મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ તેમના પુત્ર અને રાજવી પરિવારના યુવરાજ માંધાતાસિંહ જાડેજા હવે રાજા બનશે. તેમના રાજતિલકની તૈયારીઓ પણ શરૂ થઈ ચુકી છે. તેઓની રાજકોટ રાજ્ય પરિવારના 17માં રાજવી તરીકેની રાજતિલક જાન્યુઆરી માસના અંતે સંપન્ન થશે. આ રાજતિલક દરમિયાન કેટલાક એવા કાર્યક્રમો પણ સામે આવશે જે સહુને આશ્ચર્યચકીત કરી દેશે. અગાઉ ક્યારેય ન થયો હોય એવો રાજસૂય યજ્ઞ આ રાજતિલક દરમિયાન કરવામાં આવશે. જે યજ્ઞમાં 300 જેટલા બ્રાહ્મણો આહુતિ આપશે. દેશના અન્ય રાજ્યોના રજવાડાં અને ગુજરાતના રાજવી પરિવાર તેમજ સંતો-મહેતો, અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ સમારોહ યોજાશે. 27થી 29 જાન્યુઆરી સુધી એમ ત્રણ દિવસ સુધી આ સમારોહ ચાલશે. આ અંગે આજે રણજીત વિલાસપેલેસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. જેમાં યુવરાણી કાદમ્બરીદેવી દ્વારા રાજતિલક દરમિયાનની કેટલીક માહિતી આપાવમાં આવી હતી. 28 જાન્યુઆરીએ સવારે 10 વાગે 3 હજાર ક્ષત્રિય મહિલાઓ તલવાર રાસ રજૂ કરશે જેની નોંધ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થશે. અગાઉ 2000 રાજપૂત મહિલાઓ દ્વારા તલવાર રાસથી રેકોર્ડ કરવામાં આવ્યો હતો જેમાં હવે 2500-3000 જેટલી મહેિલાઓ તલવાર રાસ રમીને આ રેકોર્ડને તોડશે.

ત્રણ દિવસ યોજાનાર કાર્યક્રમો

27 જાન્યુઆરી

સાંજે 4.30થી 6 વાગ્યા સુધી દેહશુદ્ધિ, દશવીધી સ્નાન

28 જાન્યુઆરી

સવારે 8.30થી 1 વાગ્યા સુધી પૂજન (અન્ય ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિઓ), સવારે 10 વાગે 3 હજાર ક્ષત્રિય દીકરીઓ દ્વારા તલવાર રાસ, સાંજે 4થી 6 વાગ્યા સુધીમાં નગરયાત્રા. જેમાં જૂની વિન્ટેજ કાર, બગીઓ, પાટ, ઘોડા, હાથી, બળદગાડા, બેન્ડ, નગારા, શરણાઇ, અન્ય જગ્યાએ વિવિધ સમાજ દ્વારા સન્માન, ફુલવર્ષા, સાંસ્કૃતિક કાર્યક્રમો, જુદા જુદા સ્ટેજો સાથેની આ ઐતિહાસિક નગરયાત્રા રહેશે. સંતો-મહંતો પણ મોટરો અને બગીઓમાં બિરાજમાન થશે.

29-જાન્યુઆરી

સવારે 9.30થી 1 વાગ્યા સુધીમાં વિવિધ પૂજન વિધિ, 300 બ્રાહ્મણો દ્વારા અભિષેક (વિશ્વ રેકોર્ડનો પ્રયાસ), બપોરે 3થી 6 વાગ્યા સુધીમાં વિવિધ પૂજન વિધિઓ, સાંજે 7.30થી 9.30 વાગ્યા સુધીમાં 7 હજારથી 10 હજાર દીપમાળા 300થી વધારે લોકો પ્રજ્વલિત કરીને રાજકોટ રાજ્યનું રાજચિન્હ બનાવીને જ્યોતિ પર્વ મનાવશે. આનો પણ વર્લ્ડ રેકોર્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.