મેરાન્યૂઝ નેટવર્ક.ગીરસોમનાથ: તાલાલાનાં બોરવાવ ગામે આવેલા ગોળનાં રાબડામાં બુધવારે શેરડીનું કટીંગ કામ ચાલતું હતું. ત્યારે અચાનક એક દિપડો આવી ચડ્યો હતો અને રમી રહેલા સંજયભાઇ દેવશીભાઇ શીંગાળાનાં 8 વર્ષનાં પુત્ર અશોકને મોઢામાં પકડી નાસવા લાગ્યો હતો. ત્યાં બાજુનાં ખેતરમાં કામ કરતાં પિતા સંતુભાઈ ઠાકોરની નજર પડી. પુત્રને દિપડાના મોંઢામાં જોઈ પિતાનો પિત્તો ગયો અને પુત્રનો જીવ જોખમમાં છે તેવું તેમણે તુરંત ભાંખી લીધું. પિતા સંતુભાઇ ઠાકોરે દિપડા પાછળ દોટ મૂકી અને જોરથી બુમાબુમ કરી હતી.

જેને લઈને ગભરાયેલા દિપડાના મોઢામાંથી અશોક પડી ગયો હતો. જ્યારે દિપડો શેરડીની વાડીમાં નાસી છૂટ્યો હતો. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તેમજ વનવિભાગનો કાફલો દોડી આવ્યો હતો અને અલગ- અલગ જગ્યાએ બે પાંજરા ગોઠવી કલાકોની જહેમત બાદ દિપડાને પાંજરે પુર્યો હતો.