવસના પેરોલ ઉપર છૂટ્યો હતો. ચોટિલા જઈ સ્પોકન ઈંગ્લિશ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ક્લાસ શરુ કર્યા હતા; તે દરમિયાન કિશોરીને ભગાડી જવાનો તેને મોકો મળ્યો હતો ! નવ કિશોરીઓને ભગાડી જનાર સિરિયલ રેપિસ્ટ, લંપટને પેરોલ ઉપર છૂટવાની તક શા માટે મળે છે? અગાઉ આઠ કિશોરીઓને ભોળવીને ભગાડી જનાર પેરોલ ઉપર છૂટીને ફરાર થઈ ગયો અને ચોટિલા આવી નવમી કિશોરીને ભગાડી ગયો ! આવા લંપટને પેરોલ ઉપર છોડનાર ઓથોરિટીની કોઈ જવાબદારી ખરી કે નહીં? જો કેદી ધવલને પેરોલ મળ્યા ન હોત તો ચોટિલાની કિશોરીનું જીવન જુદું જ હોત !

શામાટે કેદીઓને પેરોલ / ફર્લો ઉપર છોડવામાં આવે છે? સજા થયેલા કેદીને નજીકના સગાની ગંભીર બીમારી, મરણ, લગ્ન પ્રસંગે ઉચિત લાગે તેટલા દિવસની પેરોલ રજા ઉપર છોડવામાં આવે છે. અમદાવાદ મધ્યસ્થ જેલના કેદીઓની પેરોલ જેલના વડા મંજૂર કરે છે; જ્યારે બાકીના શહેર, જિલ્લામાં આ સત્તા જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે છે. પેરોલમાં ભોગવેલા દિવસો સજામાં લંબાઈ જાય છે. ફર્લો એટલે કેદીઓની હક્ક રજા ! પાંચ વર્ષની સજા પામેલા કેદીઓને દર વર્ષે, વર્ષ દીઠ 14 દિવસ અને પાંચ વર્ષથી વધુ સજા પામેલા કેદીને દર બે વર્ષે, 14 દિવસ ફર્લો રજા મળી શકે છે. ફર્લો રજા જેલના વડા મંજૂર કરે છે. ફર્લોમાં ભોગવેલ દિવસો સજામાં લંબાઈ જતા નથી. કેદીને પેરોલ / ફર્લો  ઉપર છોડતા અગાઉ ફરી જેલમાં પરત ફરશે તે માટે જામીન પાસે બાંહેધરી લેવામાં આવે છે.

પેરોલ / ફર્લો ઉપર કેદીને છોડતા પહેલા સંબંધિત પોલીસ વડાનો અભિપ્રાય લેવામાં આવે છે. જેલમાંથી કેદીઓને ફર્લો / પેરોલ ઉપર છોડવામાં આવે તે પછી તેઓ ફર્લો જમ્પ / પેરોલ જમ્પ કરી જાય છે. ફરાર થઈને બળાત્કાર, અપહરણ, મર્ડર કરે છે. આવા કેદીઓને ફરી પકડવામાં પોલીસના નાકે દમ આવી જાય છે. કોઈક કિસ્સામાં 10/20 વર્ષે ફરી પકડાય છે !

જેલનો વહિવટ પ્રિઝન્સ એક્ટ-1894, પ્રિઝનર્સ એક્ટ-1900, જેલ મેન્યુઅલ- 1955 હેઠળ થાય છે. પોલીસતંત્રમાં સુધારની જરુર છે ; એટલી જ સુધારાની જરુરિયાત જેલતંત્રમાં પણ છે. આપણું જેલતંત્ર, મૂડીપતિઓ, રાજકીય વગવાળા માટે દયાળુ છે; પોલીસ કમિશ્નર, SPનો નેગેટિવ અભિપ્રાય હોય છતાં તેમને પેરોલ મળી જાય છે ! અંગ્રેજોના સમયથી ચાલતા કાયદા, મેન્યુઅલમાં ફેરફાર કરવાની જરુર છે. અંગ્રેજ શાસન દરમિયાન વ્યક્તિની સ્વતંત્રતા કરતા મિલકતને મહત્વ આપવામાં આવ્યું હતું કેમકે, તેમને ‘વ્યક્તિ’ કરતાં ‘મિલકત’ની વધુ ચિંતા હતી ! એટલા માટે આજે પણ બળાત્કારીને, હત્યારાને પેરોલ મળે છે; પરંતુ મામૂલી-ટેક્નિકલ લૂંટ, ઘાડમાં સંડોવાયેલ કેદીને પેરોલ ઉપર છોડવાની મનાઈ છે !