મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ સમગ્ર રાજ્યમાં કોરોનાએ ભારે કહેર મચાવ્યો છે અને મોટાભાગના જિલ્લામાં ઓક્સિજન ખુટી પડવાના અહેવાલો મળી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લામાં ઓક્સીજનની ઉણપ ન સર્જાય તેમાટે જામનગર થી ઓક્સીજન ઉત્પન્ન કરવા વપરાતા રો મટેરીયલ ભરેલ ટેન્કર પોલીસ બંદોબસ્ત વચ્ચે રવિવારે ઓક્સીજન ઉત્પાદન કરતી વિનાયક કોર્પોરેશન કંપની ખાતે લાવવામાં આવી હતી અને વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત કરી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ ઓક્સીજન પહોંચાડવા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જીલ્લામાં ૧૩ ટન  જેટલો ઓક્સિજન જિલ્લામાં સંગ્રહ કરાયેલ છે.જીલ્લામા ઓક્સીજનની માંગને પગલે તંગી ન સર્જાય તે માટે દરરોજ એક ટેંકર રો-મટેરીયલ લાવવા માટે સૂચના આપવામાં આવી છે.


 

 

 

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર,અરવલ્લી જિલ્લામાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું છે અને દરરોજના ૨૦ થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ તંત્રના ચોપડે નોંધાઈ રહ્યા છે બીજીબાજુ રેપીડ ટેસ્ટમાં અધધ દર્દીઓ કોરોનાથી સંક્રમીત હોવાનું અને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અને આ દર્દીઓ વધવાની સાથે જ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ સંપૂર્ણપણે ભરાઈ જવા પામ્યા છે. જેથી દર્દીઓની પણ હાલાકી કરવી ન પડે તે હેતુસર વહીવટી તંત્ર દ્વારા વધારાના બેડની વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી છે.જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થતા હાહાકાર  મચ્યો છે અને તેને લઈ જિલ્લાની હોસ્પિટલોમાં સામાન્ય દિવસો કરતાં હાલની પરિસ્થિતિએ ઓક્સિજનની માંગ પણ વધી છે.

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં ઓક્સીજન સપ્લાય કરતી વિનાયક ગેસ એજન્સીમાં ઉત્પાદન થયેલ ઓક્સીજન સરકારી અને ખાનગી હોસ્પીટલમાં ઓક્સીજન પહોચાડવા વહીવટી તંત્રના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.