જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા): રાજ્યમાં કોરોના વાયરસનો કાળો કેર વર્તાઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવના ૪૩ દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. તે સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસ ૩ લોકોને ભરખી ગયો છે. આ મહામારી સામે ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર બાથ ભીડી રહ્યું છે. કેન્દ્ર સરકારે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરી દીધું છે. 

કોરોનાની મહામારીની ગંભીરતા સમજી લોકો મૃતક સ્વજન પાછળ બેસણું અને લોકાચાર અને મરણોત્તર વિધિ મુલત્વી રાખી રહ્યા છે. 

તલોદ તાલુકાના પુંસરી ગામે જયંતીભાઈ દરજીનું આકસ્મિક નિધન થતા પરિવારજનોએ ડિજિટલ બેસણું રાખી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મૃતકનો મુંબઈ રહેતો પુત્ર પણ ભારે હૈયે કોરોનાની ગંભીરતા સમજી વીડિયો કોન્ફરન્સથી પિતાને શોકાંજલિ પાઠવી હતી.

પુંસરી ગામને સમગ્ર દેશમાં સૌપ્રથમ સ્માર્ટ વિલેજ બનાવનાર અને સરકારના કુપોષણ મુક્ત ભારત પ્રોજેક્ટના સીઈઓ હિમાંશુ પટેલે કોરોનાની મહામારી વચ્ચે બુધવારે પુંસરીમાં જયંતીભાઈ દરજીનું આકસ્મિક નિધન થતા મૃતકના પરિવારજનો અને કૌટુંબિક અગ્રણીઓ સાથે ચર્ચા કરી દુઃખદ પ્રસંગમાં બેસણું રાખવામાં આવેતો દુઃખમાં ભાગીદાર થવા અને શોકાંજલિ પાઠવવા મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટે તો કોરોના વાયરસ સંક્રમણની શક્યતાઓના પગલે ડિજિટલ બેસણું યોજવાનો નિર્ણ્ય લેવામાં આવ્યો હતો.

પુંસરી ગામે જયંતીભાઈ દરજીનું ડિજિટલ બેસણું પુંસરી ગ્રામ પંચાયતના આઈ.ડી અને મૃતકના ભત્રીજા આશિષ દરજીના એફ.બી આઈ.ડી નો ઉપયોગ કરી ફેસબુક લાઈવ અને વીડિયો 

કોન્ફરન્સથી યોજ્યું હતું. જેમાં મૃતકના મુંબઈ રહેતા પુત્ર અને રાજ્ય અને દેશમાં વસવાટ કરતા સગા-સંબંધીઓએ શોકાંજલિ પાઠવી હતી ટેક્નોલોજીનો ઉપયોગ કરી દરજી પરિવારે દુઃખદ પરિસ્થિતિમાં લોકડાઉનની સ્થિતિમાં કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા સરાહનીય કામ કરવાની સાથે લોકોને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.