મેરાન્યૂઝ નેટવર્ક.ટંકારા: ટંકારાના જોધપર ઝાલા ગામે બાતમીના આધારે દારૂની રેડ કરવા ગયેલી ટંકારા પોલીસની ટિમ ઉપર બુટલેગર્સએ પથ્થરમારો કરતા ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસ પર થયેલા હુમલામાં ઘાયલ પોલીસ કર્મીઓને સારવાર માટે દવાખાને ખસેડાયા છે. જ્યારે બનાવ બાદ મોરબી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.

બનાવની મળતી વિગત મુજબ ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા વિક્રમભાઈ આહિર ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના સમયે અમને બાતમી મળી હતી કે,  જયપાલસિંહ ઝાલા નામના વ્યક્તિનો દારૂ અમૃત કોળીના મકાનમાં છે, ત્યાં ટંકારા પોલીસના રવિ ગઢવી, મોહમ્મદભાઈ બ્લોચ,  રમેશભાઈ ચાવડા, વિક્રમભાઈ આહીર અને પ્રવીણભાઈ મેવા સહિતના જવાનોએ રેડ કરવા ગયા હતા. જ્યાં આ  દારૂનો જથ્થો પોલીસ હાથમાં ન આવે તેના માટે જયપાલસિંહ પ્રવિણસિંહ ઝાલા, પ્રદીપસિંહ ઝાલા, હરદેવસિંહ ઝાલા, કુલદીપસિંહ ઝાલા, શક્તિસિંહ ઝાલા, જસમત કોળી, અમૃત કોળી અને જયપાલસિંહના તથા અન્ય 3 થી 4 અજાણ્યા લોકો સાથે મળી લાકડા ધોકા, પાઇપ અને પથ્થર વડે પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. જેમાં પોલીસ કર્મીઓને ઇજા થતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ઘટનનાની જાણ થતાં ટંકારા પોલીસ, એસ.પી., ડી.વાય.એસ.પી., એલ.સી.બી., એસ.ઓ.જી. સહિતની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને પોલીસ પર હુમલો કરનાર શખ્સોને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી.