રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): હરિયાણાના વલ્લભગઢમાં કોલેજમાં ભણતી નિકિતા તોમર [20] પરીક્ષા આપીને ઘેર જઈ રહી હતી ત્યારે તૌસીફ કાર લઈને આવ્યો અને નિકિતાને કારમાં બેસાડવા જબરજસ્તી કરી. નિકિતાએ કારમાં બેસવાનો ઈન્કાર કર્યો તો તેના કપાળમાં ગોળી મારી દીધી. આ ઘટના 26 ઓક્ટોબર 2020 ના રોજ સાંજના ચાર વાગ્યે બની હતી; નિકિતાનો જીવ સ્થળ ઉપર જ જતો રહ્યો. તૌસીફ નિકિતાને પ્રેમ કરતો હતો. નિકિતાને ધર્મ પરિવર્તન માટે તૌસીફ દબાણ કરતો હતો; નિકિતા તે માટે તૈયાર ન હતી. 2018 માં તૌસીફે નિકિતાનું અપહરણ કર્યું હતું ! પોલીસે તૌસીફને એરેસ્ટ પણ કર્યો હતો. તૌસીફ 12 ધોરણ સુધી નિકિતા સાથે જ ભણ્યો હતો. નિકિતા હોશિયાર હતી. 12 માં ધોરણમાં 95% હતા ! નિકિતા BComમાં દર વર્ષે ટોપર રહેતી હતી. તેની ઈચ્છા આર્મીમાં લેફ્ટનેન્ટ બની દેશ સેવા કરવાની હતી. થોડા સમય પહેલા એરફોર્સમાં ઓફિસર રેન્ક માટે પરીક્ષા આપી હતી. 26 ઓક્ટોબરના રોજ તેણે  BComનું છેલ્લું પેપર આપ્યું હતું.

નિકિતાની હત્યા સબબ પોલીસે તૌસીફને અટક કર્યો ત્યારે તૌસીફે કહ્યું : ‘મૈંને ઉસે માર ડાલા ક્યોંકિ વહ કિસી ઔર સે શાદી કરને વાલી થી !’

કેટલાંક પ્રશ્નો : [1] નિકિતાએ તૌસીફ સાથે લગ્ન કરવા કે નહીં; તેનો નિર્ણય નિકિતાએ કરવાનો કે તૌસીફે? [2] નિકિતા કોઈ ચીજવસ્તુ હતી? જો તે બીજા કોઈ સાથે લગ્ન કરે તો તૌસીફને શા માટે વાંધો હોવો જોઈએ? શું તૌસીફે નિકિતાને ખરીદી લીધી હતી? [3] તૌસીફ નિકિતાને પ્રેમ કરતો હોય તો ધર્મપરિવર્તનનો આગ્રહ તેણે કેમ રાખ્યો? [4] નિકિતા ‘ના’ કહે તોય બળજબરી કરવાની? ગોળી મારી હત્યા કરવાની? આ કેવી માનસિક્તા? વાસ્તવમાં પ્રેમ, લાગણી, સંવેદના હોય તે માણસ આવું રાક્ષસી કૃત્ય કરી શકે? [5] તૌસીફના આ રાક્ષસી કૃત્ય માટે ફાંસી થવી જોઈએ કે નહીં?